________________
૩૪૪
જિનમાર્ગનું જતન શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમના નવા મકાનનું તા. ૨૬-૨-૧૯૬ ૭ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું એ વાતને ચારેક મહિના થવા આવ્યા. એ પ્રસંગે જૈન સમાજના ઘણા અગ્રણીઓ હાજર હતા, અને એમાંના અનેકે શ્રાવિકાશ્રમનો વિશેષ વિકાસ કેવી રીતે થાય એ અંગે પોતાના વિચારો દર્શાવ્યા હતા, તેમ જ કેટલાક ઉપયોગી સૂચનો પણ કર્યા હતાં. આ વિચારો અને સૂચનો સંસ્થાને વધુ પગભર અને વધુ કાર્યક્ષમ બનાવવા અંગે બની શકે તેટલા પ્રમાણમાં અમલમાં મૂકવા જેવાં હોવાથી એ વીસરાઈ જશે એમ માનવાને તો કારણ નથી; છતાં સંસ્થાના તેમ જ આખા સમાજના હિતની દૃષ્ટિએ એ વાતોની યાદને તાજી કરવી ઉચિત લાગવાથી અમે આ લખવા પ્રેરાયા છીએ.
ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થાના વિશેષ ઉત્કર્ષની દૃષ્ટિએ જે વિચારો તેમ જ સૂચનો રજૂ કરવામાં આવ્યાં હતાં અને સામાન્ય રીતે બે ભાગમાં વહેંચી શકાય : (૧) શિક્ષણવિકાસ-સંબંધી અને (૨) સંસ્થાને આર્થિક દૃષ્ટિએ પગભર બનાવવા અંગે. શ્રાવિકાશ્રમનો આ બંને દૃષ્ટિએ વિશેષ ઉત્કર્ષ થાય તો એ સંસ્થા પહેલાં કરતાં પણ વધુ સંગીન કામ કરી શકે, એટલે એ અંગે કેટલીક વિચારણા કરવી ઈષ્ટ લાગે છે.
સંસ્થામાં ધાર્મિક શિક્ષણ જેટલી જ વ્યાવહારિક શિક્ષણની, તેમ જ કેળવણીકારની જરૂર અંગે આપણા જાણીતા ઉદ્યોગપતિ અને વિચારક શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીએ સમારંભમાં સુયોગ્ય રીતે રજૂઆત કરી હતી એમ સમારંભનો અહેવાલ જોતાં લાગે છે.
એમણે સંસ્થાના સંચાલનમાં નિશ્ચય અને વ્યવહાર બંને દૃષ્ટિનો ખ્યાલ રાખવાની સૂચના કરવાની સાથોસાથ સંસ્થામાં કેળવણીશાસ્ત્રની જાણકાર વ્યક્તિને રાખવાની જે વાત કહી છે, તે સંસ્થાના સર્વાગીણ અથવા આંતરિક વિકાસની દૃષ્ટિએ ઘણી અગત્યની વાત છે. અત્યાર સુધી સંસ્થાએ પોતાની શક્તિ અને સૂઝ પ્રમાણે જે કામ કર્યું છે, તેથી એનું ગૌરવ વધવા સાથે સમાજને એની ઉપયોગિતા પણ સમજાઈ છે એમાં શંકા નથી. શ્રી અમૃતલાલ શેઠે મૌલિક કહી શકાય એવી જે રચના કરી છે તે આ સંસ્થાના વધુ વિકાસની દૃષ્ટિએ જ કરી છે. તેના અમલથી આ સંસ્થામાં અભ્યાસ કરવા જતી બહેનોની કેળવણી વધુ વ્યાપક, વધુ સંગીન, તેમ જ સમયને અનુરૂપ થઈ શકશે, અને આ રીતે તૈયાર થયેલી બહેનો વિશેષ શક્તિશાળી, વધારે કાર્યક્ષમ અને વધુ પગભર બની શકશે એ નક્કી સમજવું. છેવટે તો આ સંસ્થાનો ઉદ્દેશ દુઃખી અને પરાધીન બહેનોને ધર્મસંસ્કાર-સંપન્ન બનાવવાની સાથે સ્વનિર્ભર બનાવવાનો પણ છે.
જૈન સમાજના ભાવનાશીલ કાર્યકર શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધીએ શ્રી અમૃતલાલ શેઠના આ સૂચનનું સ્વાગત કરીને એને પ્રોત્સાહન આપ્યું હતું. સમારંભના અહેવાલમાં કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org