________________
૧૪ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
સાહિત્ય તરફ દૃષ્ટિપાત કરીએ ત્યારે જૈન ધર્મનું તત્ત્વ દાખલ કર્યા વિના રચાયેલી થોડીક કૃતિઓ જરૂર મળી આવે છે. જેમકે લિસૂરિકૃત વિરાટપર્વ'માં જૈન ધર્મનો ઉપદેશ કે મહિમા કરવાની તક કવિએ જરાયે લીધી નથી. આરંભમાં નમસ્કાર પણ સરસ્વતીને જ કર્યા છે, કોઈ જૈન તીર્થકરને નહીં. કવિએ કાવ્યમાં કથારસ અને વર્ણનરસ જમાવવા તરફ જ લક્ષ રાખ્યું છે. કુશળલાભે પણ “મારુઢોલા ચોપાઈમાં પ્રચલિત લોકકથાને જૈન ધર્મોપદેશક કથામાં ઢાળવાનો લોભ રાખ્યો નથી. જયવંતસૂરિત સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ ફાગ'માં વસ્તુ જૈન પરંપરામાંથી લીધેલું છે, પણ કવિએ કોશાની સ્થૂલિભદ્ર માટેની આસક્તિને વર્ણવવામાં જ રસ લીધો છે, સ્થૂલિભદ્ર કોશાને પ્રતિબોધે છે એ અંત સુધી કાવ્યને એ ખેંચી ગયા નથી, ઊલટું અંતે સૌને સ્વજનમિલનનું સુખ મળજો એવી ફલશ્રુતિ આપી છે. જયવંતસૂરિના આ કાવ્યમાં પણ કોઈ જૈન તીર્થંકરનો ઉલ્લેખ નથી. વિપુલ જૈન સાહિત્યમાંથી આવા ઉદાહરણો ઠીકઠીક સંખ્યામાં મળી આવવા સંભવ છે. જૈન સાહિત્ય એટલે ધમપદેશના વળગણવાળું જ સાહિત્ય એ પૂર્વગ્રહથી બચીને ચાલવા જેવું છે.
જૈન કવિઓએ ધર્મોપદેશના હેતુથી લખ્યું હોય તોપણ એમાં સાહિત્યકળાનો આવિષ્કાર ન હોઈ શકે એમ તો કેમ માની શકાય ? જૈન કૃતિઓમાં જે બોધ વણાયેલો હોય છે તે સાંપ્રદાયિક રૂઢ આચારવિચારોનો જ બોધ નથી હોતો, વિશાળ જીવનબોધનાં તત્ત્વો પણ એમાં હોય છે. ઋષભદાસનો ‘હિતશિક્ષા રાસ' વ્યવહારજીવનની કેવી નાનીનાની બાબતો – ઊઠવા બેસવા, ખાવાપીવા વગેરેની -- ને સમાવી લે છે ! જૈન કવિઓ ભાષાનું ધ્યાન ખેંચે એવું બળ પ્રગટ કરતા હોય છે. એમની પાસે વિદગ્ધ સંસ્કૃત વાણીની સજ્જતા હોય છે. અપભ્રંશ અને દેશ્ય ભાષાઓનો શબ્દવારસો હોય છે ને લોકવાણીના વિનિયોગની ક્ષમતા પણ હોય છે. રૂઢોક્તિઓ, કહેવતો ને વાછટાઓથી ભરેલી એમની ભાષાભિવ્યક્તિ અસરકારક બનતી હોય છે ને એમાં ઉપદેશ પણ મનોરમ રૂપ ધારણ કરતો હોય છે. સંસ્કૃત, પ્રાકૃત, હિંદી વગેરેમાંથી ઉદ્ભૂત ને સ્વરચિત સુભાષિતોની ને લોકગમ્ય દૃષ્ટાંતોની ગૂંથણી પણ ઉપદેશાત્મક અંશને રસાળતા અપે છે. કુશળલાભની માધવાનલકામકંદલા ચોપાઈ', નયસુંદરની ‘નળદમયંતી રાસ' જેવી કેટલીક કૃતિઓ સુભાષિતોની પ્રચુરતાથી ધ્યાન ખેંચે છે, તો જયવંતસૂરિ “શૃંગારમંજરી'માં સ્નેહવિષયક સુભાષિતોનો ધોધ વહેવડાવે છે. જિનેશ્વરસૂરિશિષ્ય જગડુની સમ્યકત્વમાઈ ચઉપઈ છે જ્ઞાનવિષયક, પણ લોકોક્તિઓ ને દ્રષ્ટાંતોના વિનિયોગથી એ રસાળ બની છે. કવિ પોતે કહે છે કે “હસ્યને મિષે ચોપાઈબંધ કર્યો.” જૈન કવિઓની આ ભાષાસજ્જતા તરફ આપણું લક્ષ ઘણું ઓછું ગયું છે. વિશાળ જૈન સાહિત્યને ભાષાભિવ્યક્તિની દૃષ્ટિએ કોઈ તપાસશે ત્યારે એને અનેક આકર્ષક સ્થાનો જડી આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org