________________
૨૯૨
જિનમાર્ગનું જતન - આખા દેશનો જૈનસંઘ આ કાર્યમાં મળેલી આવી વિરલ સફળતાનું સાચું સ્વાગત આ તીર્થના જીર્ણોદ્ધાર માટે અને એ સુંદર સ્થાનના વિકાસ માટે પૂરી ઉદારતાથી આર્થિક સહાય આપીને જ કરી શકે એ કહેવાની જરૂર નથી. પંજાબ-સંઘે અનન્ય ધર્મશ્રદ્ધાથી પ્રેરાઈને તથા અસાધારણ જહેમત ઉઠાવીને આ તીર્થ ઉપર જૈનસંઘનો અધિકાર પુનઃ પ્રસ્થાપિત કરવામાં જે કામયાબી હાંસલ કરી છે, તેથી જૈનસંઘનાં ગૌરવ અને શોભામાં વધારો થયો છે એમાં શક નથી. એટલા માટે આ તીર્થને ફરી જાહોજલાલ કરવામાં તન-મન-ધનથી દરેક જાતની સહાય આપવી અને તીર્થોદ્વારના ભગીરથ કાર્યમાં પંજાબના જૈન-સંઘને એકલવાયાપણું ન લાગે તે રીતે માંગ્યો સહકાર ઉલ્લાસપૂર્વક આપવો એ સમસ્ત જૈનસંઘની પવિત્ર ફરજ છે.
આ ઘટના અંગે આટલા વિસ્તારથી લખવાનું અને જે કારણોસર મુનાસિબ માન્યું છે તે આ છે –
(૧) આ તીર્થની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ તરફ તથા આ તીર્થનો જીર્ણોદ્ધાર કરવાની જે સોનેરી તક ઊભી થઈ છે એ તરફ શ્રીસંઘનું ધ્યાન દોરવું, અને આ ઐતિહાસિક ઘટનાનું અત્યારે તથા ભવિષ્યને માટે કેટલું મહત્ત્વ છે તે શ્રીસંઘને સમજાવવું.
(૨) આ ઘટનાના બીજરૂપ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજની આ લુપ્તગુપ્ત ગણાવેલ તીર્થનો ઉદ્ધાર કરવાની ભાવનાનું સ્મરણ કરીને એમને શ્રદ્ધાંજલિ આપવી.
(૩) આ કાર્ય માટે પંજાબના જૈનસંઘે પચાસ વર્ષ સુધી ખંત, ધીરજ અને ઉમંગપૂર્વક જે સતત કામગીરી બજાવી અને આવી લાંબી સાધનાની અંતિમ સિદ્ધિ અર્થાત્ ઈમ્પ્રાપ્તિ માટે સાધ્વીજી મહારાજ શ્રી મૃગાવતીશ્રીજીએ અનેક કષ્ય અને અગવડોની ઉપેક્ષા કરીને, કાંગડામાં ચોમાસુ કરવાનાં જે સાહસ અને હિંમત દર્શાવ્યાં તેની પ્રશસ્તિ કરવા સાથે, પંજાબસંઘ તથા સાધ્વીજી મહારાજ એ બંને પ્રત્યે શ્રીસંઘની આભારની લાગણી દર્શાવવી.
(૪) સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજીએ ધર્મપ્રીતિ, શાસનપ્રભાવના, ગુરુભક્તિ, તીર્થોદ્ધારની તમન્ના, આત્મશ્રદ્ધા વગેરેને લીધે જે ઐતિહાસિક કાર્યસિદ્ધિ કરી બતાવી તે જોઈને તપગચ્છ-સંઘના આચાર્યો પોતાના આજ્ઞાવર્તી સાધ્વીસમુદાયને યથાશક્તિ તથા યથેચ્છ શાસ્ત્રાધ્યયન, પ્રવચન, લેખન, સંશોધન-સંપાદન કરવાની મોકળાશ આપવાથી એનાં તેજ, ખમીર અને પ્રભાવકતામાં કેટલો વધારો થાય અને એથી શાસનને કેટલો મોટો લાભ થવા પામે એ વિચારતા થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org