________________
૩૪૨
જિનમાર્ગનું જતન શ્રી સિદ્ધક્ષેત્રે શ્રાવિકાશ્રમની સ્થાપના શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના ક્ષેત્રની મર્યાદામાં આવી જ એક ઉપકારક ઘટના લેખી શકાય.
આ સંસ્થાની સ્થાપના આજથી ૪૩ વર્ષ પહેલાં વિક્રમ સંવતુ ૧૯૮૦ની અક્ષયતૃતીયાના પર્વદિને કરવામાં આવી હતી. એની સ્થાપનાની પ્રેરણા થઈ હતી બે બહેનોને જ: એમાંનાં એક હતાં પાલીતાણાની મોતીશા શેઠની ધર્મશાળાના તે વખતના મુનીમ પાલીતાણા-નિવાસી શ્રી મોહનલાલ ગોવિંદજીના સેવાભાવી ધર્મપત્ની શ્રીમતી હરકોરબહેન અને બીજાં હતાં ભાવનગર-નિવાસી શેઠ શ્રી નરોત્તમદાસ ભાણજીનાં ધર્મપરાયણ ધર્મપત્ની શ્રીમતી સૂરજબહેન. બહેનોને હાથે આ સંસ્થાની સ્થાપના થવી એ બીના વિશેષ આવકારપાત્ર અને આહલાદક છે. પ્રાય: આપણા દેશમાં ગાંધીયુગના આરંભ પછી સમગ્ર સમાજ-વ્યવસ્થામાં આવકારદાયક પરિવર્તન થવા લાગ્યું હતું, એની અસરે પણ આમાં કંઈક ભાગ ભજવ્યો હોય.
આ સંસ્થાની સ્થાપનામાં ભાવનાનું બહુ પ્રબળ બીજ હતું. શત્રુંજયની પવિત્ર છાયાનો પણ એને લાભ હતો અને શ્રીમતી હરકોરબહેન તથા શ્રીમતી સૂરજબહેન સંસ્થાને પગભર કરવા તથા એનો વિકાસ કરવા સતત પ્રયત્નશીલ રહેતાં હતાં. પરિણામે ફક્ત પાંચ જ બહેનોથી ભાડાના મકાનમાં શરૂ થયેલી આ સંસ્થા દસ વર્ષને અંતે, સંવત ૧૯૯૦માં, પોતાનું મકાન ઊભું કરી શકી. આ બંને બહેનો અને આ સંસ્થાના સંચાલકો સમાજમાં આ સંસ્થા પ્રત્યે મમતાની જે લાગણી જાગૃત કરાવી શકયા હતા, એની આ પણ એક શુભ-સૂચક નિશાની હતી. અલબત્ત, વિ. સં. ૧૯૯૦માં પણ આ સંસ્થાનો લાભ માત્ર વીસ બહેનો લેતી હતી. એ સમય એવો હતો, કે જ્યારે બહેનો કષ્ટમય જીવન વિતાવવા છતાં જાહેર સામાજિક સંસ્થાઓનો આશ્રય લેવાનું ભાગ્યે જ પસંદ કરતી હતી.
પણ પછી, એક બાજુ દુઃખી બહેનોને આવી સ્ત્રી-સંસ્થાઓની ઉપયોગિતા સમજાતી ગઈ અને બીજી બાજુ શ્રાવિકાશ્રમની નામના વધતી ગઈ, એટલે આ સંસ્થાનો લાભ લેવા વધુ ને વધુ બહેનો પ્રેરાતી ગઈ. સંસ્થાના સેવાભાવી સંચાલકો પણ બને એટલી વધુ બહેનોને આશ્રય આપી શકાય એ માટે પ્રયત્નશીલ રહેતા ગયા, અને સમાજ પણ સંસ્થા પ્રત્યેની લાગણીથી પ્રેરાઈને એને જરૂરી આર્થિક સહાય આપતો ગયો. પરિણામે, શ્રાવિકાશ્રમની સ્થાપક બહેનોની ભાવનામાં જે શક્તિશાળી બીજ છુપાયું હતું તેને સારી રીતે ખાતરપાણી મળતાં ગયાં, અને એ બહેનોની આશા સફળ થતી ગઈ. સંસ્થાના આવા વિકાસમાં જૈનસંઘના જાણીતા અગ્રણી શેઠ શ્રી જીવતલાલ પ્રતાપસીનો ફાળો પણ ઘણો નોંધપાત્ર છે, અને સંસ્થાના વિકાસ માટેની તેમની ભાવનાને અમલી બનાવવામાં સંસ્થાના ભાવનાશીલ સંચાલક શ્રી મનસુખલાલ જીવાભાઈનો ફાળો પણ એવો જ નોંધપાત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org