________________
૧૨૬
જિનમાર્ગનું જતન
(૮) પશુબલિ-નિવારણ : એક ધીર પ્રયત્ન માનવીને વારસામાં મળેલ કે અંતરમાં સહજપણે જાગી ઊઠેલ અહિંસાભાવનાની જેટલી કસોટી અને ચરિતાર્થતા ખાનપાન અને જીવનવ્યવહારમાં રૂઢિગત અહિંસાનું જતન કરવામાં છે, તેના કરતાં અનેકગણી કસોટી અને ચરિતાર્થતા હિંસાનું નિવારણ કરવાના પ્રયત્ન અને પુરુષાર્થમાં રહેલી છે; અને હિંસાના નિવારણ માટે નિર્ભય અને નિર્વેર બનીને જોખમ ખેડવામાં તો એ બંનેની પરાકાષ્ઠા જ સમજવી.
અહિંસામાં આસ્થા ધરાવતો માનવી પોતાની આસપાસ ચાલતી હિંસાનો મૂક સાક્ષી બનીને અસહાય કે લાચારપણે એને જોયા કરે, બરદાસ્ત કરી લે, એની સામે દીન-હીનની જેમ નિષ્ક્રિય બનીને બેસી રહે, તો એની અહિંસા-ભાવનાનો વિકાસ થંભી જાય છે, એટલું જ નહીં, પોતાની સામેની હિંસાને રોકવાનો પ્રયત્ન નહીં કરવાના દોષનો એ ભાગીદાર બને છે. સારાનો સ્વીકાર કરવો અને ખરાબની સામે ઝઝૂમવું એ જ તો માનવજીવનની ઈતર પ્રાણીજીવન કરતાં વિશેષતા છે.
મહાવીરસ્વામી એ વાતને બરાબર સમજતા હતા કે જો માનવી અહિંસાનો મહિમા સમજે અને હિંસાથી પાછા ફરવાનો સંકલ્પ કરે, તો માનવીના વિકાસને રૂંધતા બધા દુર્ગણોથી પાછા ફરવાની વૃત્તિ એનામાં જાગ્યા વગર ન રહે. આથી ભગવાન મહાવીરે (અને ભગવાન બુદ્ધે પણ) માનવસમાજને અહિંસાના સર્વતોભદ્ર માર્ગે ચાલવાની અને ખાસ કરીને દેવ-દેવીઓને રાજી કરવાની તદ્દન ભ્રામક માન્યતાથી ધર્મના નામે યજ્ઞોમાં થતા પશુવધના સર્વસત્યાનાશી માર્ગેથી પાછા ફરવાની બુલંદ ધર્મઘોષણા કરી હતી; અને વિશ્વને અહિંસાને માર્ગે મહાકરુણાનું અમૃતપાન કરવાનો લ્હાવો મળતો રહ્યો.
આમ છતાં, ઇતિહાસ એ વાતની પણ સાક્ષી પૂરે છે, કે આવી યજ્ઞને નામે કે ધર્મને નામે ચાલતી નિર્દોષ પશુઓની સંહાર-લીલા, આ છેક વિજ્ઞાનના યુગમાં પણ સર્વથા નાબૂદ થવી હજી બાકી છે. ધર્મને નામે હિંસાની ભાવનાને પ્રોત્સાહન આપીને નિર્દોષ મૂંગાં પ્રાણીઓ ઉપર મોતનો વજપાત કરવાનાં સ્થાનોમાં કલકત્તાનું કાલીમાતાનું મંદિર સૌથી આગળ તરી આવે એવું છે. કાલીદેવી એ માતા ગણાય છે; છતાં એના મંદિરની ભૂમિ રોજ-બ-રોજ કેટકેટલાં નિર્દોષ પ્રાણીઓના શોણિતથી ભીની બને છે ! અજ્ઞાન અને અંધશ્રદ્ધાના ભોગ બનેલા, માર્ગ ભૂલેલા માનવીઓના હૃદયને જગાડવાનો પુરુષાર્થ કરવો એ જ ધર્મ અને ધર્મીજનની સાચી ધાર્મિકતા અને કતાર્થતા ગણાય.
ગુરુદેવ કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કાલીમાતા સામે થતો સંહાર જોયો અને એમનો કરુણાભીનો આત્મા કકળી ઊઠ્યો. એમણે એની સામે અવાજ પણ ઉઠાવ્યો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org