Book Title: Vachanamrut 0016 04 Anaytav Bhavana
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330023/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ચિત્ર- અન્યત્વભાવના (શાર્દૂલવિક્રીડિત) ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં ભૂત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાત ના: ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના; રે રે! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. વિશેષાર્થ આ શરીર તે મારું નથી, આ રૂપ તે મારું નથી, આ કાંતિ તે મારી નથી, આ સ્ત્રી તે મારી નથી, આ પુત્ર તે મારા નથી, આ ભાઈઓ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ સ્નેહીઓ તે મારા નથી, આ સંબંધીઓ તે મારા નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારાં નથી, આ યૌવન તે મારું નથી, અને આ ભૂમિ તે મારી નથી, માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. સિદ્ધગતિ સાધવા માટે હે જીવ! અન્યત્વનો બોધ દેનારી એવી તે અન્યત્વભાવનાનો વિચાર કર ! વિચાર કર ! મિથ્યા મમત્વની ભ્રમણા ટળવા માટે, અને વૈરાગ્યની વૃદ્ધિને માટે પ્રભાવથી મનન કરવા યોગ્ય રાજરાજેશ્વર ભરતનું ચરિત્ર અહીં આગળ ટાંકીએ છીએઃ રાજરાજેશ્વર ભરતનું ચરિત્ર દ્રષ્ટાંતઃ- જેની અશ્વશાળામાં રમણીય, ચતુર અને અનેક પ્રકારના તેજી અશ્વના સમૂહ શોભતા હતા, જેની ગજશાળામાં અનેક જાતિના મદોન્મત્ત હસ્તીઓ ઝૂલી રહ્યા હતા, જેના અંતઃપુરમાં નવયૌવના સુકુમારિકા અને મુગ્ધા સ્ત્રીઓ સહસગમે વિરાજી રહી હતી, જેના ધનનિધિમાં ચંચળા એ ઉપમાથી વિદ્વાનોએ ઓળખેલી સમુદ્રની પુત્રી લક્ષ્મી સ્થિરરૂપ થઈ હતી, જેની આજ્ઞાને દેવ દેવાંગનાઓ આધીન થઈને મુકુટ પર ચડાવી રહ્યાં હતાં, જેને પ્રાશન કરવાને માટે નાના પ્રકારનાં ષટુરસ ભોજનો પળે પળે નિર્મિત થતાં હતાં, જેના કોમલ કર્ણના વિલાસને માટે ઝીણાં અને મધુરસ્વરી ગાયનો કરનારી વારાંગનાઓ તત્પર હતી. જેને નિરીક્ષણ કરવા માટે અનેક પ્રકારનાં નાટક ચેટક હતાં. જેની યશસ્કીર્તિ વાયુરૂપે પ્રસરી જઈ આકાશ જેવી વ્યાપ્ત હતી; જેના શત્રુઓને સુખથી શયન કરવાનો વખત આવ્યો ન હતો; અથવા જેના વૈરીની વનિતાઓનાં નયનોમાંથી સદૈવ આંસુ ટપકતાં હતાં, જેનાથી કોઈ શત્રુવટ દાખવવા તો સમર્થ નહોતું, પણ સામાં નિર્દોષતાથી આંગળી ચીંધવાયે પણ કોઈ સમર્થ નહોતું; જેની સમક્ષ અનેક મંત્રીઓના સમુદાય તેની Page #2 -------------------------------------------------------------------------- ________________ કૃપાની નિમંત્રણા કરતા હતા, જેનાં રૂપ, કાંતિ અને સૌંદર્ય એ મનોહારક હતાં, જેને અંગે મહાન બળ, વીર્ય, શક્તિ અને ઉગ્ર પરાક્રમ ઊછળતાં હતાં, ક્રિીડા કરવાને માટે જેને મહા સુગંધીમય બાગબગીચા અને વનોપવન હતાં, જેને ત્યાં પ્રધાન કુળદીપક પુત્રના સમુદાય હતા, જેની સેવામાં લાખોગમે અનુચરો સજ્જ થઈ ઊભા રહેતા હતા, જે પુરુષ જ્યાં જ્યાં પ્રવેશ કરતો, ત્યાં ત્યાં ખમા ખમા, કંચનફૂલ અને મૌક્તિકના થાળથી વધાવાતો હતો, જેના કુંકુમવર્ણા પાદપંકજનો સ્પર્શ કરવાને ઇંદ્ર જેવા પણ તલસી રહેતા હતા, જેની આયુધશાળામાં મહા યશોમાન દિવ્ય ચક્રની ઉત્પત્તિ થઈ હતી, જેને ત્યાં સામ્રાજ્યનો અખંડ દીપક પ્રકાશમાન હતો; જેને શિરે મહાન છ ખંડની પ્રભુતાનો તેજસ્વી અને ચળકાટમાન મુકુટ વિરાજિત હતો. કહેવાનો હેતુ કે જેનાં દળનો, જેના નગર-પુરપાટણનો, જેના વૈભવનો અને જેના વિલાસનો સંસાર સંબંધે કોઈ પણ પ્રકારે ન્યૂનભાવ નહોતો એવો તે શ્રીમાન રાજરાજેશ્વર ભરત પોતાના સુંદર આદર્શ-ભુવનમાં વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ મનોહર સિંહાસન પર બેઠો હતો. ચારે બાજુનાં દ્વાર ખુલ્લાં હતાં; નાના પ્રકારના ધૂપનો ધૂમ્ર સૂક્ષ્મ રીતે પ્રસરી રહ્યો હતો; નાના પ્રકારના સુગંધી પદાર્થો ધમધમી રહ્યાં હતાં; નાના પ્રકારનાં સુસ્વરયુકત વાજિંત્રો યાંત્રિક કળા વડે સ્વર ખેંચી રહ્યાં હતાં; શીતલ, મંદ અને સુગંધી એમ ત્રિવિધ વાયુની લહરીઓ છૂટતી હતી; આભૂષણાદિક પદાર્થોનું નિરીક્ષણ કરતાં કરતાં એ શ્રીમાન રાજરાજેશ્વર ભરત તે ભુવનમાં અપૂર્વતાને પામ્યો. એના હાથની એક આંગળીમાંથી વીંટી નીકળી પડી. ભરતનું ધ્યાન તે ભણી ખેંચાયું; અને આંગળી કેવળ અડવી જણાઈ. નવ આંગળીઓ વીંટી વડે કરીને જે મનોહરતા ધરાવતી હતી તે મનોહરતા વિના આ આંગળી પરથી ભરતેશ્વરને અદ્દભુત મૂળોત્તર વિચારની પ્રેરણા થઈ. શા કારણથી આ આંગળી આવી લાગવી જોઈએ ? એ વિચાર કરતાં વીંટીનું નીકળી પડવું એ કારણ એમ તેને સમજાયું. તે વાતને વિશેષ પ્રમાણભૂત કરવા બીજી આંગળીની વીંટી તેણે ખેંચી લીધી. એ બીજી આંગળીમાંથી જેવી વીંટી નીકળી તેવી તે આંગળી અશોભ્ય દેખાઈ; વળી એ વાતને સિદ્ધ કરવાને તેણે ત્રીજી આંગળીમાંથી પણ વીંટી સેરવી લીધી, એથી વિશેષ પ્રમાણ થયું. વળી ચોથી આંગળીમાંથી વીંટી કાઢી લીધી એટલે એણે પણ એવો જ દેખાવ દીધો; એમ અનુક્રમે દશે આંગળીઓ અડવી કરી મૂકી, અડવી થઈ જવાથી સઘળીનો દેખાવ અશોભ્ય દેખાયો. અશોભ્ય દેખાવાથી રાજરાજેશ્વર અન્યત્વભાવનામાં ગગદિત થઈ એમ બોલ્યો : “અહોહો ! કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની; એ મુદ્રિકા વડે મારી આંગળી સુંદર દેખાઈ; એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતાં એથી વિપરીત દેખાવ દીધો; વિપરીત દેખાવથી અશોભ્યતા અને અડવાપણું ખેદરૂપ થયું. અશોભ્ય જણાવાનું કારણ માત્ર વીંટી પામી; એ આંગળી વડે આ હાથ શોભે છે; અને એ હાથ વડે આ શરીર શોભા પામે છે. ત્યારે એમાં હું શોભા કોની ગણું ? અતિ વિસ્મયતા ! મારી આ મનાતી મનોહર કાંતિને વિશેષ દીપ્ત કરનાર તે મણિ માણિક્યાદિના અલંકારો અને રંગબેરંગી વસ્ત્રો ઠર્યા. એ કાંતિ મારી ત્વચાની શોભા ઠરી; એ ત્વચા શરીરની ગુપ્તતા ઢાંકી સુંદરતા દેખાડે છે, અહોહો ! આ મહા વિપરીતતા છે ! જે શરીરને હું મારું માનું છું તે શરીર તે Page #3 -------------------------------------------------------------------------- ________________ માત્ર ત્વચા વડે, તે ત્વચા કાંતિ વડે અને તે કાંતિ વસ્ત્રાલંકાર વડે શોભે છે. ત્યારે શું મારા શરીરની તો કંઈ શોભા નહીં જ કે ? રુધિર, માંસ, અને હાડનો જ કેવળ એ માળો કે ? અને એ માળો તે હું કેવળ મારો માનું છું. કેવી ભૂલ ! કેવી ભ્રમણા ! અને કેવી વિચિત્રતા છે ! કેવળ હું પરપુગલની શોભાથી શોભું છું. કોઈથી રમણીકતા ધરાવતું શરીર તે મારે મારું કેમ માનવું? અને કદાપિ એમ માનીને હું એમાં મમત્વભાવ રાખું તે પણ કેવળ દુઃખપ્રદ અને વૃથા છે. આ મારા આત્માનો એ શરીરથી એક કાળે વિયોગ છે! આત્મા જ્યારે બીજા દેહને ધારણ કરવા પરવરશે ત્યારે આ દેહ અહીં રહેવામાં કંઈ શંકા નથી. એ કાયા મારી ન થઈ અને નહીં થાય ત્યારે હું એને મારી માનું છું કે માનું એ કેવળ મૂર્ખતા છે. જેનો એક કાળે વિયોગ થવાનો છે, અને જે કેવળ અન્યત્વભાવ ધરાવે છે તેમાં મમત્વપણું શું રાખવું ? એ જ્યારે મારી થતી નથી, ત્યારે મારે એનું થવું શું ઉચિત છે? નહીં નહીં, એ જ્યારે મારી નહીં ત્યારે હું એનો નહીં, એમ વિચારું, દ્રઢ કરું, અને પ્રવર્તન કરું, એમ વિવેકબુદ્ધિનું તાત્પર્ય છે. આ આખી સૃષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થોથી ભરી છે; તે સઘળા પદાર્થ કરતાં જેના જેટલી કોઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી; તે વસ્તુ તે મારી ન થઈ; તો પછી બીજી કઈ વસ્તુ મારી હોય ? અહો ! હું બહુ ભૂલી ગયો. મિથ્યા મોહમાં લથડી પડ્યો. તે નવયૌવનાઓ, તે માનેલા કુળદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું મહાન રાજ, એ મારાં નથી. એમાંનું લેશમાત્ર પણ મારું નથી. એમાં મારો કિંચિત ભાગ નથી. જે કાયાથી હું એ સઘળી વસ્તુઓનો ઉપભોગ લઉં છું.તે ભોગ્ય વસ્તુ જ્યારે મારી ન થઈ ત્યારે બીજી મારી માનેલ વસ્તુ-સ્નેહી, કુટુંબી ઇત્યાદિ-મારાં શું થનાર હતાં ? નહીં, કંઈ જ નહીં. એ મમત્વભાવ મારે જોઈતો નથી ! એ પુત્ર, એ મિત્ર, એ કલત્ર, એ વૈભવ અને એ લક્ષ્મીને મારે મારાં માનવાં જ નથી. હું એનો નહીં ને એ મારાં નહીં ! પુયાદિક સાધીને મેં જે જે વસ્તુ પ્રાપ્ત કરી તે તે વસ્તુ મારી ન થઈ, એ જેવું સંસારમાં કયું ખેદમય છે ? મારાં ઉગ્ર પુણ્યત્વનું પરિણામ આ જ કે ? છેવટે એ સઘળાંનો વિયોગ જ કે ? પ્રયત્વનું એ ફળ પામીને એની વૃદ્ધિને માટે જે જે પાપ કર્યા છે તે મારા આત્માએ ભોગવવાં જ કે? તે પણ એકલાએ જ કે ? એમાં કોઈ સહિયારી નહીં જ કે ? નહીં નહીં. એ અન્યત્વભાવવાળા માટે થઈને હું મમત્વભાવ દર્શાવી આત્માનો અનહિતૈષી થઈ એને રૌદ્ર નરકનો ભોકતા કરું એ જેવું કયું અજ્ઞાન છે ? એવી કઈ ભ્રમણા છે ? એવો કયો અવિવેક છે ? ત્રેસઠશલાકા પુરુષોમાંનો હું એક ગણાયો; ત્યાં આવાં કૃત્ય ટાળી શકું નહીં, અને પ્રાપ્ત કરેલી પ્રભુતાને ખોઈ બેસું, એ કેવળ અયુક્ત છે. એ પુત્રોનો, એ પ્રમદાઓનો, એ રાજવૈભવનો અને એ વાહનાદિક સુખનો મારે કશો અનુરાગ નથી ! મમત્વ નથી !" વૈરાગ્યનું રાજરાજેશ્વર ભરતના અંતઃકરણમાં આવું ચિત્ર પડ્યું કે તિમિરપટ ટળી ગયું. શુકલ-ધ્યાન પ્રાપ્ત થયું. અશેષ કર્મ બળીને ભસ્મીભૂત થયાં ! મહા દિવ્ય અને સહસ-કિરણથી પણ અનુપમ કાંતિમાન કેવળજ્ઞાન પ્રગટ થયું. તે જ વેળા એણે પંચમુષ્ટિ કેશલોચન કર્યું. શાસનદેવીએ એને સંતસાજ આપ્યો; અને તે મહા વિરાગી સર્વજ્ઞ સર્વદર્શી થઈ, ચતુર્ગતિ, ચોવીશ દંડક, તેમજ આધિ, વ્યાધિ અને ઉપાધિથી વિરક્ત થયો. ચપળ સંસારના સકળ સુખવિલાસથી એણે નિવૃત્તિ કરી, પ્રિયાપ્રિય ગયું, અને તે નિરંતર સ્તવવા યોગ્ય પરમાત્મા થયો. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણશિક્ષા એમ એ છ ખંડનો પ્રભુ, દેવના દેવ જેવો, અઢળક સામ્રાજ્યલક્ષ્મીનો ભોકતા, મહાયુનો ધણી, અનેક રત્નની યુક્તતા ધરાવનાર, રાજરાજેશ્વર ભરત આદર્શભુવનને વિષે કેવળ અન્યત્વભાવના ઊપજવાથી શુદ્ધ વિરાગી થયો ! ખરેખર ભરતેશ્વરનું મનન કરવા યોગ્ય ચરિત્ર સંસારની શોકાર્તતા અને ઔદાસીન્યતાનો પૂરેપૂરો ભાવ, ઉપદેશ અને પ્રમાણ દર્શિત કરે છે. કહો ! એને ત્યાં કઈ ખામી હતી ? નહોતી એને ત્યાં નવયૌવના સ્ત્રીઓની ખામી, કે નહોતી રાજરિદ્ધિની ખામી, નહોતી વિજયસિદ્ધિની ખામી, કે નહોતી નવનિધિની ખામી, નહોતી પુત્રસમુદાયની ખામી, કે નહોતી કુટુંબ-પરિવારની ખામી, નહોતી રૂપકાંતિની ખામી, કે નહોતી યશસ્કીર્તિની ખામી. આગળ કહેવાઈ ગયેલી તેની રિદ્ધિનું એમ પુનઃ સ્મરણ કરાવી પ્રમાણથી શિક્ષાપ્રસાદીનો લાભ આપીએ છીએ કે, ભરતેશ્વરે વિવેકથી અન્યત્વના સ્વરૂપને જોયું, જાણું અને સર્પકંચુકવત સંસાર પરિત્યાગ કરી તેનું મિથ્યા મમત્વ સિદ્ધ કરી આપ્યું. મહાવૈરાગ્યની અચળતા, નિર્મમત્વતા, અને આત્મશકિતનું પ્રફુલ્લિત થવું, આ મહા યોગીશ્વરના ચરિત્રમાં રહ્યું છે. એક પિતાના સો પુત્રમાં નવાણું આગળ આત્મસિદ્ધિને સાધતા હતા. સોમા આ ભરતેશ્વરે સિદ્ધિ સાધી. પિતાએ પણ એ જ સિદ્ધિ સાધી. ભરતેશ્વરી-રાજ્યાસન-ભોગીઓ ઉપરાઉપરી આવનાર એ જ આદર્શભુવનમાં તે જ સિદ્ધિ પામ્યા કહેવાય છે. એ સકળ સિદ્ધિસાધક મંડળ અન્યત્વને જ સિદ્ધ કરી એકત્વમાં પ્રવેશ કરાવે છે. અભિવંદન હો તે પરમાત્માઓને ! (શાર્દૂલવિક્રીડિત) દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા, છાંડી રાજસમાજને ભરતજી, કૈવલ્યજ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા, જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વૈરાગ્ય ભાવે યથા. વિશેષાર્થપોતાની એક આંગળી અડવી દેખીને વૈરાગ્યના પ્રવાહમાં જેણે પ્રવેશ કર્યો, રાજસમાજને છોડીને જેણે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું, એવા તે ભરતેશ્વરનું ચરિત્ર ધારણ કરીને આ ચોથું ચિત્ર પૂર્ણતા પામ્યું. તે જેવો જોઈએ તેવો વૈરાગ્યભાવ દર્શાવીને જ્ઞાનીપુરુષનાં મનને રંજન કરનાર થાઓ ! Page #5 -------------------------------------------------------------------------- ________________ ભાવનાબોધ ગ્રંથે અન્યત્વભાવનાના ઉપદેશ માટે પ્રથમ દર્શનના ચતુર્થ ચિત્રમાં ભરતેશ્વરનું દ્રષ્ટાંત અને પ્રમાણશિક્ષા પૂર્ણતા પામ્યાં.