________________ અંતર્દર્શન : ષષ્ઠચિત્ર-નિવૃત્તિબોધ - (નારાજ છંદ) અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા !! ઉધાડ ન્યાય-નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. વિશેષાર્થજેમાં એકાંત અને અનંત સુખના તરંગ ઊછળે છે તેવાં શીલ, જ્ઞાનને માત્ર નામના દુઃખથી કંટાળી જઈને મિત્રરૂપે ન માનતાં તેમાં અભાવ કરે છે; અને કેવળ અનંત દુઃખમય એવાં જે સંસારનાં નામ માત્ર સુખ તેમાં તારો પરિપૂર્ણ પ્રેમ છે એ કેવી વિચિત્રતા છે ! અહો ચેતન ! હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉઘાડીને નિહાળ રે ! નિહાળ !!! નિહાળીને શીઘ્રમેવ નિવૃત્તિ એટલે મહા વૈરાગ્યને ધારણ કર, અને મિથ્યા કામભોગની પ્રવૃત્તિને બાળી દે ! એવી પવિત્ર મહા નિવૃત્તિને દૃઢીભૂત કરવા ઉચ્ચ વિરાગી યુવરાજ મૃગાપુત્રનું મનન કરવા યોગ્ય ચરિત્ર અહીં આગળ પ્રત્યક્ષ છે. કેવા દુ:ખને સુખ માન્યું છે ? અને કેવા સુખને દુઃખ માન્યું છે ? તાદૃશ તે યુવરાજનાં મુખવચન સિદ્ધ કરશે. વિરાગી યુવરાજ મૃગાપુત્રનું ચરિત્ર દ્રષ્ટાંતઃ- નાના પ્રકારનાં મનોહર વૃક્ષથી ભરેલાં ઉદ્યાનો વડે સુગ્રીવ એ નામે એક સુશોભિત નગર છે. તે નગરના રાજ્યાસન પર બલભદ્ર એ નામે એક રાજા થયો. તેની પ્રિયંવદા પટરાણીનું નામ મૃગા હતું. એ પતિપત્નીથી બળશ્રી નામે એક કુમારે જન્મ લીધો હતો. મૃગાપુત્ર એવું એનું પ્રખ્યાત નામ હતું. જનકજનેતાને તે અતિ વલ્લભ હતા. એ યુવરાજ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સંયતિના ગુણને પામ્યા હતા; એથી કરીને દમીશ્વર એટલે યતિમાં અગ્રેસર ગણાવા યોગ્ય હતા. તે મૃગાપુત્ર શિખરબંધ આનંદકારી પ્રાસાદને વિષે પોતાની પ્રાણપ્રિયા સહિત દોગંદક દેવતાની પેરે વિલાસ કરતા હતા. નિરંતર પ્રમોદ સહિત મનથી વર્તતા હતા. ચંદ્રકાંતાદિક મણિ તેમજ વિવિધ રત્નથી પ્રાસાદનો પટશાળ જડિત હતો. એક દિવસને સમયે તે કુમાર પોતાના ગોખને વિષે રહ્યા હતા. ત્યાંથી નગરનું નિરીક્ષણ પરિપૂર્ણ થતું હતું. જ્યાં ચાર રાજમાર્ગ એકત્વને પામતા હતા એવા ચોકમાં ત્રણ રાજમાર્ગ એકઠા મળ્યા છે ત્યાં તેની દ્રષ્ટિ દોડી. મહા તપ, મહા નિયમ, મહા સંયમ, મહા શીલ, અને મહા ગુણના ધામરૂપ એક શાંત તપસ્વી સાધુને ત્યાં તેણે જોયા. જેમ જેમ વેળા થતી જાય છે, તેમ તેમ તે મુનિને મૃગાપુત્ર નીરખી નીરખીને જુએ છે.