________________
Compodium of Jainism - Part (II)
H4 રાજા શ્રીપાલ અને મયણાં સુંદરી
ચંપા નગરના રાજા સિંહરથ અને રાણી કમલ પ્રભાને શ્રીપાલ નામનો એક દીકરો હતો. શ્રીપાલ પાંચ વર્ષનો હતો ત્યારે રાજાનું અવસાન થયું. રાજા સિંહરથનો ભાઈ અજીતસેન મહત્વાકાંક્ષી હતો, તેથી આ તકનો લાભ લઇ રાજ્ય લઈ લીધું. પોતાના રાજ્ય પદ માટે શ્રીપાલ કાંટા બરાબર હતો. માતા કમલ પ્રભાને અજીતસેનના ખરાબ ઈરાદાની જાણ થઈ એટલે કુંવરને લઈને રાજ છોડી જતી રહી. આ વાતની જાણ અજિતસેનને થઈ એટલે તેના વિશ્વાસુ સિપાઈઓને તેની પાછળ દોડાવ્યા. એક સ્ત્રી બાળકને ઉચકી દોડતી કેટલી દૂર જઈ શકે? સિપાઈઓ તેની નજીક આવી ગયા. ત્યાંથી કોઢીયાઓનું ટોળું જતું હતું તેમાં તેમની સાથે જોડાઈ ગઈ. તેઓએ બાળકને કોઢના રોગનો ચેપ લાગશે તેવી ચેતવણી આપી પણ બાળકને બચાવવા આટલું જોખમ તો ઉઠાવવું પડે તેમ હતું.
શ્રીપાલ ઘણો બહાદુર અને દેખાવડો હતો. તેથી કોઢિયાઓ તેની ખૂબ જ કાળજી રાખતા હતા. છતાં શ્રીપાળને પણ આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો. શ્રીપાળ યુવાન થયો એટલે તેને પોતાના નેતા બનાવ્યા અને તેને ઉંમરરાણા નામે ઓળખવા લાગ્યા. ફરતા ફરતા એક દિવસ તેઓ માળવાની રાજધાની ઉજ્જૈનીમાં આવી ચડ્યા.
ઉજ્જૈનીમાં પ્રજાપાલ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સૌભાગ્ય સુંદરી તથા રૂપસુંદરી નામે બે રાણી હતી. સૌભાગ્ય સુંદરીને સુરસુંદરી અને રૂપસુંદરીને મયણાસુંદરી નામે દીકરી હતી. તે ખૂબ સુંદર અને ચતુર હતી. રાજાને બંને દીકરીઓ ખૂબ જ વહાલી હતી. બંનેના યોગ્ય અને ઉત્તમ ઘડતર માટે ખાસ સગવડ કરી હતી. બંને દીકરીઓ બધી કળામાં પારંગત થઈ ગઈ એટલે રાજાએ તેમની પરીક્ષા લેવાનું વિચાર્યું. બંનેને દરબારમાં બોલાવી રાજાએ જે કંઈ પ્રશ્નો પૂછ્યા તેના સરસ જવાબો આપ્યા. અંતે છેલ્લા પ્રશ્ન રૂપે રાજા એ પૂછ્યું કે, આ બધી સાહ્યબી તથા સગવડો તમને કોના પ્રતાપે મળી? ખૂબ જ નમ્રતાપૂર્વક સુરસુંદરીએ રાજાની મહેરબાનીથી મળ્યું છે તેમ જણાવ્યું. રાજા ખૂબ જ પ્રસન્ન થયા. પછી રાજાએ મયણાસુંદરીને પણ પ્રશ્નો પૂછી જ્ઞાનની ચકાસણી કરી અંતમાં તેને પણ પૂછ્યું કે કોના પ્રતાપથી આ બધું મળ્યું છે? એવા પ્રશ્નના જવાબમાં મયણાસુંદરીએ જણાવ્યું, “પિતાજી! આપને પ્રણામ! પણ મને મળેલ આ રાજવી વૈભવ મારા પૂર્વજન્મનાં પુણ્ય કર્મોનું જ ફળ છે. દરેકને પોતાના ભાગ્યમાં નિર્માયેલું જ મળે છે. કોઈ કોઈને કંઈ આપી કે લઈ શકતા નથી.”
રાજા તો મયણાસુંદરીનો જવાબ સાંભળીને ડઘાઈ જ ગયા. ફરી ફરી મયણાને એ સવાલ પૂછ્યો પણ તેણે તો નમ્રતાપૂર્વક પોતાના કર્મનું જ ફળ છે તેમ જણાવ્યું, રાજકુંવરી તરીકેનો જન્મ પણ કર્મના પરિણામે જ છે તેમાં કોઈ મેખ મારી ન શકે.
Page 211 of 307