________________ 108 હિતવચનો - અંતરમાં સુખ, બહારમાં નથી - નિર્ભયતા પ્રાપ્તિક્રમ - તારે દોષે તને બંધન - કયો દોષ? - નિર્ણયયોગ્ય બાબતો મુંબઈ, ફાગણ, 1946 હે જીવ, તું ભ્રમા મા, તને હિત કહું છું. અંતરમાં સુખ છે; બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે; નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે; ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. આ ક્રમ યથાયોગ્યપણે ચાલ્યો આવ્યો તો તું જીવન ત્યાગ કરતો રહીશ, મૂંઝાઈશ નહીં, નિર્ભય થઈશ. ભમા મા, તને હિત કહું છું. આ મારું છે એવા ભાવની વ્યાખ્યા પ્રાયે ન કર. આ તેનું છે એમ માની ન બેસ. આ માટે આમ કરવું છે એ ભવિષ્યનિર્ણય ન કરી રાખ. આ માટે આમ ન થયું હોત તો સુખ થાત એમ સ્મરણ ન કર. આટલું આ પ્રમાણે હોય તો સારું એમ આગ્રહ ન કરી રાખ. આણે મારા પ્રતિ અનુચિત કર્યું એવું સંભારતાં ન શીખ. આણે મારા પ્રતિ ઉચિત કર્યું એવું સ્મરણ ન રાખ. આ મને અશુભ નિમિત્ત છે એવો વિકલ્પ ન કર. આ મને શુભ નિમિત્ત છે એવી દ્રઢતા માની ન બેસ. આ ન હોત તો હું બંધાત નહીં એમ અચળ વ્યાખ્યા નહીં કરીશ. પૂર્વકર્મ બળવાન છે, માટે આ બધો પ્રસંગ મળી આવ્યો એવું એકાંતિક ગ્રહણ કરીશ નહીં. પુરુષાર્થનો જય ન થયો એવી નિરાશા સ્મરીશ નહીં. બીજાના દોષ તને બંધન છે એમ માનીશ નહીં. તારે નિમિત્તે પણ બીજાને દોષ કરતો ભુલાવ.