________________ મન મળ્યાનો જોગ લાગે ત્યારે જણાવજો કે તેમના શિષ્ય એવા જે અમે આપના શિષ્ય જ છીએ. અમને કોઈ રીતે માર્ગપ્રાપ્તિ થાય તેમ કહો. એ વગેરે વાતચીત કરજો. તેમ અમે કયાં શાસ્ત્રો વાંચીએ ? શું શ્રદ્ધા રાખીએ ? કેમ પ્રવર્તીએ ? તે યોગ્ય લાગે તો જણાવો. ભિન્નભાવ કૃપા કરીને અમારા પ્રત્યે આપનો ન હો. તેમનો સિદ્ધાંત ભાગ પૂછજો. એ વગેરે જાણી લેવાનો પ્રસંગ બને તોપણ તેમને જણાવજો કે અમે જે જ્ઞાનાવતાર પુરુષ જણાવ્યા છે તેઓ અને આપ અમારે મન એક જ છો. કારણ કે એવી બુદ્ધિ કરવા તે જ્ઞાનાવતારની અમને આશા છે. માત્ર હાલ તેમને અપ્રગટ રહેવાની ઇચ્છા હોવાથી તેમની ઇચ્છાને અનુસર્યા છીએ. વિશેષ શું લખીએ ? હરીચ્છા જે હશે તે સુખદાયક જ હશે. એકાદ દિવસ રોકાજો. વધારે નહીં. ફરીથી મળજો. મળવાની હા જણાવજો. હરીચ્છા સુખદાયક છે. જ્ઞાનાવતાર સંબંધી પ્રથમ તેઓ વાત ઉચ્ચારે તો આ પત્રમાં જણાવેલી વાત વિશેષે કરી દ્રઢ કરજો. ભાવાર્થ ધ્યાનમાં રાખજો. એને અનુસરી ગમે તે પ્રસંગે આમાંની તેમની પાસે વાત કરવા તમને છૂટ છે. જેમ જ્ઞાનાવતારમાં અધિક પ્રેમ તેમને આવે તેમ કરજો. હરીચ્છા સુખદાયક છે.