________________ પ્રથમ વ્રત, જીવતાં સુધી, પાળતાં દુર્લભ તે પાળવું પડે છે. સંયતિને સદૈવકાળ અપ્રમાદપણાથી મૃષા વચનનું વર્જવું, હિતકારી વચનનું ભાખવું, એવું પાળતાં દુષ્કર બીજું વ્રત અવધારણ કરવું પડે છે. સંયતિને દાંત શોધનાને અર્થે એક સળીનું પણ અદત્ત વર્જવું, નિરવદ્ય અને દોષરહિત ભિક્ષાનું આચરવું, એવું પાળતાં દુષ્કર ત્રીજું વ્રત અવધારણ કરવું પડે છે. કામભોગના સ્વાદને જાણવા અને અબ્રહ્મચર્યનું ધારણ કરવું તે ત્યાગ કરીને બ્રહ્મચર્યરૂપ ચોથું વ્રત સંયતિને અવધારણ કરવું તેમજ પાળવું બહુ દુર્લભ છે. ધન ધાન્ય, દાસનાં સમુદાય, પરિગ્રહ મમત્વનું વર્જન, સઘળા પ્રકારના આરંભનો ત્યાગ, કેવળ એ નિર્મમત્વથી પાંચમું મહાવ્રત સંયતિને ધારણ કરવું અતિ વિકટ છે. રાત્રિભોજનનું વર્જન, વૃતાદિક પદાર્થનું વાસી રાખવાનું ત્યાગવું, તે અતિ દુષ્કર છે. હે પુત્ર ! તું ચારિત્ર ચારિત્ર શું કરે છે ? ચારિત્ર જેવી દુ:ખપ્રદ વસ્તુ બીજી કઈ છે ? સુધાના પરિષહ સહન કરવા; તૃષાના પરિષહ સહન કરવા; ટાઢના પરિષહ સહન કરવા; ઉષ્ણ તાપના પરિષહ સહન કરવા; ડાંસ મચ્છરના પરિષહ સહન કરવા; આક્રોશના પરિષહ સહન કરવા, ઉપાશ્રયના પરિષહ સહન કરવા; તૃણાદિક સ્પર્શના પરિષહ સહન કરવા; મેલના પરિષહ સહન કરવા; નિશ્ચય માન કે હે પુત્ર ! એવું ચારિત્ર કેમ પાળી શકાય ? વધના પરિષહ, બંધના પરિષહ કેવા વિકટ છે ? ભિક્ષાચારી કેવી દુર્લભ છે ? યાચના કરવી કેવી દુર્લભ છે ? યાચના કરવા છતાં ન પમાય એ અલાભપરિષહ કેવો દુર્લભ છે ? કાયર પુરુષના હૃદયને ભેદી નાખનારું કેશલોચન કેવું વિકટ છે ? તું વિચાર કર, કર્મવૈરી પ્રતિ રૌદ્ર એવું બ્રહ્મચર્ય વ્રત કેવું દુર્લભ છે? ખરે ! અધીર આત્માને એ સઘળાં અતિ અતિ વિકટ છે. પ્રિય પુત્ર ! તું સુખ ભોગવવાને યોગ્ય છે. અતિ રમણીય રીતે નિર્મળ સ્નાન કરવાને તારું સુકુમાર શરીર યોગ્ય છે. પ્રિય પુત્ર ! નિશ્ચય તું ચારિત્ર પાળવાને સમર્થ નથી. જીવતાં સુધી એમાં વિસામો નથી. સંયતિના ગુણનો મહા સમુદાય લોઢાની પેઠે બહુ ભારે છે. સંયમનો ભાર વહન કરવો અતિ અતિ વિકટ છે. આકાશગંગાને સામે પૂરે જવું જેમ દોહ્યલું છે, તેમ યૌવનવયને વિષે સંયમ મહા દુષ્કર છે. પ્રતિસોત જવું જેમ દુર્લભ છે, તેમ યૌવનને વિષે સંયમ મહા દુર્લભ છે. ભુજાએ કરીને જેમ સમુદ્ર તરવો દુર્લભ છે, તેમ સંયમ ગુણસમુદ્ર તરવો યૌવનમાં મહા દુર્લભ છે. વેળુનો કવળ જેમ નીરસ છે, તેમ સંયમ પણ નીરસ છે. ખગધારા પર ચાલવું જેમ વિકટ છે, તેમ તપ આચરવું મહા વિકટ છે. જેમ સર્પ એકાંત દ્રષ્ટિથી ચાલે છે, તેમ ચારિત્રમાં ઇર્યાસમિતિ માટે એકાંતિક ચાલવું મહા દુર્લભ છે. હે પ્રિય પુત્રા જેમ લોઢાના જવ ચાવવા દુર્લભ છે, તેમ સંયમ આચરતાં દુર્લભ છે. જેમ અગ્નિની શિખા પીવી દુર્લભ છે, તેમ યૌવનને વિષે યતિપણું અંગીકાર કરવું મહા દુર્લભ છે. કેવળ મંદ સંઘયણના ધણી કાયર પુરુષે યતિપણે પામવું તેમ પાળવું દુર્લભ છે. જેમ ત્રાજવે કરી મેરુ પર્વત તોળવો દુર્લભ છે, તેમ નિશ્ચળપણાથી, નિઃશંકતાથી દશવિધિ યતિધર્મ પાળવો દુષ્કર છે. ભુજાએ કરી સ્વયંભૂરમણ સમુદ્ર જેમ તરવો દુષ્કર છે, તેમ જ નથી ઉપશમવંત તેને ઉપશમરૂપી સમુદ્ર તરવો દોહ્યલો છે.