Book Title: Vachanamrut 0167
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330287/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 167 હરિ ઇચ્છા સુખદાયક જ છે. મુંબઈ, કારતક સુદ 12, રવિ, 1947 સત્ હરિ ઇચ્છા સુખદાયક જ છે. નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમ તત્વનું દર્શન થાય છે, તે પરમતત્વરૂપ સત્યનું ધ્યાન કરું છું. ત્રિભોવનનું પતું અને અંબાલાલનું પત્ર પહોંચેલ છે. ધર્મજ જઈ સત્સમાગમ કરવામાં અનુમતિ છે, પણ તે સમાગમ માટે તમારા ત્રણ સિવાય કોઈ ન જાણે એમ જો થઈ શકે તેમ હોય તો પ્રવૃત્તિ કરશો, નહીં તો નહીં. એ સમાગમ માટે જો પ્રગટતામાં આવે તેમ કરશો તો અમારી ઇચ્છાનુસાર થયું નથી એમ ગણજો. ધર્મજ જવાનો પ્રસંગ લઈને જો ખંભાતથી નીકળશો તો સંભવ રહે છે કે તે વાત પ્રગટમાં આવશે. અને તમે કબીરાદિ સંપ્રદાયમાં વર્તો છો એમ લોકચર્ચા થશે, અર્થાત તે કબીર સંપ્રદાયી તમે નથી, છતાં ઠરશો. માટે કોઈ બીજો પ્રસંગ લઈ નીકળવું અને વચ્ચે ધર્મજ મેળાપ કરતા આવવું. ત્યાં પણ તમારા વિષે ધર્મ, કુળ એ વગેરે સંબંધી વધારે ઓળખાણ પાડવું નહીં. તેમ તેમનાથી પૂર્ણ પ્રેમે સમાગમ કરવો; ભિન્નભાવથી નહીં, માયા ભાવથી નહીં, પણ સસ્નેહભાવથી કરવો. મલાતજ સંબંધી હાલ સમાગમ કરવાનું પ્રયોજન નથી. ખંભાતથી ધર્મજ ભણી વિદાય થવા પહેલાં ધર્મજ એક પત્ર લખવો; જેમાં વિનય સમેત જણાવવું કે કોઈ જ્ઞાનાવતાર પુરુષની ઇચ્છા આપનો સત્સંગ કરવા માટે અમને મળી છે જેથી આપના દર્શન માટે તિથિએ આવશે. અમે આપનો સમાગમ કરીએ તે સંબંધી વાત હાલ કોઈ રીતે પણ અપ્રગટ રાખવી એવી તે જ્ઞાનાવતાર પુરુષે આપને, અને અમને ભલામણ આપી છે. તો આપ તે વાતને કૃપા કરી અનુસરશો જ. તેમનો સમાગમ થતાં એક વાર નમન કરી વિનયથી બેસવું. થોડા વખત વીત્યા પછી તેમની પ્રવૃત્તિપ્રેમભાવને અનુસરી વાતચીત કરવી. (એક વખતે ત્રણ જણે, અથવા એકથી વધારે જણે ન બોલવું.) પ્રથમ એમ કહેવું કે આપે અમારા સંબંધમાં નિઃસંદેહ દ્રષ્ટિ રાખવી. આપને દર્શને અમે આવ્યા છીએ તે કોઈ પણ જાતનાં બીજાં કારણથી નહીં, પણ માત્ર સત્સંગની ઇચ્છાથી. આટલું કહ્યા પછી તેમને બોલવા દેવા. તે પછી થોડે વખતે બોલવું. અમને કોઈ જ્ઞાનાવતાર પુરુષનો સમાગમ થયો હતો. તેમની દશા અલૌકિક જોઈ અમને આશ્ચર્ય ઊપજ્યું હતું. અમે જૈન છતાં તેમણે નિર્વિસંવાદપણે વર્તવાનો ઉપદેશ કહ્યો હતો. સત્ય એક છે, બે પ્રકારનું નથી. અને તે જ્ઞાનીના અનુગ્રહ વિના પ્રાપ્ત થતું નથી. માટે મતમતાંતરનો ત્યાગ કરી જ્ઞાનીની Page #2 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞામાં અથવા સત્સંગમાં પ્રવર્તવું. જેમ જીવનું બંધન નિવૃત્ત થાય તેમ કરવું યોગ્ય છે અને તે માટે અમે ઉપર કહ્યાં તે સાધન છે. આ વગેરે પ્રકારે તેમણે અમને ઉપદેશ કર્યો હતો. અને જૈનાદિક મતોનો આગ્રહ મટાડી તે જેમ પ્રવર્તાવે તેમ પ્રવર્તવાની અમારી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી, અને હજુ પણ એમ જ વર્તે છે કે સત્યનો જ માત્ર આગ્રહ રાખવો. મતને વિષે મધ્યસ્થ રહેવું. તેઓ હાલ વિદ્યમાન છે. યુવાવસ્થાના પહેલા ભાગમાં છે. અપ્રગટપણે પ્રવર્તવાની હાલ તેમની ઇચ્છા છે. નિઃસંદેહસ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વીતરાગ છે. એ કૃપાળુનો સમાગમ થયા પછી અમને નિરાગ્રહપણું વિશેષ કરીને રહે છે. મતમતાંતર સંબંધી વિવાદ ઊગતો નથી. નિષ્કપટભાવે સત્ય આરાધવું એ જ દ્રઢ જિજ્ઞાસા છે. તે જ્ઞાનાવતાર પુરુષે અમને જણાવ્યું હતું કેઃ- “ઈશ્વરેચ્છા હાલ અમને પ્રગટપણે માર્ગ કહેવા દેવાની નથી. તેથી અમે તમને હાલ કંઈ કહેવા માગતા નથી. પણ જોગ્યતા આવે અને જીવ યથાયોગ્ય મુમુક્ષતા પામે તે માટે પ્રયત્ન કરજો.” અને તે માટે ઘણા પ્રકારે અપૂર્વ ઉપાય ટૂંકામાં તેમણે બોધ્યા હતા. પોતાની ઇચ્છા હાલ અપ્રગટ જ રહેવાની હોવાથી પરમાર્થ સંબંધમાં ઘણું કરીને તેઓ મૌન જ રહે છે. અમારા ઉપર એટલી અનુકંપા થઈ કે તેમણે એ મૌન વિસ્મૃત કર્યું હતું અને તે જ સત્પરુષે આપનો સમાગમ કરવા અમારી ઇચ્છાને જન્મ આપ્યો હતો. નહીં તો અમે આપના સમાગમનો લાભ ક્યાંથી પામી શકીએ ? આપના ગુણની પરીક્ષા ક્યાંથી પડે ? એવી તમારી જિજ્ઞાસા બતાવજો કે અમને કોઈ પ્રકારે આપનાથી બોધ પ્રાપ્ત થાય અને અમને માર્ગની પ્રાપ્તિ થાય તો તેમાં તે જ્ઞાનાવતાર રાજી જ છે. અમે તેમના શિષ્ય થવાની ઇચ્છા રાખી હતી. તથાપિ તેમણે જણાવ્યું હતું કે પ્રગટ માર્ગ કહેવાની હાલ અમને ઇશ્વરાજ્ઞા નથી તો પછી તમે ગમે તે સત્સંગમાં જોગ્યતા કે અનુભવ પામો તેમાં અમને સંતોષ જ છે. આપના સંબંધમાં પણ તેમનો એવો જ અભિપ્રાય સમજશો કે અમે આપના શિષ્ય તરીકે પ્રવર્તીએ તોપણ તેમણે કહ્યું છે કે તમે મારા જ શિષ્ય છો. આપના પ્રત્યે તેમણે પરમાર્થયુક્ત પ્રેમભાવ અમને બતાવ્યો હતો. જો કે તેમને કોઈથી ભિન્નભાવ નથી. તથાપિ આપ પ્રત્યે સ્નેહભાવ કોઈ પૂર્વના કારણથી બતાવ્યો જણાય છે. મુક્તાત્મા હોવાથી વાસ્તવિક રીતે તેમને નામ, ઠામ, ગામ કાંઈ જ નથી; તથાપિ વ્યવહારે તેમ છે. છતાં તે અમને અપ્રગટ રાખવા આજ્ઞા કરી છે. આપનાથી તેઓ અપ્રગટપણે વર્તે છે. તથાપિ આપ તેમની પાસે પ્રગટ છો. અર્થાત આપને પણ હાલ સુધી પ્રગટ સમાગમ, નામ, ઠામ કંઈ તેમણે પ્રેર્યું નથી. ઇશ્વરેચ્છા હશે તો આપને થોડા વખતમાં તેમનો સમાગમ થશે એમ અમે ધારીએ છીએ. એ પ્રમાણે પ્રસંગનુસાર વાતચીત કરવી. કોઈ પણ પ્રકારે નામ, ઠામ, ગામ પ્રગટ ન જ કરવાં. અને ઉપર જણાવી છે તે વાત તમારે હૃદયને વિષે સમજવાની છે. તે પરથી તે પ્રસંગે જે યોગ્ય લાગે તે વાત કરવી. તેનો ભાવાર્થ ન જવો જોઈએ. ‘જ્ઞાનાવતાર' સંબંધી તેમને જેમ જેમ ઇચ્છા જાગે તેમ વાતચીત કરવી. તેઓ ‘જ્ઞાનાવતાર' નો સમાગમ ઇચ્છે તેવા પ્રકારથી વાતચીત કરવી, જ્ઞાનાવતારની પ્રશંસા કરતાં તેમનો અવિનય ન થઈ જાય તે ધ્યાન રાખજો. તેમ ‘જ્ઞાનાવતાર'ની અનન્ય ભક્તિ પણ લક્ષમાં રાખજો. Page #3 -------------------------------------------------------------------------- ________________ મન મળ્યાનો જોગ લાગે ત્યારે જણાવજો કે તેમના શિષ્ય એવા જે અમે આપના શિષ્ય જ છીએ. અમને કોઈ રીતે માર્ગપ્રાપ્તિ થાય તેમ કહો. એ વગેરે વાતચીત કરજો. તેમ અમે કયાં શાસ્ત્રો વાંચીએ ? શું શ્રદ્ધા રાખીએ ? કેમ પ્રવર્તીએ ? તે યોગ્ય લાગે તો જણાવો. ભિન્નભાવ કૃપા કરીને અમારા પ્રત્યે આપનો ન હો. તેમનો સિદ્ધાંત ભાગ પૂછજો. એ વગેરે જાણી લેવાનો પ્રસંગ બને તોપણ તેમને જણાવજો કે અમે જે જ્ઞાનાવતાર પુરુષ જણાવ્યા છે તેઓ અને આપ અમારે મન એક જ છો. કારણ કે એવી બુદ્ધિ કરવા તે જ્ઞાનાવતારની અમને આશા છે. માત્ર હાલ તેમને અપ્રગટ રહેવાની ઇચ્છા હોવાથી તેમની ઇચ્છાને અનુસર્યા છીએ. વિશેષ શું લખીએ ? હરીચ્છા જે હશે તે સુખદાયક જ હશે. એકાદ દિવસ રોકાજો. વધારે નહીં. ફરીથી મળજો. મળવાની હા જણાવજો. હરીચ્છા સુખદાયક છે. જ્ઞાનાવતાર સંબંધી પ્રથમ તેઓ વાત ઉચ્ચારે તો આ પત્રમાં જણાવેલી વાત વિશેષે કરી દ્રઢ કરજો. ભાવાર્થ ધ્યાનમાં રાખજો. એને અનુસરી ગમે તે પ્રસંગે આમાંની તેમની પાસે વાત કરવા તમને છૂટ છે. જેમ જ્ઞાનાવતારમાં અધિક પ્રેમ તેમને આવે તેમ કરજો. હરીચ્છા સુખદાયક છે.