Page #1
--------------------------------------------------------------------------
________________ અંતર્દર્શન : ષષ્ઠચિત્ર-નિવૃત્તિબોધ - (નારાજ છંદ) અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા !! ઉધાડ ન્યાય-નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. વિશેષાર્થજેમાં એકાંત અને અનંત સુખના તરંગ ઊછળે છે તેવાં શીલ, જ્ઞાનને માત્ર નામના દુઃખથી કંટાળી જઈને મિત્રરૂપે ન માનતાં તેમાં અભાવ કરે છે; અને કેવળ અનંત દુઃખમય એવાં જે સંસારનાં નામ માત્ર સુખ તેમાં તારો પરિપૂર્ણ પ્રેમ છે એ કેવી વિચિત્રતા છે ! અહો ચેતન ! હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉઘાડીને નિહાળ રે ! નિહાળ !!! નિહાળીને શીઘ્રમેવ નિવૃત્તિ એટલે મહા વૈરાગ્યને ધારણ કર, અને મિથ્યા કામભોગની પ્રવૃત્તિને બાળી દે ! એવી પવિત્ર મહા નિવૃત્તિને દૃઢીભૂત કરવા ઉચ્ચ વિરાગી યુવરાજ મૃગાપુત્રનું મનન કરવા યોગ્ય ચરિત્ર અહીં આગળ પ્રત્યક્ષ છે. કેવા દુ:ખને સુખ માન્યું છે ? અને કેવા સુખને દુઃખ માન્યું છે ? તાદૃશ તે યુવરાજનાં મુખવચન સિદ્ધ કરશે. વિરાગી યુવરાજ મૃગાપુત્રનું ચરિત્ર દ્રષ્ટાંતઃ- નાના પ્રકારનાં મનોહર વૃક્ષથી ભરેલાં ઉદ્યાનો વડે સુગ્રીવ એ નામે એક સુશોભિત નગર છે. તે નગરના રાજ્યાસન પર બલભદ્ર એ નામે એક રાજા થયો. તેની પ્રિયંવદા પટરાણીનું નામ મૃગા હતું. એ પતિપત્નીથી બળશ્રી નામે એક કુમારે જન્મ લીધો હતો. મૃગાપુત્ર એવું એનું પ્રખ્યાત નામ હતું. જનકજનેતાને તે અતિ વલ્લભ હતા. એ યુવરાજ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સંયતિના ગુણને પામ્યા હતા; એથી કરીને દમીશ્વર એટલે યતિમાં અગ્રેસર ગણાવા યોગ્ય હતા. તે મૃગાપુત્ર શિખરબંધ આનંદકારી પ્રાસાદને વિષે પોતાની પ્રાણપ્રિયા સહિત દોગંદક દેવતાની પેરે વિલાસ કરતા હતા. નિરંતર પ્રમોદ સહિત મનથી વર્તતા હતા. ચંદ્રકાંતાદિક મણિ તેમજ વિવિધ રત્નથી પ્રાસાદનો પટશાળ જડિત હતો. એક દિવસને સમયે તે કુમાર પોતાના ગોખને વિષે રહ્યા હતા. ત્યાંથી નગરનું નિરીક્ષણ પરિપૂર્ણ થતું હતું. જ્યાં ચાર રાજમાર્ગ એકત્વને પામતા હતા એવા ચોકમાં ત્રણ રાજમાર્ગ એકઠા મળ્યા છે ત્યાં તેની દ્રષ્ટિ દોડી. મહા તપ, મહા નિયમ, મહા સંયમ, મહા શીલ, અને મહા ગુણના ધામરૂપ એક શાંત તપસ્વી સાધુને ત્યાં તેણે જોયા. જેમ જેમ વેળા થતી જાય છે, તેમ તેમ તે મુનિને મૃગાપુત્ર નીરખી નીરખીને જુએ છે.
Page #2
--------------------------------------------------------------------------
________________ એ નિરીક્ષણ ઉપરથી તે એમ બોલ્યા : હું જાણું છું કે આવું રૂપ મેં ક્યાંક દીઠું છે. અને એમ બોલતાં બોલતાં તે કુમાર શોભનિક પરિણામને પામ્યા. મોહપટ ટળ્યું ને ઉપશમતા પામ્યા. જાતિસ્મૃતિજ્ઞાન પ્રકાશિત થયું. પૂર્વિત જાતિની સ્મૃતિ ઊપજવાથી તે મૃગાપુત્ર, મહા રિદ્ધિના ભોક્તા, પૂર્વના ચારિત્રના સ્મરણને પણ પામ્યા. શીઘુમેવ તે વિષયને વિષે અણરાચતા થયા. સંયમને વિષે રાચતા થયા. માતાપિતાની સમીપે આવીને તે બોલ્યા કે “પૂર્વભવને વિષે મેં પાંચ મહાવ્રતને સાંભળ્યાં હતાં. નરકને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. તિર્યંચને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. એ અનંત દુઃખથી ખેદ પામીને હું તેનાથી નિવર્તવાને અભિલાષી થયો છું. સંસારરૂપી સમુદ્રથી પાર પામવા માટે હે ગુરૂજનો ! મને તે પાંચ મહાવ્રત ધારણ કરવાની અનુજ્ઞા દો.” કુમારનાં નિવૃત્તિથી ભરેલાં વચનો સાંભળીને માતાપિતાએ ભોગ ભોગવવાનું આમંત્રણ કર્યું. આમંત્રણવચનથી ખેદ પામીને મૃગાપુત્ર એમ કહે છે કે “અહો માતા અને અહો તાત! જે ભોગોનું તમે મને આમંત્રણ કરો છો તે ભોગ મેં ભોગવ્યા. તે ભોગ વિષફળ-કિંપાકવૃક્ષનાં ફળની ઉપમાથી યુક્ત છે. ભોગવ્યા પછી કડવા વિપાકને આપે છે. સદૈવ દુઃખોત્પત્તિનાં કારણ છે. આ શરીર છે તે અનિત્ય અને કેવળ અશુચિમય છે, અશુચિથી ઉત્પન્ન થયું છે, જીવનો એ અશાશ્વત વાસ છે; અનંત દુઃખનો હેતુ છે, રોગ, જરા, અને ક્લેશાદિકનું એ શરીર ભાજન છે; એ શરીરને વિષે હું કેમ રતિ કરું ? બાળપણે એ શરીર છાંડવું છે કે વૃદ્ધપણે એવો જેનો નિયમ નથી, એ શરીર પાણીના ફીણના બદબુદ જેવું છે એવા શરીરને વિષે સ્નેહ કેમ યોગ્ય હોય ? મનુષ્યત્વમાં એ શરીર પામીને કોઢ જ્વર વગેરે વ્યાધિને તેમજ જરામરણને વિષે ગ્રહાવું રહ્યું છે. તેમાં હું કેમ પ્રેમ બાંધું? જન્મનું દુઃખ, જરાનું દુ:ખ, રોગનું દુઃખ, મરણનું દુઃખ, કેવળ દુઃખના હેતુ સંસારને વિષે છે. ભૂમિ, ક્ષેત્ર, આવાસ, કંચન, કુટુંબ, પુત્ર, પ્રમદા, બંધવ, એ સકળને છાંડીને માત્ર ફ્લેશ પામીને આ શરીરથી અવશ્યમેવ જવું છે. જેમ કિંપાકવૃક્ષનાં ફળનું પરિણામ સુખદાયક નથી, એમ ભોગનું પરિણામ પણ સુખદાયક નથી. જેમ કોઈ પુરુષ મહા પ્રવાસને વિષે અન્નજળ અંગીકાર ન કરે એટલે કે ન લે અને સુધાતૃષાએ કરીને દુઃખી થાય તેમ ધર્મના અનાચરણથી પરભવને વિષે જતાં તે પુરુષ દુઃખી થાય, જન્મજરાદિકની પીડા પામે, મહા પ્રવાસમાં પરવરતાં જે પુરુષ અન્નજળાદિક લે તે પુરુષ ક્ષુધાતૃષાથી રહિત થઈ સુખને પામે, એમ ધર્મનો આચરનાર પુરુષ પરભવ પ્રત્યે પરવરતાં સુખને પામે; અલ્પ કર્મરહિત હોય; અશાતા વેદનીય રહિત હોય. હે ગુરૂજનો ! જેમ કોઈ ગૃહસ્થનું ઘર પ્રજ્વલિત થાય છે, ત્યારે તે ઘરનો ધણી અમૂલ્ય વસ્ત્રાદિકને લઈ જઈ જીર્ણ વસ્ત્રાદિકને છાંડી રહેવા દે છે, તેમ લોક બળતો દેખીને જીર્ણ વસ્ત્રરૂપ જરામરણને છાંડીને અમૂલ્ય આત્માને તે બળતાથી (તમે આજ્ઞા આપો એટલે હું) તારીશ.” મૃગાપુત્રનાં વચન સાંભળીને શોકાર્ત થયેલાં એનાં માતાપિતા બોલ્યા, “હે પુત્ર ! આ તું શું કહે છે ? ચારિત્ર પાળતાં બહુ દુર્લભ છે. ક્ષમાદિક ગુણને યતિએ ધરવા પડે છે, રાખવા પડે છે, યત્નાથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રુમાં સમભાવ રાખવો પડે છે; સંયતિને પોતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સમબુદ્ધિ રાખવી પડે છે, અથવા સર્વ જગત ઉપર સરખો ભાવ રાખવો પડે છે. એવું એ પ્રાણાતિપાતવિરતિ
Page #3
--------------------------------------------------------------------------
________________ પ્રથમ વ્રત, જીવતાં સુધી, પાળતાં દુર્લભ તે પાળવું પડે છે. સંયતિને સદૈવકાળ અપ્રમાદપણાથી મૃષા વચનનું વર્જવું, હિતકારી વચનનું ભાખવું, એવું પાળતાં દુષ્કર બીજું વ્રત અવધારણ કરવું પડે છે. સંયતિને દાંત શોધનાને અર્થે એક સળીનું પણ અદત્ત વર્જવું, નિરવદ્ય અને દોષરહિત ભિક્ષાનું આચરવું, એવું પાળતાં દુષ્કર ત્રીજું વ્રત અવધારણ કરવું પડે છે. કામભોગના સ્વાદને જાણવા અને અબ્રહ્મચર્યનું ધારણ કરવું તે ત્યાગ કરીને બ્રહ્મચર્યરૂપ ચોથું વ્રત સંયતિને અવધારણ કરવું તેમજ પાળવું બહુ દુર્લભ છે. ધન ધાન્ય, દાસનાં સમુદાય, પરિગ્રહ મમત્વનું વર્જન, સઘળા પ્રકારના આરંભનો ત્યાગ, કેવળ એ નિર્મમત્વથી પાંચમું મહાવ્રત સંયતિને ધારણ કરવું અતિ વિકટ છે. રાત્રિભોજનનું વર્જન, વૃતાદિક પદાર્થનું વાસી રાખવાનું ત્યાગવું, તે અતિ દુષ્કર છે. હે પુત્ર ! તું ચારિત્ર ચારિત્ર શું કરે છે ? ચારિત્ર જેવી દુ:ખપ્રદ વસ્તુ બીજી કઈ છે ? સુધાના પરિષહ સહન કરવા; તૃષાના પરિષહ સહન કરવા; ટાઢના પરિષહ સહન કરવા; ઉષ્ણ તાપના પરિષહ સહન કરવા; ડાંસ મચ્છરના પરિષહ સહન કરવા; આક્રોશના પરિષહ સહન કરવા, ઉપાશ્રયના પરિષહ સહન કરવા; તૃણાદિક સ્પર્શના પરિષહ સહન કરવા; મેલના પરિષહ સહન કરવા; નિશ્ચય માન કે હે પુત્ર ! એવું ચારિત્ર કેમ પાળી શકાય ? વધના પરિષહ, બંધના પરિષહ કેવા વિકટ છે ? ભિક્ષાચારી કેવી દુર્લભ છે ? યાચના કરવી કેવી દુર્લભ છે ? યાચના કરવા છતાં ન પમાય એ અલાભપરિષહ કેવો દુર્લભ છે ? કાયર પુરુષના હૃદયને ભેદી નાખનારું કેશલોચન કેવું વિકટ છે ? તું વિચાર કર, કર્મવૈરી પ્રતિ રૌદ્ર એવું બ્રહ્મચર્ય વ્રત કેવું દુર્લભ છે? ખરે ! અધીર આત્માને એ સઘળાં અતિ અતિ વિકટ છે. પ્રિય પુત્ર ! તું સુખ ભોગવવાને યોગ્ય છે. અતિ રમણીય રીતે નિર્મળ સ્નાન કરવાને તારું સુકુમાર શરીર યોગ્ય છે. પ્રિય પુત્ર ! નિશ્ચય તું ચારિત્ર પાળવાને સમર્થ નથી. જીવતાં સુધી એમાં વિસામો નથી. સંયતિના ગુણનો મહા સમુદાય લોઢાની પેઠે બહુ ભારે છે. સંયમનો ભાર વહન કરવો અતિ અતિ વિકટ છે. આકાશગંગાને સામે પૂરે જવું જેમ દોહ્યલું છે, તેમ યૌવનવયને વિષે સંયમ મહા દુષ્કર છે. પ્રતિસોત જવું જેમ દુર્લભ છે, તેમ યૌવનને વિષે સંયમ મહા દુર્લભ છે. ભુજાએ કરીને જેમ સમુદ્ર તરવો દુર્લભ છે, તેમ સંયમ ગુણસમુદ્ર તરવો યૌવનમાં મહા દુર્લભ છે. વેળુનો કવળ જેમ નીરસ છે, તેમ સંયમ પણ નીરસ છે. ખગધારા પર ચાલવું જેમ વિકટ છે, તેમ તપ આચરવું મહા વિકટ છે. જેમ સર્પ એકાંત દ્રષ્ટિથી ચાલે છે, તેમ ચારિત્રમાં ઇર્યાસમિતિ માટે એકાંતિક ચાલવું મહા દુર્લભ છે. હે પ્રિય પુત્રા જેમ લોઢાના જવ ચાવવા દુર્લભ છે, તેમ સંયમ આચરતાં દુર્લભ છે. જેમ અગ્નિની શિખા પીવી દુર્લભ છે, તેમ યૌવનને વિષે યતિપણું અંગીકાર કરવું મહા દુર્લભ છે. કેવળ મંદ સંઘયણના ધણી કાયર પુરુષે યતિપણે પામવું તેમ પાળવું દુર્લભ છે. જેમ ત્રાજવે કરી મેરુ પર્વત તોળવો દુર્લભ છે, તેમ નિશ્ચળપણાથી, નિઃશંકતાથી દશવિધિ યતિધર્મ પાળવો દુષ્કર છે. ભુજાએ કરી સ્વયંભૂરમણ સમુદ્ર જેમ તરવો દુષ્કર છે, તેમ જ નથી ઉપશમવંત તેને ઉપશમરૂપી સમુદ્ર તરવો દોહ્યલો છે.
Page #4
--------------------------------------------------------------------------
________________ હે પુત્ર ! શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ એ પાંચ પ્રકારે મનુષ્ય સંબંધી ભોગ ભોગવીને ભક્તભોગી થઈને વૃદ્ધપણામાં તું ધર્મ આચરજે.” માતાપિતાનો ભોગસંબંધી ઉપદેશ સાંભળીને તે મૃગાપુત્ર માતાપિતા પ્રત્યે એમ બોલી ઊઠ્યા : “વિષયની વૃત્તિ ન હોય તેને સંયમ પાળવો કંઈયે દુષ્કર નથી. આ આત્માએ શારીરિક અને માનસિક વેદના અશાતારૂપે અનંત વાર સહી છે, ભોગવી છે. મહા દુઃખથી ભરેલી, ભયને ઉપજાવનારી અતિ રૌદ્ર વેદના આ આત્માએ ભોગવી છે. જન્મ, જરા, મરણ એ ભયનાં ધામ છે. ચતુર્ગતિરૂપ સંસારાટવીમાં ભમતાં અતિ રૌદ્ર દુઃખો મેં ભોગવ્યાં છે. હે ગુરૂજનો ! મનુષ્યલોકમાં જે અગ્નિ અતિશય ઉષ્ણ મનાયો છે, તે અગ્નિથી અનંતગણી ઉષ્ણ તાપવેદના નરકને વિષે આ આત્માએ ભોગવી છે. મનુષ્ય લોકમાં જે ટાઢ અતિ શીતળ મનાઈ છે, એ ટાઢથી અનંતગણી ટાઢ નરકને વિષે અશાતાએ આ આત્માએ ભોગવી છે. લોહમય ભાજન, તેને વિષે ઊંચા પગ બાંધી નીચું મસ્તક કરીને દેવતાએ વૈક્રિય કરેલા ધુંવાફૂવા બળતા અગ્નિમાં આજંદ કરતાં, આ આત્માએ અત્યગ્ર દુ:ખ ભોગવ્યાં છે. મહા દવના અગ્નિ જેવા મરુ દેશમાં જેવી વેળું છે તે વેળુ જેવી વસ્મય વેળું કદંબ નામે નદીની વેળ છે, તે સરખી ઉષ્ણ વેળને વિષે પૂર્વે મારા આ આત્માને અનંત વાર બાળ્યો છે. આક્રંદ કરતાં પચવાના ભાજનને વિષે પચવાને અર્થે મને અનંતી વાર નાખ્યો છે. નરકમાં મહા રૌદ્ર પરમાધામીઓએ મને મારા કડવા વિપાકને માટે અનંતી વાર ઊંચા વૃક્ષની શાખાએ બાંધ્યો હતો. બંધવ રહિત એવા મને લાંબી કરવતે કરીને છેદ્યો હતો. અતિ તીક્ષ્ણ કંટકે કરીને વ્યાપ્ત ઊંચા શાલ્મલિ વૃક્ષને વિષે બાંધીને મહા ખેદ પમાડ્યો હતો. પાશ કરીને બાંધી આઘો-પાછો ખેંચવે કરી મને અતિ દુઃખી કર્યો હતો. મહા અસહ્ય કોલુને વિષે શેલડીની પેઠે આક્રંદ કરતો હું અતિ રૌદ્રતાથી પીડાયો હતો. એ ભોગવવું પડ્યું તે માત્ર મારાં અશુભ કર્મના અનંતી વારના ઉદયથી જ હતું. શ્વાનને રૂપે સામનામા પરમાધામીએ કીધો, શબલનામાં પરમાધામીએ તે શ્વાનરૂપે મને ભોંય પર પાડ્યો; જીર્ણ વસ્ત્રની પરે ફાડ્યો; વૃક્ષની પરે છેદ્યો; એ વેળા હું અતિ અતિ તરફડતો હતો. વિકરાળ ખગે કરી, ભાલાએ કરી, તથા બીજા શસ્ત્ર વડે કરી મને તે પ્રચંડીઓએ વિખંડ કીધો હતો. નરકમાં પાપકર્મો જન્મ લઈને વિષમ જાતિના ખંડનું દુઃખ ભોગવ્યામાં મણા રહી નથી. પરતંત્રે કરી અનંત પ્રજ્વલિત રથમાં રોઝની પેઠે પરાણે મને જોતર્યો હતો. મહિષની પેઠે દેવતાના વૈક્રિય કરેલા અગ્નિમાં હું બન્યો હતો. ભડથું થઈ અશાતાથી અત્યગ્ર વેદના ભોગવતો હતો. ઢંક-ગીધ નામના વિકરાળ પક્ષીઓની સાણસા સરખી ચાંચથી ચૂંથાઈ અનંત વલવલાટથી કાયર થઈ હું વિલાપ કરતો હતો. તૃષાને લીધે જલપાનનું ચિંતન કરી વેગમાં દોડતાં, વૈતરણીનું છરપલાની ધાર જેવું અનંત દુઃખદ પાણી પામ્યો હતો. જેનાં પાંદડાં તીવ્ર ખગની ધાર જેવાં છે, મહા તાપથી જે તપી રહ્યું છે, તે અસિપત્રવન હું પામ્યો હતો ત્યાં આગળ પૂર્વકાળે મને અનંત વાર છેદ્યો હતો. મુગરથી કરી, તીવ્ર શસ્ત્રથી કરી, ત્રિશૂલથી કરી, મુશળથી કરી, તેમજ ગદાથી કરીને મારાં ગાત્ર ભાંગ્યાં હતાં. શરણરૂપ સુખ વિના હું અશરણરૂપ અનંત દુઃખ પામ્યો હતો. વસ્ત્રની પેઠે મને છરપલાની
Page #5
--------------------------------------------------------------------------
________________ તીક્ષ્ણ ધારે કરી, પાળીએ કરી અને કાતરણીએ કરીને કાપ્યો હતો. મારા ખંડોખંડ કટકા કર્યા હતા. મને તીરછો છેદ્યો હતો. ચરરર કરતી મારી ત્વચા ઉતારી હતી. એમ હું અનંત દુઃખ પામ્યો હતો. પરવશતાથી મૃગની પેઠે અનંત વાર પાશમાં હું સપડાયો હતો. પરમાધામીએ મને મગરમચ્છરૂપે જાળ નાંખી અનંત વેળા દુઃખ આપ્યું હતું. સીંચાણારૂપે પંખીની પેઠે જાળમાં બાંધી અનંત વાર મને હણ્યો હતો. ફરશી ઇત્યાદી શસ્ત્રથી કરીને મને અનંતવાર વૃક્ષની પેઠે ફૂટીને મારા સૂક્ષ્મ છેદ કર્યા હતા. મુગરાદિકના પ્રહાર વતી લોહકાર જેમ લોહને ટીપે તેમ મને પૂર્વકાળે પરમાધામીઓએ અનંતી વાર ટીપ્યો હતો. તાંબું, લોઢું અને સીસું અગ્નિથી ગાળી તેનો કળકળતો રસ મને અનંત વાર પાયો હતો. અતિ રૌદ્રતાથી તે પરમાધામીઓ મને એમ કહેતા હતા કે, પૂર્વભવમાં તને માંસ પ્રિય હતું તે લે આ માંસ. એમ મારા શરીરના ખંડોખંડ કટકા મેં અનંતી વાર ગળ્યા હતા. મદ્યની વલ્લભતા માટે પણ એથી કંઈ ઓછું દુઃખ પડ્યું નહોતું. એમ મેં મહા ભયથી, મહા ત્રાસથી અને મહા દુઃખથી કંપાયમાન કાયાએ કરી અનંત વેદના ભોગવી હતી. જે સહન કરતાં અતિ તીવ્ર, રૌદ્ર અને ઉત્કૃષ્ટ કાળસ્થિતિની વેદના, સાંભળતાં પણ અતિ ભયંકર, અનંત વાર તે નરકમાં મેં ભોગવી હતી. જેવી વેદના મનુષ્યલોકમાં છે તેવી દેખાતી પણ તેથી અનંતગણી અધિક અશાતા વેદની નરકને વિષે રહી હતી. સર્વ ભવને વિષે અશાતા વેદની મેં ભોગવી છે. મેષાનમેષ માત્ર પણ ત્યાં શાતા નથી.” એ પ્રમાણે મૃગાપુત્રે વૈરાગ્યભાવથી સંસાર-પરિભ્રમણ-દુઃખ કહ્યાં. એના ઉત્તરમાં તેનાં જનકજનેતા એમ બોલ્યાં કે, “હે પુત્ર ! જો તારી ઇચ્છા દીક્ષા લેવાની છે તો દીક્ષા ગ્રહણ કર; પણ ચારિત્રમાં રોગાત્પત્તિ વેળા વૈદક કોણ કરશે ? દુઃખનિવૃત્તિ કોણ કરશે ? એ વિના બહુ દોહ્યલું છે.” મૃગાપુત્રે કહ્યું, “એ ખરું, પણ તમે વિચારો કે અટવીમાં મૃગ તેમજ પંખી એકલું હોય છે, તેને રોગ ઉત્પન્ન થાય છે ત્યારે તેનું વૈદું કોણ કરે છે ? જેમ વનમાં મૃગ વિહાર કરે છે તેમ હું ચારિત્રવનમાં વિહાર કરીશ, અને સપ્તદશ ભેદે શુદ્ધ સંયમનો અનુરાગી થઈશ. દ્વાદશ પ્રકૃતિ તપ આચરીશ; તેમજ મૃગચર્યાથી વિચરીશ. મૃગને વનમાં રોગનો ઉપદ્રવ થાય છે, ત્યારે તેનું વૈદું કોણ કરે છે ?" એમ પુનઃ કહી તે બોલ્યા કે “કોણ તે મૃગને ઓષધ દે છે ? કોણ તે મૃગને આનંદ, શાંતિ અને સુખ પૂછે છે? કોણ તે મૃગને આહાર જળ આણી આપે છે? જેમ તે મૃગ ઉપદ્રવમુક્ત થયા પછી ગહનવને જ્યાં સરોવર હોય છે ત્યાં જાય છે, તૃણપાણી આદિનું સેવન કરીને પાછું જેમ તે મૃગ વિચરે છે તેમ હું વિચરીશ. સારાંશ, એ રૂપ મૃગચર્યા હું આચરીશ. એમ હું મૃગની પેઠે સંયમવંત હોઈશ. અનેક સ્થળે વિચરતો યતિ મૃગની પેઠે અપ્રતિબદ્ધ રહે. મૃગની પેઠે વિચરીને, મૃગચર્યા સેવીને, સાવદ્ય ટાળીને યતિ વિચરે. જેમ મૃગ, તૃણ જળાદિકની ગોચરી કરે તેમ યતિ ગોચરી કરીને સંયમભાર નિર્વાહ કરે. દુરાહાર માટે ગૃહસ્થને હીલે નહીં, નિંદા કરે નહીં એવો સંયમ હું આચરીશ.” “pવં પુલ્તા નહીસુર - હે પુત્ર! જેમ તને સુખ થાય તેમ કરો !" એમ માતાપિતાએ અનુજ્ઞા આપી. અનુજ્ઞા મળ્યા પછી મમત્વભાવ છેદીને જેમ મહા નાગ કંયુક ત્યાગી ચાલ્યો જાય છે, તેમ તે મૃગાપુત્ર સંસાર ત્યાગી સંયમધર્મમાં સાવધાન થયા. કંચન, કામિની, મિત્ર, પુત્ર, જ્ઞાતિ અને સગાસંબંધીના પરિત્યાગી થયા. વસ્ત્રને ધૂણી જેમ રજ ખંખેરી નાખીએ તેમ તે સઘળા પ્રપંચ ત્યાગીને દીક્ષા લેવાને માટે નીકળી પડ્યા. પવિત્ર પાંચ મહાવ્રતયુકત
Page #6
--------------------------------------------------------------------------
________________ થયા. પંચ સમિતિથી સુશોભિત થયા. ત્રિગુયાનુગુપ્ત થયા. બાહ્યાભ્યતરે દ્વાદશ તપથી સંયુકત થયા. મમત્વરહિત થયા. નિરહંકારી થયા; સ્ત્રીઆદિકના સંગરહિત થયા. સર્વાત્મભૂતમાં એનો સમાનભાવ થયો. આહાર જળ પ્રાપ્ત થાઓ કે ન થાઓ, સુખ ઊપજો કે દુઃખ, જીવિતવ્ય હો કે મરણ હો, કોઈ સ્તુતિ કરો કે કોઈ નિંદા કરો, કોઈ માન દો કે કોઈ અપમાન દો, તે સઘળાં પર તે સમભાવી થયા. રિદ્ધિ, રસ અને સુખ એ ત્રિગારવના અહંપદથી તે વિરક્ત થયા. મનદંડ, વચનદંડ અને તનદંડ નિવર્તાવ્યા. ચાર કષાયથી વિમુક્ત થયા. માયાશલ્ય, નિદાનશલ્ય તથા મિથ્યાત્વશલ્ય એ ત્રિશલ્યથી તે વિરાગી થયા. સપ્ત મહા ભયથી તે અભય થયા. હાસ્ય અને શોકથી નિવત્ય, નિદાન રહિત થયા; રાગદ્વેષરૂપી બંધનથી છૂટી ગયા. વાંછા રહિત થયા; સર્વ પ્રકારના વિલાસથી રહિત થયા; કરવાલથી કોઈ કાપે અને કોઈ ચંદન વિલેપન કરે તે પર સમભાવી થયા. પાપ આવવાનાં સઘળાં દ્વાર તેણે ધ્યાં. શુદ્ધ અંતઃકરણ સહિત ધર્મધ્યાનાદિક વ્યાપારે તે પ્રશસ્ત થયા. જિનેન્દ્ર શાસનતત્વ પરાયણ થયા. જ્ઞાને કરી, આત્મચારિત્રે કરી, સમ્યત્વે કરી, તપે કરી, પ્રત્યેક મહાવ્રતની પાંચ ભાવના એમ પાંચ મહાવ્રતની પચીસ ભાવનાએ કરી અને નિર્મળતાએ કરી તે અનુપમ વિભૂષિત થયા. સમ્યક પ્રકારથી ઘણાં વર્ષ સુધી આત્મચારિત્ર પરિસેવીને એક માસનું અનશન કરીને તે મહાજ્ઞાની યુવરાજ મૃગાપુત્ર પ્રધાન મોક્ષગતિએ પરવર્યા. પ્રમાણશિક્ષાતત્વજ્ઞાનીઓએ સપ્રમાણ સિદ્ધ કરેલી દ્વાદશભાવનામાંની સંસારભાવનાને દ્રઢ કરવા મૃગાપુત્રનું ચરિત્ર અહીં વર્ણવ્યું. સંસારાટવીમાં પરિભ્રમણ કરતાં અનંત દુઃખ છે એ વિવેકસિદ્ધ છે; અને એમાં પણ મેષાનમેષ જેમાં સુખ નથી એવી નરકાધોગતિનાં અનંત દુઃખ યુવજ્ઞાની યોગીંદ્ર મૃગાપુત્રે જનકજનેતા પ્રતિ વર્ણવ્યાં છે, તે કેવળ સંસારમુકત થવાનો વિરાગી ઉપદેશ પ્રદર્શિત કરે છે. આત્મચારિત્ર અવધારણ કરતાં તપપરિષહાદિકના બહિદુઃખને દુઃખ માન્યું છે; અને મહાધોગતિના પરિભ્રમણરૂપ અનંત દુઃખને બહિર્ભાવ મોહિનીથી સુખ માન્યું છે, એ જો કેવી ભ્રમવિચિત્રતા છે ? આત્મચારિત્રનું દુઃખ તે દુઃખ નહીં પણ પરમ સુખ છે, અને પરિણામે અનંત સુખતરંગ પ્રાપ્તિનું કારણ છે; તેમજ ભોગવિલાસાદિકનું સુખ તે ક્ષણિક અને બહિર્દય સુખ તે કેવળ દુઃખ જ છે. પરિણામે અનંત દુઃખનું કારણ છે, એમ સપ્રમાણ સિદ્ધ કરવા મહાજ્ઞાની મૃગાપુત્રનો વૈરાગ્ય અહીં દર્શાવ્યો છે. એ મહા પ્રભાવિક, મહા યશોમાન મૃગાપુત્રની પેઠે તપાદિક અને આત્મચારિત્રાદિક શુદ્ધાચરણ કરે, તે ઉત્તમ સાધુ ત્રિલોકમાં પ્રસિદ્ધ અને પ્રધાન એવી પરમ સિદ્ધિદાયક સિદ્ધગતિને પામે. સંસારમમત્વને દુ:ખવૃદ્ધિરૂપ માની, તત્ત્વજ્ઞાનીઓ તે મૃગાપુત્રની પેઠે જ્ઞાનદર્શનચારિત્રરૂપ દિવ્ય ચિંતામણિને પરમ સુખ અને પરમાનંદને કારણે આરાધે છે. મહર્ષિ મૃગાપુત્રનું સર્વોત્તમ ચરિત્ર (સંસારભાવનારૂપે) સંસારપરિભ્રમણનિવૃત્તિનો, અને તેની સાથે અનેક પ્રકારની નિવૃત્તિનો ઉપદેશ કરે છે, એ ઉપરથી નિવૃત્તિબોધ અંતર્દર્શનનું નામ રાખી આત્મચારિત્રની ઉત્તમતા વર્ણવતાં આ મૃગાપુત્ર ચરિત્ર અહીં આગળ પૂર્ણતા પામે છે. સંસારપરિભ્રમણનિવૃત્તિ અને સાવદ્ય ઉપકરણનિવૃત્તિનો પવિત્ર વિચાર તત્વજ્ઞાનીઓ નિરંતર કરે છે.
Page #7
--------------------------------------------------------------------------
________________ ઇતિ અંતર્દર્શને સંસારભાવનારૂપ ષષ્ઠ ચિત્રે મૃગાપુત્રચરિત્ર સમાપ્ત.