Book Title: Vachanamrut 0511 PS Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 511 જે જે સાધન આ જીવે પૂર્વ કાળે કર્યા છે મોહમયી, અસાડ સુદ 6, રવિ, 1950 શ્રી અંજારસ્થિત, પરમ સ્નેહી શ્રી સુભાગ્ય, આપનો સવિગત કાગળ 1, તથા પતું 1 પ્રાપ્ત થયું છે. તેમાં લખેલાં પ્રશ્નો મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. જે જે સાધન આ જીવે પૂર્વ કાળે કર્યાં છે, તે તે સાધન જ્ઞાનીપુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત અંદેશારહિત લાગે છે. જો એમ થયું હોત તો જીવને સંસારપરિભ્રમણ હોય નહીં. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી, અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધવશાત જેનો દેહ છે, એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે; અને આ જીવે તો પૂર્વ કાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય, અને ઊલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. જે વાત સ્વપ્ન પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. તેમ આ જીવ પૂર્વ કાળથી અંધ ચાલ્યો આવતાં છતાં પોતાની કલ્પનાએ આત્માર્થ માને તો તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. એટલે એમ તો જણાય છે કે, જીવના પૂર્વકાળનાં બધાં માઠાં સાધન, કલ્પિત સાધન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે; અને એ વાત જ્યારે જીવથી મનાય છે, ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે. શ્રી જિને આ જીવના અજ્ઞાનની જે જે વ્યાખ્યા કહી છે, તેમાં સમયે સમયે તેને અનંતકર્મનો વ્યવસાયી કહ્યો છે; અને અનાદિકાળથી અનંતકર્મનો બંધ કરતો આવ્યો છે, એમ કહ્યું છે, તે વાત તો યથાર્થ છે, પણ ત્યાં આપને એક પ્રશ્ન થયું કે, ‘તો તેવાં અનંતકર્મ નિવૃત્ત કરવાનું સાધન ગમે તેવું બળવાન હોય તોપણ અનંતકાળને પ્રયોજને પણ તે પાર પડે નહીં.” જોકે કેવળ એમ હોય તો તમને લાગ્યું તેમ સંભવે છે; તથાપિ જિને પ્રવાહથી જીવને અનંતકર્મનો કર્તા કહ્યો છે, અનંતકાળથી કર્મનો કર્તા તે ચાલ્યો આવે છે એમ કહ્યું છે; પણ સમયે સમયે અનંતકાળ ભોગવવાં પડે એવાં કર્મ તે આગામિક કાળ માટે ઉપાર્જન કરે છે એમ કહ્યું નથી. કોઈ જીવઆશ્રયી એ વાત દૂર રાખી, વિચારવા જતાં એમ કહ્યું છે, કે સર્વ કર્મનું મૂળ એવું જે અજ્ઞાન, મોહ પરિણામ તે હજુ જીવમાં એવું ને એવું ચાલ્યું આવે છે, કે જે પરિણામથી અનંતકાળ તેને ભ્રમણ થયું છે; અને જે પરિણામ ન કરે તો હજુ પણ એમ ને એમ અનંતકાળ પરિભ્રમણ થાય. અગ્નિના એક તણખાને વિષે આખો લોક સળગાવી શકાય એટલો ઐશ્વર્ય ગુણ છે; તથાપિ તેને જેવો જેવો યોગ થાય છે તેવો તેવોPage Navigation
1