________________
૧૩૨
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
આ રીતે કે : - અનેક પુદ્ગલ પરમાણુવાળા શરીરમાં આત્મા પોતાપણાનો આરોપ કરે છે, પુદ્ગલના સ્વાભાવિક ધર્મને – વર્ણગંધરસસ્પર્શાદિકને પોતાના ધર્મ માની લઈ હર્ષશોક અને રાગદ્વેષના ઢંઢમાં લપટાય છે, પુલના તે ધર્મ પલટે છે, હાનિવૃદ્ધિ પામે છે વગેરે જે ક્રિયા કરે છે તેને પોતાની સ્વરૂપ અવસ્થારૂપ માની લે છે. શરીર અને આત્માના નિમિત્ત-નૈમિત્તિક સંબંધને સ્વરૂપસંબંધ માની લઈ ઉભયની સંયોગરૂપ ક્રિયાને પોતાની માને છે. દરેક ઈદ્રિય જે કાર્ય કરે છે તે પોતે તે વડે કરે છે એમ માને છે, અર્થાત્ કર્મના નિમિત્તથી પ્રાપ્ત થયેલી ઈદ્રિયોના ધર્મોને પોતાના ધર્મો માને છે એમ અનેક જુદાજુદા પર્યાયમાં પોતાની સ્વબુદ્ધિનો આરોપ કરે છે. આથી આત્મા રાગદ્વેષથી રંગાઈ સંસારપ્રવૃત્તિથી છૂટી શકતો નથી.
મિથ્યા શ્રદ્ધાનથી – મિથ્યાત્વથી નિત્ય વસ્તુને અનિત્ય અને અનિત્યને નિત્ય માને છે. પોતાથી ભિન્નને પોતાથી અભિન્ન માને છે, સુખના કારણને દુઃખનું કારણ અને દુઃખના હેતુને સુખનો હેતુ માને છે. આવા અયથાર્થ શ્રદ્ધાનથી ઊપજતા મોહના ઉદયથી ઉદ્ભવેલા કષાયભાવને આત્મા પોતાનો સ્વભાવ માને છે. કષાયભાવ પોતાના જ્ઞાન-દર્શનોપયોગથી ભિન્ન ભાસતો નથી તેનું કારણ એ જ છે કે મિથ્યાત્વનો આસ્રવ, જ્ઞાન અને દર્શન એ ત્રણેનો આધારભૂત આત્મા છે અને એ ત્રણેનું પરિણમન એક જ સમયે થતું હોવાથી તેનું ભિન્નપણું તેને જણાતું નથી. આ જ મિથ્યાદર્શન છે. આ મિથ્યાત્વજન્ય કષાયભાવની આકુળતાને લીધે આ જીવને વર્તમાન સમયે નિમિત્તભૂત પદાર્થોમાં સુખદુઃખદાતૃત્વનું ભાન થયા કરે છે. પોતાના મિથ્યાત્વ કષાયભાવથી ઉત્પન્ન થયેલા દુઃખનો આરોપ, પોતાની ઈચ્છાનુસાર ન પ્રવર્તનાર પદાર્થમાં કરે છે. વસ્તુતઃ દુઃખ તો ક્રોધથી થાય છે, પરંતુ પોતાના ક્રોધ કષાયથી ઉત્પન્ન થયેલા દુઃખનો હેતુ – ક્રોધનો હેતુ ક્રોધના નિમિત્તને માની લે છે; દુઃખ તો લોભ કષાયથી થાય છે, પરંતુ તે કષાયજન્ય દુઃખનો આરોપ અપ્રાપ્ય વસ્તુમાં કરે છે. વસ્તુતઃ તે અપ્રાપ્ય વસ્તુ તેને દુઃખ આપવા આવતી નથી, છતાં ભ્રમિત મનુષ્ય તેને પોતાના દુઃખનો હેતુ માને છે. એવી જ રીતે અન્ય કષાયો માન, માયાથી ઉત્પન્ન થતાં દુઃખને નિમિત્તથી ઉત્પન્ન થયેલાં માની નિમિત્ત ઉપર ક્રોધ કરે છે. દુઃખનું સ્થાન તો કષાય છે. તેના ઉપર પ્રતિકષાય કરવાને બદલે અર્થાતુ ક્રોધ ઉપસ્થિત થતાં તે પ્રત્યે ક્રોધસ્વભાવતા દર્શાવવાને બદલે માનની સામે દીનપણાનું માન દર્શાવવાને બદલે, માયા વિરુદ્ધ માયા દર્શાવવાને અને તે સિવાયના કષાયો પ્રત્યે પ્રતિકષાય દર્શાવવાને બદલે મૂર્ખ મનુષ્ય પોતાના ઉપર લાકડીનો પ્રહાર કરનારને નહિ કરડતાં જેનાથી પ્રહાર થયો છે તેવી નિમિત્તભૂત લાકડીને કરડવા દોડનાર શ્વાનના જેવી ચેષ્ટા પ્રતિપળ દર્શાવે છે. સમ્યકત્વ
આવી ભ્રમવાળી સ્થિતિ શાસ્ત્રજન્ય વિવેકથી નિવારવી તે જ મુમુક્ષુ જીવનું પ્રથમ કર્તવ્ય છે; અને તે ક્રમનો વિલય થતાં સમ્યકત્વનો લાભ અવશ્ય થવા યોગ્ય છે. આ કાળને વિષે દુર્લભ એવું સમ્યક્ત્વ વિવેકદષ્ટિએ વિચારતાં સાવ સુલભ છે અને ક્રમે તે પ્રાપ્ત થવા યોગ્ય છે. સંક્ષેપમાં ભ્રાંતિનો વિલય એ જ સમ્યક્ત્વ અને તેને જેન શાસ્ત્રકારે ચતુર્થગુણસ્થાને કહ્યું છે. તે હોય તો જ વ્રતાદિ ફલદાયક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org