________________
વિભાગ-૩ જૈન આચાર
૧૭. જૈન યોગ વૈશ્વિક દ્રષ્ટિએ યોગ આપણી શક્તિનો નિયમબદ્ધ અને પદ્ધતિસરનો એવો પ્રયત્ન કે જે દ્વારા માનવ પોતે પોતાના શરીર, મન અને આત્માની એકરુપતા સંપૂર્ણતાથી પ્રાપ્ત કરે છે. યોગ એ એવું સાધન છે જે શરીર, મન અને આત્મા સાથે સંપર્ક કરવામાં મદદ કરે છે. યોગ શારીરિક, માનસિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક નિયમિતતા (શિસ્ત) પર આધારિત છે. જો વ્યક્તિમાં પોતાની શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિ પર પૂરે પૂરો સંયમ આવી જાય તો તે રચનાત્મક જીવન જીવી શકે. નિયમિત યોગનો અભ્યાસ રાખવાથી માણસ પોતાની જાત પર પ્રભુત્વ કેળવી શકે છે. યોગ આપણામાં કાર્ય, લાગણી અને બુદ્ધિની શુદ્ધતાનો આવિષ્કાર કરે છે. યોગનાં હેતુ અને અર્થને લક્ષમાં લેતા વર્તમાનમાં જૈન સમાજમાં ઘણી ગેરસમજો જોવા મળે છે. જેમ કે યોગ એ હિંદુ ધર્મનો ભાગ છે, યોગ એટલે બાહ્ય ચેષ્ટાથી નિવૃત્ત થઈ શારીરિક આસનમાં કલાકો સુધી સળંગ બેસી રહેવું. યોગ માત્ર માનસિક શાંતિ અને આનંદ આપે છે પણ તે ધાર્મિક નથી એટલે કે તે મોક્ષ તરફ આપણને લઇ જતુ નથી. જૈન પદ્ધતિ પ્રમાણે યોગનો અર્થ જૈન દર્શનમાં યોગ શબ્દનો અર્થ જુદી જુદી રીતે થયો છે. યોગનો મૂળ અર્થ છે મન, વચન અને કાયા દ્વારા થતી પ્રવૃત્તિ તે પૌદ્રલિક યોગ. અને ભાવશુદ્ધિ, મનન અને ચિંતન દ્વારા આત્માના કષાયો ઓછા કરવા અથવા દૂર કરવા તે પારમાર્થિક યોગ. પૌદ્રલિક યોગ સાંસારિક હેતુરૂપ છે જ્યારે પારમાર્થિક યોગ મોક્ષ હેતુરૂપ છે. આત્માને લગતી કોઈપણ પ્રવૃત્તિ કે હેતુ જે મુક્તિ તરફ લઈ જાય તે યોગ. બીજા શબ્દોમાં જે પ્રવૃત્તિ દ્વારા રાગાદિ ભાવો ઓછા કે ક્ષય થાય અને તેથી મન શુદ્ધ થાય તેને યોગ કહેવાય.
'108
જૈન દર્શન અને આચારની સરળ સમજ