________________ માત્ર ત્વચા વડે, તે ત્વચા કાંતિ વડે અને તે કાંતિ વસ્ત્રાલંકાર વડે શોભે છે. ત્યારે શું મારા શરીરની તો કંઈ શોભા નહીં જ કે ? રુધિર, માંસ, અને હાડનો જ કેવળ એ માળો કે ? અને એ માળો તે હું કેવળ મારો માનું છું. કેવી ભૂલ ! કેવી ભ્રમણા ! અને કેવી વિચિત્રતા છે ! કેવળ હું પરપુગલની શોભાથી શોભું છું. કોઈથી રમણીકતા ધરાવતું શરીર તે મારે મારું કેમ માનવું? અને કદાપિ એમ માનીને હું એમાં મમત્વભાવ રાખું તે પણ કેવળ દુઃખપ્રદ અને વૃથા છે. આ મારા આત્માનો એ શરીરથી એક કાળે વિયોગ છે! આત્મા જ્યારે બીજા દેહને ધારણ કરવા પરવરશે ત્યારે આ દેહ અહીં રહેવામાં કંઈ શંકા નથી. એ કાયા મારી ન થઈ અને નહીં થાય ત્યારે હું એને મારી માનું છું કે માનું એ કેવળ મૂર્ખતા છે. જેનો એક કાળે વિયોગ થવાનો છે, અને જે કેવળ અન્યત્વભાવ ધરાવે છે તેમાં મમત્વપણું શું રાખવું ? એ જ્યારે મારી થતી નથી, ત્યારે મારે એનું થવું શું ઉચિત છે? નહીં નહીં, એ જ્યારે મારી નહીં ત્યારે હું એનો નહીં, એમ વિચારું, દ્રઢ કરું, અને પ્રવર્તન કરું, એમ વિવેકબુદ્ધિનું તાત્પર્ય છે. આ આખી સૃષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થોથી ભરી છે; તે સઘળા પદાર્થ કરતાં જેના જેટલી કોઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી; તે વસ્તુ તે મારી ન થઈ; તો પછી બીજી કઈ વસ્તુ મારી હોય ? અહો ! હું બહુ ભૂલી ગયો. મિથ્યા મોહમાં લથડી પડ્યો. તે નવયૌવનાઓ, તે માનેલા કુળદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું મહાન રાજ, એ મારાં નથી. એમાંનું લેશમાત્ર પણ મારું નથી. એમાં મારો કિંચિત ભાગ નથી. જે કાયાથી હું એ સઘળી વસ્તુઓનો ઉપભોગ લઉં છું.તે ભોગ્ય વસ્તુ જ્યારે મારી ન થઈ ત્યારે બીજી મારી માનેલ વસ્તુ-સ્નેહી, કુટુંબી ઇત્યાદિ-મારાં શું થનાર હતાં ? નહીં, કંઈ જ નહીં. એ મમત્વભાવ મારે જોઈતો નથી ! એ પુત્ર, એ મિત્ર, એ કલત્ર, એ વૈભવ અને એ લક્ષ્મીને મારે મારાં માનવાં જ નથી. હું એનો નહીં ને એ મારાં નહીં ! પુયાદિક સાધીને મેં જે જે વસ્તુ પ્રાપ્ત કરી તે તે વસ્તુ મારી ન થઈ, એ જેવું સંસારમાં કયું ખેદમય છે ? મારાં ઉગ્ર પુણ્યત્વનું પરિણામ આ જ કે ? છેવટે એ સઘળાંનો વિયોગ જ કે ? પ્રયત્વનું એ ફળ પામીને એની વૃદ્ધિને માટે જે જે પાપ કર્યા છે તે મારા આત્માએ ભોગવવાં જ કે? તે પણ એકલાએ જ કે ? એમાં કોઈ સહિયારી નહીં જ કે ? નહીં નહીં. એ અન્યત્વભાવવાળા માટે થઈને હું મમત્વભાવ દર્શાવી આત્માનો અનહિતૈષી થઈ એને રૌદ્ર નરકનો ભોકતા કરું એ જેવું કયું અજ્ઞાન છે ? એવી કઈ ભ્રમણા છે ? એવો કયો અવિવેક છે ? ત્રેસઠશલાકા પુરુષોમાંનો હું એક ગણાયો; ત્યાં આવાં કૃત્ય ટાળી શકું નહીં, અને પ્રાપ્ત કરેલી પ્રભુતાને ખોઈ બેસું, એ કેવળ અયુક્ત છે. એ પુત્રોનો, એ પ્રમદાઓનો, એ રાજવૈભવનો અને એ વાહનાદિક સુખનો મારે કશો અનુરાગ નથી ! મમત્વ નથી !" વૈરાગ્યનું રાજરાજેશ્વર ભરતના અંતઃકરણમાં આવું ચિત્ર પડ્યું કે તિમિરપટ ટળી ગયું. શુકલ-ધ્યાન પ્રાપ્ત થયું. અશેષ કર્મ બળીને ભસ્મીભૂત થયાં ! મહા દિવ્ય અને સહસ-કિરણથી પણ અનુપમ કાંતિમાન કેવળજ્ઞાન પ્રગટ થયું. તે જ વેળા એણે પંચમુષ્ટિ કેશલોચન કર્યું. શાસનદેવીએ એને સંતસાજ આપ્યો; અને તે મહા વિરાગી સર્વજ્ઞ સર્વદર્શી થઈ, ચતુર્ગતિ, ચોવીશ દંડક, તેમજ આધિ, વ્યાધિ અને ઉપાધિથી વિરક્ત થયો. ચપળ સંસારના સકળ સુખવિલાસથી એણે નિવૃત્તિ કરી, પ્રિયાપ્રિય ગયું, અને તે નિરંતર સ્તવવા યોગ્ય પરમાત્મા થયો.