________________
૨૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
એક માણસ પ્રતિદિન લાખ ખાંડી સોનાનું દાન દે અને બીજો માણસ પ્રતિદિન એક સામાયિક કરે તો સામાયિકવાળો ચડી જાય. મતલબ કે સુવર્ણનું દાન દેનારો સામાયિક કરનારની બરોબરી કરી શકતો નથી.
વળી અન્ય સ્થળે કહ્યું છે કે :
तिव्वतवं तवमाणो, जं न विनिट्ठवइ जम्म- कोडीहिं । तं समभाविअ - चित्तो, खवेइ कम्मं खणद्धेण ॥
ક્રોડો જન્મ સુધી તીવ્ર તપ કરતાં પણ જીવ જે કર્મોને ખપાવી શકતો નથી, તે કર્મને સમભાવથી યુક્ત આત્મા અર્ધી ક્ષણમાં ખપાવે છે. મતલબ કે સામાયિક એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ છે.
આવી ઉત્કૃષ્ટ મંગલકારી ક્રિયાને છોડવાનું મન કોને થાય ? તેમ છતાં પ્રતિજ્ઞાનો સમય પૂરો થતાં તેને વિધિસર પૂરી કરવી એ કર્તવ્ય ગણાય છે, તેથી તે પ્રસંગે ફરીને પણ સામાયિક કરવાની ભાવના જાગ્રત થાય તેટલા માટે પ્રસ્તુત સૂત્રની યોજના છે. તેમાં જણાવ્યું છે કે સામાયિક કરનાર જ્યાં સુધી અને જેટલી વાર મન વડે કરીને નિયમસંયુક્ત હોય છે અર્થાત્ ભાવથી સામાયિકધારી હોય છે, ત્યાં સુધી અને તેટલી વાર અશુભ કર્મને છેદે છે. આનો પરમાર્થ એ છે કે સામાયિક કરનારે સામાયિકના કાલ દરમિયાન પોતાના મનની સઘળી વૃત્તિઓને કાબૂમાં રાખીને સમભાવ તરફ પ્રયાણ કરવું જોઈએ અને તેમ થાય તો જ આત્માને વળગેલાં તમામ અશુભ કર્મો ખરી પડે. વળી, સામાયિક કરનારની સ્થિતિ આ વખતે શ્રમણ (સાધુ) જેવી હોય છે, કારણ કે તેણે સાવઘયોગનું પ્રત્યાખ્યાન છ-કોટિથી કરેલું છે અને બાકીની ત્રણ-કોટિ માટે તેના અંતરની ભાવના છે. એટલે સામાયિક જો કે તે સમય-પૂરતું પૂર્ણ થાય છે, તો પણ તેણે ફરી ફરીને કરવાની ભાવના અંતરમાં રાખવી જોઈએ. વળી એ પણ લક્ષ્યમાં રાખવું જોઈએ કે સામાયિક લેવાનો વિધિ અને પારવાનો વિધિ પણ દોષ-રહિત થાય અને સામાયિકના કાલ દરમિયાન અવિવેકાદિ ૩૨ દોષોનું સેવન ભૂલે-ચૂકે પણ ન થાય.
આ સૂત્રમા સર્વ વર્ણ ૭૪ અને તેમાં ગુરુ ૭ તથા લઘુ ૬૭ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org