Book Title: Vachanamrut 0108
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330228/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 108 હિતવચનો - અંતરમાં સુખ, બહારમાં નથી - નિર્ભયતા પ્રાપ્તિક્રમ - તારે દોષે તને બંધન - કયો દોષ? - નિર્ણયયોગ્ય બાબતો મુંબઈ, ફાગણ, 1946 હે જીવ, તું ભ્રમા મા, તને હિત કહું છું. અંતરમાં સુખ છે; બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે; નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે; ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. આ ક્રમ યથાયોગ્યપણે ચાલ્યો આવ્યો તો તું જીવન ત્યાગ કરતો રહીશ, મૂંઝાઈશ નહીં, નિર્ભય થઈશ. ભમા મા, તને હિત કહું છું. આ મારું છે એવા ભાવની વ્યાખ્યા પ્રાયે ન કર. આ તેનું છે એમ માની ન બેસ. આ માટે આમ કરવું છે એ ભવિષ્યનિર્ણય ન કરી રાખ. આ માટે આમ ન થયું હોત તો સુખ થાત એમ સ્મરણ ન કર. આટલું આ પ્રમાણે હોય તો સારું એમ આગ્રહ ન કરી રાખ. આણે મારા પ્રતિ અનુચિત કર્યું એવું સંભારતાં ન શીખ. આણે મારા પ્રતિ ઉચિત કર્યું એવું સ્મરણ ન રાખ. આ મને અશુભ નિમિત્ત છે એવો વિકલ્પ ન કર. આ મને શુભ નિમિત્ત છે એવી દ્રઢતા માની ન બેસ. આ ન હોત તો હું બંધાત નહીં એમ અચળ વ્યાખ્યા નહીં કરીશ. પૂર્વકર્મ બળવાન છે, માટે આ બધો પ્રસંગ મળી આવ્યો એવું એકાંતિક ગ્રહણ કરીશ નહીં. પુરુષાર્થનો જય ન થયો એવી નિરાશા સ્મરીશ નહીં. બીજાના દોષ તને બંધન છે એમ માનીશ નહીં. તારે નિમિત્તે પણ બીજાને દોષ કરતો ભુલાવ. Page #2 -------------------------------------------------------------------------- ________________ તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું. એ બધામાં તારી લાગણી નથી, માટે જુદે જુદે સ્થળે તે સુખની કલ્પના કરી છે. હે મૂઢ, એમ ન કર. એ તને તેં હિત કહ્યું, અંતરમાં સુખ છે. જગતમાં કોઈ એવું પુસ્તક વા લેખ વા કોઈ એવો સાક્ષી ત્રાહિત તમને એમ નથી કહી શકતો કે આ સુખનો માર્ગ છે. વા તમારે આમ વર્તવું વા સર્વને એક જ ક્રમે ઊગવું, એ જ સૂચવે છે કે ત્યાં કંઈ પ્રબળ વિચારણા રહી છે. એક ભોગી થવાનો બોધ કરે છે. એક યોગી થવાનો બોધ કરે છે. એ બેમાંથી કોને સમત કરીશું ? બન્ને શા માટે બોધ કરે છે ? બન્ને કોને બોધ કરે છે ? કોના પ્રેરવાથી કરે છે ? કોઈને કોઈનો અને કોઈને કોઈનો બોધ કાં લાગે છે ? એનાં કારણો શું છે ? તેનો સાક્ષી કોણ છે ? તમે શું વાંછો છો ? તે ક્યાંથી મળશે વા શામાં છે ? તે કોણ મેળવશે ? ક્યાં થઈને લાવશો ? લાવવાનું કોણ શીખવશે ? વા શીખ્યા છીએ ? શીખ્યા છો તો ક્યાંથી શીખ્યા છો ? અપુનવૃત્તિરૂપે શીખ્યા છો ? Page #3 -------------------------------------------------------------------------- ________________ નહીં તો શિક્ષણ મિથ્યા ઠરશે. જીવન શું છે? જીવ શું છે ? તમે શું છો ? તમારી ઇચ્છાપૂર્વક કાં નથી થતું? તે કેમ કરી શકશો ? બાધતા પ્રિય છે કે નિરાબાધતા પ્રિય છે ? તે ક્યાં ક્યાં કેમ કેમ છે ? એનો નિર્ણય કરો. અંતરમાં સુખ છે. બહારમાં નથી. સત્ય કહું છું. હે જીવ, ભૂલ મા, તને સત્ય કહું છું. સુખ અંતરમાં છે, તે બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. સ્થિતિ રહેવી બહ વિકટ છે, નિમિત્તાધીન ફરી ફરી વૃત્તિ ચલિત થઈ જાય છે. એનો દ્રઢ ઉપયોગ રાખવો જોઈએ. એ ક્રમ યથાયોગ્ય ચલાવ્યો આવીશ તો તું મૂંઝાઈશ નહીં. નિર્ભય થઈશ. હે જીવ ! તું ભૂલ માં. વખતે વખતે ઉપયોગ ચૂકી કોઈને રંજન કરવામાં, કોઈથી રંજન થવામાં, વા મનની નિર્બળતાને લીધે અન્ય પાસે મંદ થઈ જાય છે, એ ભૂલ થાય છે. તે ન કર.