________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
(૦૮) અપૂર્વકરણ ગુણસ્થાન
ચારિત્રમોહનીય કર્મનો ઉપશમ યા ક્ષય કરવાનો અપૂર્વ એટલે કે પહેલાં નહિ પ્રાપ્ત થયેલો અધ્યવસાય (આત્મિક ઉત્થાનકાળનો વિશિષ્ટ ભાવોત્કર્ષ) આ ગુણસ્થાનમાં પ્રાપ્ત થાય છે. ચારિત્રમોહનીયનો ઉપશમ યા ક્ષય અહીંથી શરૂ થાય છે.
(૦૯) અનિવૃત્તિકરણ ગુણસ્થાન
અપૂર્વ પ્રકારનો પામેલો ભાવોત્કર્ષ અહીં એ સમાન શ્રેણીના આત્માઓમાં સમાનતાને ધારણ કરે છે. ઉપરનુ અને આ બે ગુણસ્થાન આત્મિક ભાવના નૈર્મલ્યની તરતમ અવસ્થાના નિર્દેશરૂપ છે.
(૧૦) સૂક્ષ્મસમ્પરાય
મોહનીયકર્મનો ઉપશમ યા ક્ષય થતાં થતાં જ્યારે લગભગ બધાજ મોહનીય કર્મ (ક્રોધ આદિ સપરિવાર કષાયરૂપ) ઉપશાન્ત યા ક્ષીણ થઈ જાય છે અને માત્ર એક લોભનો (રાગનો) સૂક્ષ્મ અંશ અવશિષ્ટ રહે છે ત્યારે એ સ્થિતિનું ગુણસ્થાન ‘સૂક્ષ્મસમ્પરાય’ કહેવાય છે.
(૧૧) ઉપશાન્તમોહ
કષાયરૂપ ચારિત્રમોહનીય કર્મનો ઉપશમ જ (ક્ષય નહિ) કરવો જેણે પ્રારંભ્યો છે તેનો સંપૂર્ણ મોહ ઉપશાન્ત થાય તેનું નામ ‘ઉપશાન્તમોહ’ ગુણસ્થાન. (૧૨) ક્ષીણમોહ
કષાયરૂપ ચારિત્રમોહનીય કર્મનો ક્ષય જેણે પ્રારંભ્યો છે, તેમનો સંપૂર્ણ મોહ ક્ષીણ થવો તેનું નામ ‘ક્ષીણમોહ’ ગુણસ્થાન. ઉપલું અને આ બન્ને પૂર્ણ સમભાવનાં ગુણસ્થાન છે. પણ ફરક એ છે કે ઉપલામાં સમભાવનું સ્થાયીત્વ નથી, જ્યારે આ ગુણસ્થાનમાં એ પૂર્ણ સ્થાયી છે.
અહીં ઉપશમ અને ક્ષયમાં ફરક સમજી લઈએ. સામાન્ય રીતે એમ સમજુતી અપાય કે આગ પર પાણી નાખી તેને હોલવી નાખવી એ ‘ક્ષય’ અને રાખ નાખી તેને ઢાંકી દેવી એ ‘ઉપશમ’. ઉપશમ શ્રેણીમા મોહનો સર્વથા ઉપશમ થયો હોય, છતાં પુનઃ મોહનો પ્રાદુર્ભાવ થયા વગર રહેતો નથી.
74
જૈન દર્શન અને આચારની સરળ સમજ