________________ આજ્ઞામાં અથવા સત્સંગમાં પ્રવર્તવું. જેમ જીવનું બંધન નિવૃત્ત થાય તેમ કરવું યોગ્ય છે અને તે માટે અમે ઉપર કહ્યાં તે સાધન છે. આ વગેરે પ્રકારે તેમણે અમને ઉપદેશ કર્યો હતો. અને જૈનાદિક મતોનો આગ્રહ મટાડી તે જેમ પ્રવર્તાવે તેમ પ્રવર્તવાની અમારી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી, અને હજુ પણ એમ જ વર્તે છે કે સત્યનો જ માત્ર આગ્રહ રાખવો. મતને વિષે મધ્યસ્થ રહેવું. તેઓ હાલ વિદ્યમાન છે. યુવાવસ્થાના પહેલા ભાગમાં છે. અપ્રગટપણે પ્રવર્તવાની હાલ તેમની ઇચ્છા છે. નિઃસંદેહસ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વીતરાગ છે. એ કૃપાળુનો સમાગમ થયા પછી અમને નિરાગ્રહપણું વિશેષ કરીને રહે છે. મતમતાંતર સંબંધી વિવાદ ઊગતો નથી. નિષ્કપટભાવે સત્ય આરાધવું એ જ દ્રઢ જિજ્ઞાસા છે. તે જ્ઞાનાવતાર પુરુષે અમને જણાવ્યું હતું કેઃ- “ઈશ્વરેચ્છા હાલ અમને પ્રગટપણે માર્ગ કહેવા દેવાની નથી. તેથી અમે તમને હાલ કંઈ કહેવા માગતા નથી. પણ જોગ્યતા આવે અને જીવ યથાયોગ્ય મુમુક્ષતા પામે તે માટે પ્રયત્ન કરજો.” અને તે માટે ઘણા પ્રકારે અપૂર્વ ઉપાય ટૂંકામાં તેમણે બોધ્યા હતા. પોતાની ઇચ્છા હાલ અપ્રગટ જ રહેવાની હોવાથી પરમાર્થ સંબંધમાં ઘણું કરીને તેઓ મૌન જ રહે છે. અમારા ઉપર એટલી અનુકંપા થઈ કે તેમણે એ મૌન વિસ્મૃત કર્યું હતું અને તે જ સત્પરુષે આપનો સમાગમ કરવા અમારી ઇચ્છાને જન્મ આપ્યો હતો. નહીં તો અમે આપના સમાગમનો લાભ ક્યાંથી પામી શકીએ ? આપના ગુણની પરીક્ષા ક્યાંથી પડે ? એવી તમારી જિજ્ઞાસા બતાવજો કે અમને કોઈ પ્રકારે આપનાથી બોધ પ્રાપ્ત થાય અને અમને માર્ગની પ્રાપ્તિ થાય તો તેમાં તે જ્ઞાનાવતાર રાજી જ છે. અમે તેમના શિષ્ય થવાની ઇચ્છા રાખી હતી. તથાપિ તેમણે જણાવ્યું હતું કે પ્રગટ માર્ગ કહેવાની હાલ અમને ઇશ્વરાજ્ઞા નથી તો પછી તમે ગમે તે સત્સંગમાં જોગ્યતા કે અનુભવ પામો તેમાં અમને સંતોષ જ છે. આપના સંબંધમાં પણ તેમનો એવો જ અભિપ્રાય સમજશો કે અમે આપના શિષ્ય તરીકે પ્રવર્તીએ તોપણ તેમણે કહ્યું છે કે તમે મારા જ શિષ્ય છો. આપના પ્રત્યે તેમણે પરમાર્થયુક્ત પ્રેમભાવ અમને બતાવ્યો હતો. જો કે તેમને કોઈથી ભિન્નભાવ નથી. તથાપિ આપ પ્રત્યે સ્નેહભાવ કોઈ પૂર્વના કારણથી બતાવ્યો જણાય છે. મુક્તાત્મા હોવાથી વાસ્તવિક રીતે તેમને નામ, ઠામ, ગામ કાંઈ જ નથી; તથાપિ વ્યવહારે તેમ છે. છતાં તે અમને અપ્રગટ રાખવા આજ્ઞા કરી છે. આપનાથી તેઓ અપ્રગટપણે વર્તે છે. તથાપિ આપ તેમની પાસે પ્રગટ છો. અર્થાત આપને પણ હાલ સુધી પ્રગટ સમાગમ, નામ, ઠામ કંઈ તેમણે પ્રેર્યું નથી. ઇશ્વરેચ્છા હશે તો આપને થોડા વખતમાં તેમનો સમાગમ થશે એમ અમે ધારીએ છીએ. એ પ્રમાણે પ્રસંગનુસાર વાતચીત કરવી. કોઈ પણ પ્રકારે નામ, ઠામ, ગામ પ્રગટ ન જ કરવાં. અને ઉપર જણાવી છે તે વાત તમારે હૃદયને વિષે સમજવાની છે. તે પરથી તે પ્રસંગે જે યોગ્ય લાગે તે વાત કરવી. તેનો ભાવાર્થ ન જવો જોઈએ. ‘જ્ઞાનાવતાર' સંબંધી તેમને જેમ જેમ ઇચ્છા જાગે તેમ વાતચીત કરવી. તેઓ ‘જ્ઞાનાવતાર' નો સમાગમ ઇચ્છે તેવા પ્રકારથી વાતચીત કરવી, જ્ઞાનાવતારની પ્રશંસા કરતાં તેમનો અવિનય ન થઈ જાય તે ધ્યાન રાખજો. તેમ ‘જ્ઞાનાવતાર'ની અનન્ય ભક્તિ પણ લક્ષમાં રાખજો.