________________ એ નિરીક્ષણ ઉપરથી તે એમ બોલ્યા : હું જાણું છું કે આવું રૂપ મેં ક્યાંક દીઠું છે. અને એમ બોલતાં બોલતાં તે કુમાર શોભનિક પરિણામને પામ્યા. મોહપટ ટળ્યું ને ઉપશમતા પામ્યા. જાતિસ્મૃતિજ્ઞાન પ્રકાશિત થયું. પૂર્વિત જાતિની સ્મૃતિ ઊપજવાથી તે મૃગાપુત્ર, મહા રિદ્ધિના ભોક્તા, પૂર્વના ચારિત્રના સ્મરણને પણ પામ્યા. શીઘુમેવ તે વિષયને વિષે અણરાચતા થયા. સંયમને વિષે રાચતા થયા. માતાપિતાની સમીપે આવીને તે બોલ્યા કે “પૂર્વભવને વિષે મેં પાંચ મહાવ્રતને સાંભળ્યાં હતાં. નરકને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. તિર્યંચને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. એ અનંત દુઃખથી ખેદ પામીને હું તેનાથી નિવર્તવાને અભિલાષી થયો છું. સંસારરૂપી સમુદ્રથી પાર પામવા માટે હે ગુરૂજનો ! મને તે પાંચ મહાવ્રત ધારણ કરવાની અનુજ્ઞા દો.” કુમારનાં નિવૃત્તિથી ભરેલાં વચનો સાંભળીને માતાપિતાએ ભોગ ભોગવવાનું આમંત્રણ કર્યું. આમંત્રણવચનથી ખેદ પામીને મૃગાપુત્ર એમ કહે છે કે “અહો માતા અને અહો તાત! જે ભોગોનું તમે મને આમંત્રણ કરો છો તે ભોગ મેં ભોગવ્યા. તે ભોગ વિષફળ-કિંપાકવૃક્ષનાં ફળની ઉપમાથી યુક્ત છે. ભોગવ્યા પછી કડવા વિપાકને આપે છે. સદૈવ દુઃખોત્પત્તિનાં કારણ છે. આ શરીર છે તે અનિત્ય અને કેવળ અશુચિમય છે, અશુચિથી ઉત્પન્ન થયું છે, જીવનો એ અશાશ્વત વાસ છે; અનંત દુઃખનો હેતુ છે, રોગ, જરા, અને ક્લેશાદિકનું એ શરીર ભાજન છે; એ શરીરને વિષે હું કેમ રતિ કરું ? બાળપણે એ શરીર છાંડવું છે કે વૃદ્ધપણે એવો જેનો નિયમ નથી, એ શરીર પાણીના ફીણના બદબુદ જેવું છે એવા શરીરને વિષે સ્નેહ કેમ યોગ્ય હોય ? મનુષ્યત્વમાં એ શરીર પામીને કોઢ જ્વર વગેરે વ્યાધિને તેમજ જરામરણને વિષે ગ્રહાવું રહ્યું છે. તેમાં હું કેમ પ્રેમ બાંધું? જન્મનું દુઃખ, જરાનું દુ:ખ, રોગનું દુઃખ, મરણનું દુઃખ, કેવળ દુઃખના હેતુ સંસારને વિષે છે. ભૂમિ, ક્ષેત્ર, આવાસ, કંચન, કુટુંબ, પુત્ર, પ્રમદા, બંધવ, એ સકળને છાંડીને માત્ર ફ્લેશ પામીને આ શરીરથી અવશ્યમેવ જવું છે. જેમ કિંપાકવૃક્ષનાં ફળનું પરિણામ સુખદાયક નથી, એમ ભોગનું પરિણામ પણ સુખદાયક નથી. જેમ કોઈ પુરુષ મહા પ્રવાસને વિષે અન્નજળ અંગીકાર ન કરે એટલે કે ન લે અને સુધાતૃષાએ કરીને દુઃખી થાય તેમ ધર્મના અનાચરણથી પરભવને વિષે જતાં તે પુરુષ દુઃખી થાય, જન્મજરાદિકની પીડા પામે, મહા પ્રવાસમાં પરવરતાં જે પુરુષ અન્નજળાદિક લે તે પુરુષ ક્ષુધાતૃષાથી રહિત થઈ સુખને પામે, એમ ધર્મનો આચરનાર પુરુષ પરભવ પ્રત્યે પરવરતાં સુખને પામે; અલ્પ કર્મરહિત હોય; અશાતા વેદનીય રહિત હોય. હે ગુરૂજનો ! જેમ કોઈ ગૃહસ્થનું ઘર પ્રજ્વલિત થાય છે, ત્યારે તે ઘરનો ધણી અમૂલ્ય વસ્ત્રાદિકને લઈ જઈ જીર્ણ વસ્ત્રાદિકને છાંડી રહેવા દે છે, તેમ લોક બળતો દેખીને જીર્ણ વસ્ત્રરૂપ જરામરણને છાંડીને અમૂલ્ય આત્માને તે બળતાથી (તમે આજ્ઞા આપો એટલે હું) તારીશ.” મૃગાપુત્રનાં વચન સાંભળીને શોકાર્ત થયેલાં એનાં માતાપિતા બોલ્યા, “હે પુત્ર ! આ તું શું કહે છે ? ચારિત્ર પાળતાં બહુ દુર્લભ છે. ક્ષમાદિક ગુણને યતિએ ધરવા પડે છે, રાખવા પડે છે, યત્નાથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રુમાં સમભાવ રાખવો પડે છે; સંયતિને પોતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સમબુદ્ધિ રાખવી પડે છે, અથવા સર્વ જગત ઉપર સરખો ભાવ રાખવો પડે છે. એવું એ પ્રાણાતિપાતવિરતિ