Page #1
--------------------------------------------------------------------------
________________ દ્વિતીય ચિત્ર- અશરણભાવના (ઉપજાતિ) સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય હાશે. વિશેષાર્થસર્વજ્ઞ જિનેશ્વર દેવે નિઃસ્પૃહતાથી બોધેલો ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન, વચન અને કાયાના પ્રભાવ વડે હે ચેતન ! તેને તું આરાધ, આરાધ. તું કેવલ અનાથરૂપ છો તે સનાથ થઈશ. એના વિના ભવાટવીભ્રમણમાં તારી બાંય કોઈ સાહનાર નથી. જે આત્માઓ સંસારનાં માયિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અધોગતિ પામે, તેમજ સદૈવ અનાથ રહે એવો બોધ કરનારું ભગવાન અનાથી મુનિનું ચરિત્ર પ્રારંભીએ છીએ, એથી અશરણભાવના સુદ્રઢ થશે. અનાથી મુનિ દ્રષ્ટાંતઃ- અનેક પ્રકારની લીલાથી યુક્ત મગધ દેશનો શ્રેણિક રાજા અશ્વક્રીડાને માટે મંડિકુક્ષ એ નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મનોહારિણી હતી. નાના પ્રકારનાં તરુકુંજ ત્યાં આવી રહ્યાં હતાં, નાના પ્રકારની કોમળ વલ્લિકાઓ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં; નાના પ્રકારનાં પક્ષીઓનાં મધુરાં ગાયન ત્યાં સંભળાતાં હતાં; નાના પ્રકારનાં ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું; નાના પ્રકારનાં જળનાં ઝરણાં ત્યાં વહેતાં હતાં; ટૂંકામાં સૃષ્ટિ-સૌંદર્યના પ્રદર્શનરૂપ હોઈને તે વન નંદનવનની તુલ્યતા ધરાવતું હતું. ત્યાં એક તરુ તળે મહા સમાધિવત પણ સુકુમાર અને સુખોચિત મનિને તે શ્રેણિકે બેઠેલા દીઠા. એનું રૂપ દેખીને તે રાજા અત્યંત આનંદ પામ્યો. એ અતુલ્ય ઉપમારહિત રૂપથી વિસ્મય પામીને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યો. અહો ! આ મુનિનો કેવો અદભુત વર્ણ છે! અહો ! એનું કેવું મનોહર રૂપ છે ! અહો ! આ આર્યની કેવી અદભુત સૌમ્યતા છે ! અહો ! આ કેવી વિસ્મયકારક ક્ષમાના ધરનાર છે ! અહો ! આના અંગથી વૈરાગ્યની કેવી ઉત્તમ સ્કૂરણા છે ! અહો ! આની કેવી નિર્લોભતા જણાય છે ! અહો ! આ સંયતિ કેવું નિર્ભય અપ્રભુત્વ-નમ્રપણું ધરાવે છે! અહો ! એનું ભોગનું અસંગતિપણું કેવું સુદ્રઢ છે ! એમ ચિંતવતો ચિંતવતો, મુદિત થતો થતો, સ્તુતિ કરતો કરતો, ધીમેથી ચાલતો ચાલતો, પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરીને અતિ સમીપ નહીં તેમ અતિ દૂર નહીં એમ તે બેઠો. પછી બે હાથની અંજલિ કરીને વિનયથી તેણે મુનિને પૂછ્યું, “હે આર્ય ! તમે પ્રશંસા કરવા યોગ્ય એવા તરુણ છો; ભોગવિલાસને માટે તમારું વય અનુકૂળ છે; સંસારમાં નાના પ્રકારનાં સુખ રહ્યાં છે; ઋતુ-ઋતુના કામભોગ,
Page #2
--------------------------------------------------------------------------
________________ જળ સંબંધીના કામભોગ, તેમજ મનોહારિણી સ્ત્રીઓના મુખવચનનું મધુરું શ્રવણ છતાં એ સઘળાંનો ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરો છો એનું શું કારણ ? તે મને અનુગ્રહથી કહો.” રાજાનાં વચનનો આવો અર્થ સાંભળીને મુનિએ કહ્યું, “હું અનાથ હતો. હે મહારાજા ! મને અપૂર્વ વસ્તુનો પ્રાપ્ત કરાવનાર તથા યોગક્ષેમનો કરનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમસુખનો દેનાર, સુહનું - મિત્ર લેશમાત્ર પણ કોઈ ન થયો. એ કારણ અનાથીપણાનું હતું.” શ્રેણિક, મુનિનાં ભાષણથી સ્મિત હસી પડયો. “અરે ! તમારે મહા રિદ્ધિવંતને નાથ કેમ ન હોય ? લો, કોઈ નાથ નથી તો હું થઉં છું. હે ભયત્રાણ ! તમે ભોગ ભોગવો. હે સંયતિ ! મિત્ર ! જ્ઞાતિએ કરી દુર્લભ એવો તમારો મનુષ્યભવ સુલભ કરો !" અનાથીએ કહ્યું, “પરંતુ અરે શ્રેણિક, મગધદેશના રાજા ! તું પોતે અનાથ છો તો મારો નાથ શું થઈશ ? નિર્ધન તે ધનાઢ્ય કયાંથી બનાવે ? અબુધ તે બુદ્ધિદાન ક્યાંથી આપે ? અજ્ઞ તે વિદ્વત્તા ક્યાંથી દે ? વંધ્યા તે સંતાન ક્યાંથી આપે ? જ્યારે તું પોતે અનાથ છો, ત્યારે મારો નાથ ક્યાંથી થઈશ ?" મુનિનાં વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મિત થયો. કોઈ કાળે જે વચનનું શ્રવણ થયું નથી એવાં વચનનું યતિમુખપ્રતિથી શ્રવણ થયું એથી તે શંકાગ્રસ્ત થયો. “હું અનેક પ્રકારના અશ્વનો ભોગી છું, અનેક પ્રકારના મદોન્મત્ત હાથીઓનો ધણી છું, અનેક પ્રકારની સેના અને આધીન છે; નગર, ગ્રામ, અંતઃપુર અને ચતુષ્પાદની મારે કંઈ ન્યૂનતા નથી, મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભોગ મને પ્રાપ્ત છે; અનુચરો મારી આજ્ઞાને રૂડી રીતે આરાધે છે; પાંચ પ્રકારની સંપત્તિ મારે ઘેર છે; સર્વ મનવાંછિત વસ્તુઓ મારી સમીપે રહે છે. આવો હું જાજ્વલ્યમાન છતાં અનાથ કેમ હોંઉં ? રખે હે ભગવન ! તમે મૃષા બોલતા હો.” મુનિએ કહ્યું, “હે રાજા ! મારા કહેલા અર્થની ઉપપત્તિને તું બરાબર સમજ્યો નથી. તું પોતે અનાથ છે, પરંતુ તે સંબંધી તારી અજ્ઞતા છે. હવે હું કહું છું તે અવ્યગ્ર અને સાવધાન ચિત્તે કરીને તું સાંભળ, સાંભળીને પછી તારી શંકાનો સત્યાસત્ય નિર્ણય કરજે. મેં પોતે જે અનાથપણાથી મુનિત્વ અંગીકૃત કર્યું છે તે હું પ્રથમ તને કહું છું. કૌશાંબી નામે અતિ જીર્ણ અને વિવિધ પ્રકારના ભેદની ઉપજાવનારી એક સુંદર નગરી છે. ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ધનસંચય નામનો મારો પિતા રહેતો હતો. પ્રથમ યૌવનવયને વિષે હે મહારાજા ! અતુલ્ય અને ઉપમારહિત મારી આંખોને વિષે વેદના ઉત્પન્ન થઈ. દુ:ખપ્રદ દાહજ્વર આખે શરીરે પ્રવર્તમાન થયો. શસ્ત્રથી પણ અતિશય તીક્ષ્ણ તે રોગ વૈરીની પેઠે મારા પર કોપાયમાન થયો. મારું મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુઃખવા લાગ્યું. ઇંદ્રના વજાના પ્રહાર સરખી, બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી, એવી તે અત્યંત પરમ દારણ વેદનાથી હું બહુ શોકાર્ત હતો. શારીરિક વિદ્યાના નિપુણ, અનન્ય મંત્રમૂળીના સૂત્ત વૈદરાજ મારી તે વેદનાનો નાશ કરવાને માટે આવ્યા; અનેક પ્રકારના ઔષધોપચાર કર્યા પણ તે વૃથા ગયા. એ મહાનિપુણ ગણાતા વૈદરાજો મને તે દરદથી મુક્ત કરી શક્યા નહીં. એ જ હે રાજા ! મારું અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડ્યું, પરંતુ તેથી કરીને પણ મારી તે વેદના ટળી નહીં. હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી માતા પુત્રના શોકે કરીને અતિ દુઃખાર્ત થઈ;
Page #3
--------------------------------------------------------------------------
________________ પરંતુ તે પણ મને તે દરદથી મુકાવી શકી નહીં, એ જ હે મહારાજા ! મારું અનાથપણું હતું. એક ઉદરથી ઉત્પન્ન થયેલા મારા જયેષ્ઠ અને કનિષ્ઠ ભાઈઓ પોતાથી બનતો પરિશ્રમ કરી ચૂક્યા પણ મારી વેદના ટળી નહીં. હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. એક ઉદરથી ઉત્પન્ન થયેલી મારી જયેષ્ઠા અને કનિષ્ઠા ભગિનીઓથી મારું દુઃખ ટળ્યું નહીં. હે મહારાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા, મારા પર અનુરક્ત અને પ્રેમવતી હતી, તે આંખે પરિપૂર્ણ આંસુ ભરી મારા હૃદયને સિંચતાં ભીંજાવતી હતી. અન્ન, પાણી, અને નાના પ્રકારનાં અંઘોલણ, ચૂવાદિક સુગંધી દ્રવ્ય, અનેક પ્રકારનાં ફૂલ ચંદનાદિકનાં વિલેપન મને જાણતા અજાણતાં કર્યા છતાં પણ હું તે યૌવનવંતી સ્ત્રીને ભોગવી ન શક્યો. મારી સમીપથી ક્ષણ પણ અળગી નહોતી રહેતી, અન્ય સ્થળે જતી નહોતી, હે મહારાજા ! એવી તે સ્ત્રી પણ મારા રોગને ટાળી શકી નહીં, એ જ મારું અનાથપણું હતું. એમ કોઈના પ્રેમથી, કોઈના ઔષધથી, કોઈના વિલાપથી કે કોઈના પરિશ્રમથી એ રોગ ઉપશમ્યો નહીં. મેં એ વેળા પુનઃ પુનઃ અસહ્ય વેદના ભોગવી. પછી હું અનંત સંસારથી ખેદ પામ્યો. એક વાર જો હું મહાવિડંબનામય વેદનાથી મુક્ત થાઉં તો ખંતી, દંતી અને નિરારંભી પ્રવૃજ્યાને ધારણ કરું, એમ ચિંતવતો હું શયન કરી ગયો. જ્યારે રાત્રી અતિક્રમી ગઈ ત્યારે તે મહારાજા ! મારી તે વેદના ક્ષય થઈ ગઈ; અને હું નીરોગી થયો. માત, તાત અને સ્વજન, બંધવાદિકને પ્રભાતે પૂછીને મેં મહા ક્ષમાવંત ઇંદ્રિયને નિગ્રહ કરવાવાળું, અને આરંભોપાધિથી રહિત એવું અણગારત્વ ધારણ કર્યું. ત્યાર પછી હું આત્મા પરાત્માનો નાથ થયો. સર્વ પ્રકારના જીવનો હું નાથ છું.” અનાથી મુનિએ આમ અશરણભાવના તે શ્રેણિકરાજાના મન પર દ્રઢ કરી. હવે બીજો ઉપદેશ તેને અનુકૂળ કહે છે. હે રાજા ! આ આપણો આત્મા જ દુઃખની ભરેલી વૈતરણીનો કરનાર છે. આપણો આત્મા જ ક્રૂર શાલ્મલિ વૃક્ષનાં દુઃખનો ઉપજાવનાર છે. આપણો આત્મા જ મનવાંછિત વસ્તુરૂપી દૂધની દેવાવાળી કામધેનુ ગાયનાં સુખનો ઉપજાવનાર છે. આપણો આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે. આપણો આત્મા જ કર્મનો કરનાર છે. આપણો આત્મા જ તે કર્મનો ટાળનાર છે. આપણો આત્મા જ દુ:ખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ સુખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ મિત્ર ને આપણો આત્મા જ વૈરી છે. આપણો આત્મા જ કનિષ્ઠ આચારે સ્થિત અને આપણો આત્મા જ નિર્મળ આચારે સ્થિત રહ્યો છે.” એ તથા બીજા અનેક પ્રકારે તે અનાથી મુનિએ શ્રેણિકરાજા પ્રત્યે સંસારનું અનાથપણું કહી બતાવ્યું. પછી શ્રેણિકરાજા અતિ સંતોષ પામ્યો. યુગ હાથની અંજલિ કરીને એમ બોલ્યો કે, “હે ભગવન ! તમે મને ભલી રીતે ઉપદેશ્યો. તમે એમ હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. હે મહાઋષિ ! તમે સનાથ, તમે સબંધવ અને તમે સધર્મ છો, તમે સર્વ અનાથના નાથ છો. હે પવિત્ર સંયતિ ! હું ક્ષમાવું છું. જ્ઞાનરૂપી તમારી શિક્ષાને વાંછું છું. ધર્મધ્યાનમાં વિઘ્ન કરવાવાળું ભોગ ભોગવવા સંબંધીને મેં તમને હે મહાભાગ્યવંત ! જે આમંત્રણ કીધું તે સંબંધીનો મારો અપરાધ મસ્તકે કરીને ક્ષમાવું છું.” એવા પ્રકારથી સ્તવીને રાજપુરુષકેસરી પરમાનંદ પામી રોમરાયના વિકસિત મૂળસહિત પ્રદક્ષિણા કરીને વિનયે કરી વંદન કરીને સ્વસ્થાનકે ગયો.
Page #4
--------------------------------------------------------------------------
________________ પ્રમાણશિક્ષાઅહો ભવ્યો ! મહા તપોધન, મહા મુનિ, મહા પ્રજ્ઞાવંત, મહા યશવંત, મહા નિર્ગથ અને મહાશ્રુત, અનાથી મુનિએ મગધ દેશના રાજાને પોતાના વીતક ચરિત્રથી જે બોધ આપ્યો છે તે ખરે ! અશરણભાવના સિદ્ધ કરે છે. મહા મુનિ અનાથીએ સહન કર્યા તુલ્ય વા એથી અતિ વિશેષ અસહ્ય દુઃખ અનંત આત્માઓ સામાન્ય દ્રષ્ટિથી ભોગવતા દેખાય છે, તત્સંબંધી તમે કિંચિત વિચાર કરો ! સંસારમાં છવાઈ રહેલી અનંત અશરણતાનો ત્યાગ કરી સત્ય શરણરૂપ ઉત્તમ તત્વજ્ઞાન અને પરમ સુશીલને સેવો. અંતે એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા, તેમ પ્રત્યેક આત્મા તત્વજ્ઞાનની ઉત્તમ પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા પુરુષાર્થ કરવો એ જ શ્રેય છે ! ઇતિ શ્રી ભાવનાબોધ ગ્રંથના પ્રથમ દર્શનમાં દ્વિતીય ચિત્ર અશરણભાવના'ના ઉપદેશાર્થે મહા નિર્ગસ્થનું ચરિત્ર પરિપૂર્ણતા પામ્યું.