________________ તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું. એ બધામાં તારી લાગણી નથી, માટે જુદે જુદે સ્થળે તે સુખની કલ્પના કરી છે. હે મૂઢ, એમ ન કર. એ તને તેં હિત કહ્યું, અંતરમાં સુખ છે. જગતમાં કોઈ એવું પુસ્તક વા લેખ વા કોઈ એવો સાક્ષી ત્રાહિત તમને એમ નથી કહી શકતો કે આ સુખનો માર્ગ છે. વા તમારે આમ વર્તવું વા સર્વને એક જ ક્રમે ઊગવું, એ જ સૂચવે છે કે ત્યાં કંઈ પ્રબળ વિચારણા રહી છે. એક ભોગી થવાનો બોધ કરે છે. એક યોગી થવાનો બોધ કરે છે. એ બેમાંથી કોને સમત કરીશું ? બન્ને શા માટે બોધ કરે છે ? બન્ને કોને બોધ કરે છે ? કોના પ્રેરવાથી કરે છે ? કોઈને કોઈનો અને કોઈને કોઈનો બોધ કાં લાગે છે ? એનાં કારણો શું છે ? તેનો સાક્ષી કોણ છે ? તમે શું વાંછો છો ? તે ક્યાંથી મળશે વા શામાં છે ? તે કોણ મેળવશે ? ક્યાં થઈને લાવશો ? લાવવાનું કોણ શીખવશે ? વા શીખ્યા છીએ ? શીખ્યા છો તો ક્યાંથી શીખ્યા છો ? અપુનવૃત્તિરૂપે શીખ્યા છો ?