________________
અન્નત્ય-સૂત્ર ૭૧૨૭
૧૦. ધર્મસ્વાખ્યાત-ભાવના-જિનેશ્વરોએ ધર્મ સારી રીતે કહેલો છે અને તે મહાપ્રભાવશાળી છે, એમ ચિંતવવું.
૧૧. લોક-ભાવના-ચૌદ રાજલોકનું સ્વરૂપ ચિંતવવું.
૧૨. બોધિ-દુર્લભ-ભાવના-સમ્યક્ત્વ પામવું દુર્લભ છે, તેથી તેમાં ઉપયોગ રાખવાનું ચિંતન કરવું.
આ ભાવનાઓ ધ્યાન પછી માનસિક ચેષ્ટા રૂપે કરાય તો તે અનુપ્રેક્ષા કહેવાય છે.
આ ઉપરાંત સર્વજ્ઞ-પ્રણીત સૂત્રનું સાથે ચિંતન પણ કરી શકાય છે. ટૂંકમાં આ વખતે વિચારોની શ્રેણિ એવી જાતની હોવી જોઈએ કે જેથી દેહાધ્યાસ ટળે, ઇંદ્રિયોની ચપળતા ઓછી થાય, કષાયની વૃત્તિઓ ક્ષીણ બને અને રાગ તથા દ્વેષનું બળ ખૂબ ખૂબ ઘટી જાય. આપણું શરીર ટેવોના સંગ્રહ-સ્થાન જેવું છે. સમય થયો કે તેને ખાન-પાન જોઈએ છે, સમય થયો કે તેને નિદ્રા જોઈએ છે, સમય થયો કે તેને આરામ જોઈએ છે; બીજી હાજતો પણ જે રીતે કેળવાયેલી હોય તે રીતે-તે તે સમયે આવીને ઊભી રહે છે. મનની હાલત પણ આવી જ છે. આપણે અમુક જાતનાં ઘરમાં રહેતા હોઈએ, અમુક જાતનાં વસ્ત્રો વાપર્યાં હોય, અમુક જાતનાં ઘરેણાં વાપર્યાં હોય કે અમુક જાતની વસ્તુઓ ગમી ગઈ હોય, તો તે પ્રકારનું વલણ જ પુનઃ પુનઃ રહ્યા કરે છે. એટલે આત્મ-વિકાસ પ્રત્યે સન્મુખ થવા માટે શરીરની ટેવો તથા મનના વલણને સુધારવાની જરૂર પહેલી છે. આ કામ અભ્યાસ વિના કે સતત પ્રયત્ન કર્યા વિના સિદ્ધ થતું નથી; તેથી તેવો પ્રયત્ન વ્યવસ્થિત રીતે કરવા માટે સ્થિરતા, મૌન અને એકાગ્રતાની જરૂર છે. તાત્પર્ય કે આ ત્રણે ગુણો જીવનમાં બરાબર ઊતરે ને તેથી શરીર તથા મન ઉત્તરોત્તર સુધરતાં જાય, તેમાં જ કાયોત્સર્ગની સફળતા છે.
૩. કાયોત્સર્ગનો સમય-અતિચારના નિવારણ અર્થે જે ચેષ્ટાકાયોત્સર્ગ કરવામાં આવે છે, તેનો સમય શાસ્ત્રકારોએ ઉચ્છ્વાસના પ્રમાણથી નક્કી કરેલો છે. જેમકે ૨૫ ઉચ્છ્વાસનો કાયોત્સર્ગ કરવો, ૨૭ ઉચ્છ્વાસનો કાયોત્સર્ગ કરવો, ૧૦૮ ઉચ્છ્વાસનો કરવો વગેરે. આ ઉચ્છ્વાસ શબ્દથી શું સમજવું ? તેનો ખુલાસો આ.નિ.માં આ પ્રમાણે કરવામાં આવ્યો છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org