________________ પ્રમાણશિક્ષા એમ એ છ ખંડનો પ્રભુ, દેવના દેવ જેવો, અઢળક સામ્રાજ્યલક્ષ્મીનો ભોકતા, મહાયુનો ધણી, અનેક રત્નની યુક્તતા ધરાવનાર, રાજરાજેશ્વર ભરત આદર્શભુવનને વિષે કેવળ અન્યત્વભાવના ઊપજવાથી શુદ્ધ વિરાગી થયો ! ખરેખર ભરતેશ્વરનું મનન કરવા યોગ્ય ચરિત્ર સંસારની શોકાર્તતા અને ઔદાસીન્યતાનો પૂરેપૂરો ભાવ, ઉપદેશ અને પ્રમાણ દર્શિત કરે છે. કહો ! એને ત્યાં કઈ ખામી હતી ? નહોતી એને ત્યાં નવયૌવના સ્ત્રીઓની ખામી, કે નહોતી રાજરિદ્ધિની ખામી, નહોતી વિજયસિદ્ધિની ખામી, કે નહોતી નવનિધિની ખામી, નહોતી પુત્રસમુદાયની ખામી, કે નહોતી કુટુંબ-પરિવારની ખામી, નહોતી રૂપકાંતિની ખામી, કે નહોતી યશસ્કીર્તિની ખામી. આગળ કહેવાઈ ગયેલી તેની રિદ્ધિનું એમ પુનઃ સ્મરણ કરાવી પ્રમાણથી શિક્ષાપ્રસાદીનો લાભ આપીએ છીએ કે, ભરતેશ્વરે વિવેકથી અન્યત્વના સ્વરૂપને જોયું, જાણું અને સર્પકંચુકવત સંસાર પરિત્યાગ કરી તેનું મિથ્યા મમત્વ સિદ્ધ કરી આપ્યું. મહાવૈરાગ્યની અચળતા, નિર્મમત્વતા, અને આત્મશકિતનું પ્રફુલ્લિત થવું, આ મહા યોગીશ્વરના ચરિત્રમાં રહ્યું છે. એક પિતાના સો પુત્રમાં નવાણું આગળ આત્મસિદ્ધિને સાધતા હતા. સોમા આ ભરતેશ્વરે સિદ્ધિ સાધી. પિતાએ પણ એ જ સિદ્ધિ સાધી. ભરતેશ્વરી-રાજ્યાસન-ભોગીઓ ઉપરાઉપરી આવનાર એ જ આદર્શભુવનમાં તે જ સિદ્ધિ પામ્યા કહેવાય છે. એ સકળ સિદ્ધિસાધક મંડળ અન્યત્વને જ સિદ્ધ કરી એકત્વમાં પ્રવેશ કરાવે છે. અભિવંદન હો તે પરમાત્માઓને ! (શાર્દૂલવિક્રીડિત) દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા, છાંડી રાજસમાજને ભરતજી, કૈવલ્યજ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા, જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વૈરાગ્ય ભાવે યથા. વિશેષાર્થપોતાની એક આંગળી અડવી દેખીને વૈરાગ્યના પ્રવાહમાં જેણે પ્રવેશ કર્યો, રાજસમાજને છોડીને જેણે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું, એવા તે ભરતેશ્વરનું ચરિત્ર ધારણ કરીને આ ચોથું ચિત્ર પૂર્ણતા પામ્યું. તે જેવો જોઈએ તેવો વૈરાગ્યભાવ દર્શાવીને જ્ઞાનીપુરુષનાં મનને રંજન કરનાર થાઓ !