________________
૩૦૭
તીર્થરક્ષા અને તીર્થસેવન : ૭
જો આપણે વધુ નહીં, તો છેલ્લી અરધી સદીનો તીર્થોના ઝઘડાઓનો અને એના નિકાલ માટેના પ્રયત્નોનો ઈતિહાસ કે અનુભવ ધ્યાનમાં લઈએ, તો આ માટેનો સાચો માર્ગ શોધવામાં એ જરૂર ઉપયોગી થઈ શકે. આવા ઝઘડાઓના નિકાલમાં આપણે ક્લેશ-કંકાસ અને વેર-વિરોધ વહોરવામાં, મોટામાં મોટી અદાલતોનો આશ્રય લેવામાં, પૈસા ખરચવામાં, લાગવગ મેળવવામાં – એમ શક્ય લાગે તે રીતે પ્રયત્ન કરવામાં કશી જમણા નથી રાખી. અને છતાં એના પરિણામરૂપે આપણે કેટલાં તીર્થોના ઝઘડાનો નિકાલ કરવામાં કેટલા કામયાબ થઈ શક્યા એનો ક્યાસ મેળવવા જેવો છે.
છેલ્લાં ઘણાં વર્ષોથી આવા અનેક ઝઘડાઓનો સામનો આપણે જે રીતે કરવો પડ્યો છે, તે જોતાં અમે સૂચવેલ આ માર્ગ જુદો, અવનવો કે અવ્યવહારુ લાગે એ બનવાજોગ છે. પણ અમને લાગે છે કે શાંતિ અને કાયમી સમાધાનની શોધ માટે ધીરજપૂર્વક એની અજમાયશ કરી જોવા જેવી છે.
જો આપણા ધર્મનાયકો અને આગેવાનો આવી પ્રશાંત દોરવણી આપવા તૈયાર થાય, તો તીર્થરક્ષા માટે જોશ અને રોષના બદલે અહિંસક પ્રતિકારનો માર્ગ આપણને જરૂર મળે અને સફળ થઈ શકે. હજુ ગઈ કાલે જ મહાત્મા ગાંધીએ આખા દેશની સૈકા-જૂની ગુલામી તોડવા માટે અહિંસક પ્રતિકારનો ઉપાય સફળ કરી દેખાડ્યો હતો. એટલે જો આપણાં પવિત્ર તીર્થોની આ રીતે રક્ષા કરવાનું આપણે વિચારી અને અમલમાં મૂકી શકીએ, તો હજારો સૈનિકોની નોંધણી કરવાની, એમને જેલમાં મોકલવાની કે એ માટે જેહદ જગાવવાની જરૂર ન રહે, અને અહિંસાની ભાવનાને વરેલા થોડાક જ આગેવાનો અને કાર્યકરોનો અહિંસાત્મક પ્રતિકાર પણ સામા પક્ષને ન્યાય કરવાની કે સીધા ચાલવાની ફરજ પાડ્યા વગર ન રહે.
એક વાત આપણા ધ્યાન-બહાર ન જવી જોઈએ, કે અંતરિક્ષજી તીર્થના પ્રશ્નને લઈને વર્તમાનપત્રોમાં આપણે જે મોટી-મોટી જાહેરાતો કરીએ છીએ અને એમાં ખૂબ આવશભરી વાણીનો ઉપયોગ કરીએ છીએ, તેથી આ પ્રશ્નનો નિકાલ આવવામાં કંઈ સહાય મળશે એમ કહેવું મુશ્કેલ છે; પણ એથી જાહેર જનતામાં આપણે હાંસીપાત્ર અને ટીકાપાત્ર થઈએ છીએ એ આપણને નાનું-સૂનું નુકસાન નથી. જૈનધર્મના અહિંસાધર્મને જ વરેલા બે ફિરકાઓ પવિત્ર તીર્થસ્થાનને નામે અંદરોઅંદર આવી જેહાદ જગાવે અને એ માટે આવી જાહેરાતો કરે એ પોતાના હાથે જ પોતાના પગ ઉપર કુહાડો મારવા જેવી ભૂલ છે. આપણી શક્તિ, ભક્તિ કે સંપત્તિની આવી રોષભરી, આવેશભરી વાણીમાં જાહેરાતો થાય એ કોઈ રીતે લાભકારક નથી. એટલે તીર્થરક્ષાની આપણી મૂંઝવણને દૂર કરવા માટે આપણે આપણા ધર્મને માન્ય ઉપાયો અજમાવીએ એ જ સમાધાન અને શાંતિનો સાચો માર્ગ અમને લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org