________________
મહાવીર-જીવન : ૧
આમ જૈન સંસ્કૃતિએ (૧) માનવજીવન એ જ સર્વશ્રેષ્ઠ જીવન, (૨) આત્મા પોતે જ પોતાના સારા-નરસાનો કર્તા અને ભોક્તા, (૩) આત્મા એ જ પરમાત્મા, (૪) જીવમાત્ર સમાન હોઈ અહિંસાની સાધના એ જ સર્વશ્રેષ્ઠ અને સર્વગ્રાહી આત્મસાધના – વગેરે આશાપ્રેરક, ક્રાંતિકારક તેમ જ પાયાનાં જીવનમૂલ્યોની પ્રતિષ્ઠા કરી; અને માનવજૂથોએ એ વિચારોને ઝીલ્યા પણ ખરા. છતાં, સમગ્ર માનવસમૂહોના વિકાસ માટે વિશાળ પાયા ઉપર એનો પ્રત્યક્ષ અમલ કરી બતાવવાનું કામ તો હજી બાકી હતું. એ કાર્ય મહાસમર્થ આત્મસાધક પુરુષના આગમનની જાણે રાહ જોતું હતું, અને ત્યાં સુધી સમગ્ર માનવસમાજને માટે ધર્મનાં દ્વાર ઉઘાડાં થઈ જાય એ મંગલ ઘડી કંઈક આઘી હતી.
દલિત, પતિત અને તિરસ્કૃત માનવસમૂહો માટે સોનાનો સૂરજ ઊગવા જેવો એ મહામાંગલ્યકારી અવસર પણ આવી પહોંચ્યો – દુનિયા ઉપર ભગવાન મહાવીરનો જન્મ થયો.
ભગવાન મહાવીર તો ભારે આત્મસાધક મહાપુરુષ હતા. પોતાના આત્માને સંપૂર્ણપણે નિર્મળ બનાવીને એમાં પરમાત્મભાવ પ્રગટાવવો એ એમની અચળ પ્રતિજ્ઞા હતી; અને અહિંસા, સંયમ અને તપ એ એ પ્રતિજ્ઞાને પૂરી કરવાનાં એમનાં સમર્થ સાધનો હતાં. ન કોઈની સાથે રાગ, દ્વેષ, વેર કે ઈષ્ય-અસૂયા; જીવમાત્રની સાથે મૈત્રી જ એમની અહિંસાની સાધનાની કસોટી હતી.
પહેલાં પૂર્ણ આત્મસાક્ષાત્કાર અને પછી જ ધર્મપ્રરૂપણા – એ એમના જીવન અને કાર્યનો સહજ ક્રમ હતો. અધૂરી સાધના એમને ખપતી ન હતી; સત્યના સંપૂર્ણ સાક્ષાત્કાર વગરનો ધર્મોપદેશ આપવો એમને પસંદ ન હતો. આજે તો જ્ઞાનની સાવ ટૂંકી મૂડીએ ધર્મોપદેશના પાંડિત્યનો કેટલો મોટો ડોળ કરવામાં આવે છે!
ભગવાનની અહિંસા-સંયમ-તપની આરાધના સાવ નવી તો ન હતી; પણ એ ઉગ્ર અને ઉત્કટ તો એટલી હતી કે એનું વર્ણન સાંભળતાં ભલભલાનાં રૂંવાડા ખડાં થઈ જાય. અને અતિકઠોર દેહદમનની સાથોસાથ ચિત્તશુદ્ધિ માટેની પળેપળની જાગૃતિ એ એમની આત્મસાધનાની અતિવિરલ વિશેષતા હતી. એને લીધે તો એમનું ઉગ્ર તપ કેવળ બાહ્ય કષ્ટ-સહન બની જવાને બદલે આત્યંતર શુદ્ધિનું, આત્મશુદ્ધિનું સાધક બની શકહ્યું હતું.
ભગવાનની આત્મસાધના અને અહિંસાની સાધના સફળ થઈ, અને ભગવાનના રોમરોમમાંથી મહાકરુણા અને વિશ્વમૈત્રીની ભાવના ચારેકોર રેલાવા લાગી. ભગવાનનાં દર્શન થતાં જ જીવમાત્ર પોતાના વેરવિરોધને વીસરી જતા. હવે તો ભગવાને ધર્મચક્રપ્રવર્તન રૂપે એ અહિંસાના અમૃતનું મોકળે હાથે દાન કરવા માંડ્યું. જીવનસાધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org