SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫0 D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય વિરહવ્યથાનું નિરૂપણ, પ્રિયજનનું ગુણવર્ણન, સમસ્યાકથન અને પત્રનું સમાપન – જેવા સુનિશ્ચિત વિભાગોમાં વિભાજિત થયેલી છે. “ચંદગુણાવલી લેખ તેમજ અજિતસેનશીલવતી લેખના આધાર પર ઉપર્યુક્ત ઢાંચાને સમજીએ. ભારતીય સાહિત્યમાં, કૃતિના આરંભે બહુધા સરસ્વતી વંદના, તો, ક્વચિત્ ગણેશસ્તુતિ કરવાની દીર્ધ પરંપરા છે. આ પ્રકારની વંદનાસ્તુતિમાં આરાધ્ય દેવદેવીઓનું રૂપવર્ણન તથા તેના કૃપાવરદાનથી થતી ફલસિદ્ધિના નિર્દેશો અપાય છે. રાણી ગુણાવલીના લેખ પૂર્વે મુકાયેલી આ સરસ્વતી વંદના જુઓ : શ્રી વરદા જગદમ્બિકા, શારદામાતા દયાળ, સુરવર જસ સેવા કરે, વાણી જાસ રસાળ. ત્રિભુવનમેં કીરતિ સદા, વાહન હંસ સવાર, જડબુદ્ધિ પલ્લવ કિયા, બહુ પંડિત કવિરાય. પુસ્તક-વીણા કર ધરે, શ્રી અંજારી પાસ, કાશમીર ભરુઅચ્ચમેં. તેહનો ઠામ-નિવાસ. આ પછીનો લેખનો પરંપરાગત આરંભ દૃષ્ટવ્ય છે. એમાં આપણા પત્રલેખનનો નજીકનો ભૂતકાળ અનુભવાય છે : સ્વસ્તિ શ્રી વિમલાપુરે, વીરસેન કુળચંદ રે, રાજરાજેશ્વર રાજિયા, સાહેબ ચંદ-નરંદ રે, વાંચજો લેખ મુજ વાલહા. શ્રી આભાપુર નગરથી, હકમી દાસી સકામ રે.. લખિતંગ રાણી ગુણાવલી, વાંચજો મારી સલામ રે. હજુ પાંચ-પંદર વર્ષ પૂર્વે મારા-તમારા ઘેર આવતા પત્રના નજીકના પૂર્વજ તરીકે આ પત્રમાંની વિગતો અને તેને નિરૂપવાની ધાટીમાંની ચોકસાઈ જોઈ શકાય છે. ક્ષેમકુશળપૃચ્છા પછી લેખની મૂળ વીગતો નિરૂપાય તે પૂર્વે, પ્રિયજનનો લેખ મળતાં સરજાયેલી હૃદયદ્રાવક સ્થિતિ આમ નિરૂપાઈ છે : વ્હાલાનો કાગળ દેખીને, ટળિયાં દુઃખનાં છંદ રે, પિયુને મળવા જેટલો, ઊપન્યો છે આણંદ રે. સોળ વરસના વિયોગનું, પ્રગટ્યું છે દુઃખ અપાર રે, કાગળ વાંચતાં વાંચતાં, ચાલી છે આંસુની ધાર રે. કાવ્યનાયિકા ગુણાવલીએ એના સાસુની કાનભંભેરણીથી પ્રેરાઈને પતિને છળવાનું પાપ કર્યું છે. આ પ્રસંગને અનુલક્ષીને રાજા ચંદે પોતાના પત્રમાં એને આપેલા ઉપાલંભમાં, જૈન કવિતાનું જૈનધર્મપ્રેરિત નારી ધિક્કારનું વલણ અલગ તરી આવે છે : Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy