________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
૩. પુણ્યાનુબંધી પાપ
પહેલાનાં પાપ કે દુઃખના કર્મના ઉદય વખતે આપણે તે દુઃખ સમતાથી સહન કરીએ તો નવો અનુબંધ પુણ્યનો થાય છે. એટલે કે ભૂતકાળમાં કરેલ પાપકર્મના ઉદય વખતે વ્યક્તિ સ્વીકારે કે તેનું દુઃખ પહેલાના કરેલા હિંસાદિ ખોટા કર્મો અથવા પ્રવૃત્તિઓનું પરિણામ છે. અને તેથી તે વ્યકતિ દુઃખને શાંતિથી અને અનાસક્તિના ભાવથી સહન કરે છે. તે પોતાના દુઃખનું કારણ બીજાને નથી ગણતો. તેથી તે પુણ્ય કર્મ બાંધે છે. આને પુણ્યાનુબંધી પાપ કહેવાય છે. આ સ્થિતિમાં તે વ્યકતિની આધ્યાત્મિક પ્રગતિ ઘણી થાય છે. અને તેની મોક્ષ પ્રાપ્તિ બીજા કરતાં વધારે ઝડપથી થાય છે. દુઃખ ભોગવતી વખતે આવા વલણોનો પ્રયાસ ભાગ્યે જ કોઈ કરે છે.
૪. પાપાનુબંધી પાપ
પહેલાનાં પાપ કે દુઃખના કર્મને ભોગવતાં કોઈ બીજાને પોતાના દુઃખનું કારણ ગણે. અને તેથી તે પોતાના ક્રોધ, વેર ઝેર, ઈર્ષા વધારે છે. તેથી આ રીતે નવું પાપકર્મ બાંધે છે. આવી પ્રક્રિયાને પાપાનુબંધી પાપ કહેવાય છે. મોટા ભાગના લોકો દુઃખી હોય ત્યારે ક્રોધ, ઈર્ષા અને શત્રુતામાં ડૂબેલા રહે છે. તેથી અંતે દુઃખ જ તેમના ભાગ્યમાં રહે છે. સારાંશ
જૈન ધર્મ કહે છે કે સુખદ પરિસ્થિતિમાં આપણે આપણી શક્તિ મુજબ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અપરિગ્રહ જેવા વ્રતને પાળવા જોઇએ અને દાન, શીલ, તપ ભાવ જેવા કાર્યો કરવા જોઈએ. અને દુઃખદ સ્થિતિમાં સ્વીકારવું જોઈએ કે મારુ દુઃખ એ મારા પહેલાના કર્મોનું જ પરિણામ છે. મારા આ દુઃખ માટે બીજું કોઈ જવાબદાર નથી. અને આ રીતે દુઃખદ પરિસ્થિતિમાંથી સમતાભાવે પસાર થવું જોઇએ.
68
જૈન દર્શન અને આચારની સરળ સમજ