________________
૩૦૬
જિનમાર્ગનું જતન જ્યારે આપણા પ્રાણપ્યારા તીર્થ ઉપર આવું કારમું સંકટ આવી પડે, ત્યારે સમસ્ત શ્રીસંઘમાં અને ખાસ કરીને ભક્તિ-શ્રદ્ધાપરાયણ સામાન્ય વર્ગમાં જોશ અને રોષની લાગણી પ્રગટી નીકળે અને એ ગમે તે ભોગે તીર્થની રક્ષા કરવા તૈયાર થાય એ સ્વાભાવિક છે. પણ આ વખતે જ ધર્મનાયકોના નાયકપદની અને આગેવાનોની નેતાગીરીની કસોટી થાય છે. તેઓ પણ જો આવેશમાં આવી જાય, તો સામાન્ય જનસમૂહને ઝનૂનને માર્ગે સહેલાઈથી દોરી જઈ શકે છે, અને જો તેઓ ઠરેલ બુદ્ધિ, પરિણામલક્ષી દીર્ધદષ્ટિ, સમતા, ભૂતકાળનો અનુભવ અને શાણપણથી કામ લે તો જનતામાં પ્રગટેલ જોશ અને રોષને સાચે માર્ગે વાળીને એમાંથી ઠંડી અને નક્કર તાકાત પ્રગટાવી શકે છે, અને એ તાકાતને બળે શાંતિભર્યું, સંતોષકારક અને કાયમી સમાધાન શોધી અને સાધી શકે છે. આમાં છેવટનું ધ્યેય તો ઝનૂને ચડીને ક્લેશ કે વિરોધને વધારવાનું નહીં, પણ વૈર-વિરોધ સદાને માટે શમી જાય એવો નિકાલ શોધવાનું જ હોવું ઘટે. સામી વ્યક્તિની અકડાઈ કે આડાઈથી આવું સમાધાન મુકેલ કે અશક્ય પણ બની જાય એવું ઘણી વાર બને. પણ જો આપણું ધ્યેય વિશુદ્ધ હોય, તો છેવટે એ નિર્દોષ સાધનોથી પાર પડવું જ જોઈએ, પાર પડશે જ – એવી આપણા અંતરમાં દઢ આસ્થા હોવી જોઈએ. સત્યમેવ નયના સુપ્રસિદ્ધ સોનેરી સૂત્રનો આ જ ભાવ છે.
મતલબ કે ગમે તે કારણે બળબળતા બની ગયેલ તીર્થરક્ષાના પ્રશ્નના કાયમી ઉકેલનો માર્ગ બીજા સામાન્ય પ્રશ્નોના ઉકેલના માર્ગ કરતાં કંઈક જુદો અને અનોખો જ હોઈ શકે, અને એની પાછળ સાધ્ય અને સાધન એ બંનેની વિશુદ્ધતાનું ખરેખરું પ્રશાંત, આંતરિક અને સર્વસુખકર પીઠબળ હોવું ઘટે. તીર્થરક્ષા જેવા ધાર્મિક પ્રશ્નના ઉકેલ કે સમાધાન માટે આવો નિરાકુળ અને નિર્દોષ માર્ગ અપનાવવામાં આવે તો કદાચ કયારેક એમાં ધાર્યા કરતાં વધુ વિલંબ થાય કે આપણી ધીરજની કસોટી થતી પણ લાગે, છતાં સરવાળે એમાં લાભ જ છે. જ્યારે-જ્યારે આવો માર્ગ મૂકીને બીજી રીતે આ પ્રશ્નનો નિકાલ લાવવાનો પ્રયત્ન થયો છે, ત્યારે થોડા વખતને માટે તો ભલે આપણે વિજયોલ્લાસ મનાવીએ કે આ પ્રશ્ન પતી ગયો અને આપણને વિજય તેમ જ ધાર્યો લાભ મળ્યો; પણ આવા નિકાલની બીજી જ પળથી એમાં વળી પાછા નાનામોટા કોયડાઓના નવાનવા ફણગા ફૂટવા લાગે છે, અને જેને આપણે પ્રશ્નનો છેડો માન્યો હતો, ત્યાંથી જ નવા અને કદાચ વધુ અટપટા પ્રશ્નો જાગી ઊઠે છે. નજીકના તેમ જ દૂરના ભૂતકાળના આપણાં અનેક તીર્થોને લગતા સંખ્યાબંધ ઝઘડાઓ કે પ્રશ્નો આ વાતની સાખ પૂરી શકે એમ છે. એટલે તીર્થરક્ષાનો પ્રશ્ન આપણા માટે હમેશાં મૂંઝવણભર્યો જ રહ્યો છે; અને એના ઉકેલનો કારગત અને કાયમી માર્ગ શોધવાનો તો હજી બાકી જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org