Book Title: Vachanamrut 0511 PS
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330632/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 511 જે જે સાધન આ જીવે પૂર્વ કાળે કર્યા છે મોહમયી, અસાડ સુદ 6, રવિ, 1950 શ્રી અંજારસ્થિત, પરમ સ્નેહી શ્રી સુભાગ્ય, આપનો સવિગત કાગળ 1, તથા પતું 1 પ્રાપ્ત થયું છે. તેમાં લખેલાં પ્રશ્નો મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. જે જે સાધન આ જીવે પૂર્વ કાળે કર્યાં છે, તે તે સાધન જ્ઞાનીપુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત અંદેશારહિત લાગે છે. જો એમ થયું હોત તો જીવને સંસારપરિભ્રમણ હોય નહીં. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી, અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધવશાત જેનો દેહ છે, એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે; અને આ જીવે તો પૂર્વ કાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય, અને ઊલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. જે વાત સ્વપ્ન પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. તેમ આ જીવ પૂર્વ કાળથી અંધ ચાલ્યો આવતાં છતાં પોતાની કલ્પનાએ આત્માર્થ માને તો તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. એટલે એમ તો જણાય છે કે, જીવના પૂર્વકાળનાં બધાં માઠાં સાધન, કલ્પિત સાધન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે; અને એ વાત જ્યારે જીવથી મનાય છે, ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે. શ્રી જિને આ જીવના અજ્ઞાનની જે જે વ્યાખ્યા કહી છે, તેમાં સમયે સમયે તેને અનંતકર્મનો વ્યવસાયી કહ્યો છે; અને અનાદિકાળથી અનંતકર્મનો બંધ કરતો આવ્યો છે, એમ કહ્યું છે, તે વાત તો યથાર્થ છે, પણ ત્યાં આપને એક પ્રશ્ન થયું કે, ‘તો તેવાં અનંતકર્મ નિવૃત્ત કરવાનું સાધન ગમે તેવું બળવાન હોય તોપણ અનંતકાળને પ્રયોજને પણ તે પાર પડે નહીં.” જોકે કેવળ એમ હોય તો તમને લાગ્યું તેમ સંભવે છે; તથાપિ જિને પ્રવાહથી જીવને અનંતકર્મનો કર્તા કહ્યો છે, અનંતકાળથી કર્મનો કર્તા તે ચાલ્યો આવે છે એમ કહ્યું છે; પણ સમયે સમયે અનંતકાળ ભોગવવાં પડે એવાં કર્મ તે આગામિક કાળ માટે ઉપાર્જન કરે છે એમ કહ્યું નથી. કોઈ જીવઆશ્રયી એ વાત દૂર રાખી, વિચારવા જતાં એમ કહ્યું છે, કે સર્વ કર્મનું મૂળ એવું જે અજ્ઞાન, મોહ પરિણામ તે હજુ જીવમાં એવું ને એવું ચાલ્યું આવે છે, કે જે પરિણામથી અનંતકાળ તેને ભ્રમણ થયું છે; અને જે પરિણામ ન કરે તો હજુ પણ એમ ને એમ અનંતકાળ પરિભ્રમણ થાય. અગ્નિના એક તણખાને વિષે આખો લોક સળગાવી શકાય એટલો ઐશ્વર્ય ગુણ છે; તથાપિ તેને જેવો જેવો યોગ થાય છે તેવો તેવો Page #2 -------------------------------------------------------------------------- ________________ તેનો ગુણ ફળવાન થાય છે. તેમ અજ્ઞાનપરિણામને વિષે અનાદિકાળથી જીવનું રખડવું થયું છે. તેમ હજુ અનંતકાળ પણ ચૌદ રાજલોકમાં પ્રદેશ પ્રદેશે અનંત જન્મમરણ તે પરિણામથી હજુ સંભવે; તથાપિ જેમ તણખાનો અગ્નિ યોગવશ છે, તેમ અજ્ઞાનનાં કર્મપરિણામની પણ અમુક પ્રકૃતિ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જીવને મોહનીયકર્મનું બંધન થાય તો સિત્તેર કોડાકોડી સાગરોપમનું થાય, એમ જિને કહ્યું છે, તેનો હેતુ સ્પષ્ટ છે કે, જો અનંતકાળનું બંધન થતું હોય તો પછી જીવનો મોક્ષ ન થાય. એ બંધ હજુ નિવૃત્ત ન થયો હોય પણ લગભગ નિવર્તવા આવ્યો હોય ત્યાં વખતે બીજી તેવી સ્થિતિનો સંભવ હોય, પણ એવાં મોહનીયકર્મ કે જેની કાળ સ્થિતિ ઉપર કહી છે, તેવાં એક વખતે ઘણાં બાંધે એમ ન બને. અનુક્રમે હજુ તે કર્મથી નિવૃત્ત થવા પ્રથમ બીજું તે જ સ્થિતિનું બાંધે, તેમ બીજું નિવૃત્ત થતાં પ્રથમ ત્રીજું બાંધે; પણ બીજું, ત્રીજું, ચોથે, પાંચમું, છછું એમ સૌ એક મોહનીયકર્મના સંબંધમાં તે જ સ્થિતિનું બાંધ્યા કરે એમ બને નહીં, કારણ કે જીવને એટલો અવકાશ નથી. મોહનીયકર્મની એ પ્રકારે સ્થિતિ છે. તેમ આયુષ કર્મની સ્થિતિ શ્રી જિને એમ કહી છે કે, એક જીવ એક દેહમાં વર્તતાં તે દેહનું જેટલું આયુષ છે તેટલાના ત્રણ ભાગમાંના બે ભાગ વ્યતીત થયે આવતા ભવનું આયુષ જીવ બાંધે, તે પ્રથમ બાંધે નહીં, અને એક ભવમાં આગામિક કાળના બે ભવનું આયુષ બાંધે નહીં, એવી સ્થિતિ છે. અર્થાત જીવને અજ્ઞાનભાવથી કર્મસંબંધ ચાલ્યો આવે છે, તથાપિ તે તે કર્મોની સ્થિતિ ગમે તેટલી વિટંબણારૂપ છતાં, અનંતદુઃખ અને ભવનો હેતુ છતાં પણ જેમાં જીવ તેથી નિવૃત્ત થાય એટલો અમુક પ્રકાર બાધ કરતાં સાવ અવકાશ છે. આ પ્રકાર જિને ઘણો સૂક્ષ્મપણે કહ્યો છે, તે વિચારવા યોગ્ય છે. જેમાં જીવને મોક્ષનો અવકાશ કહી કર્મબંધ કહ્યો છે. આ વાર્તા સંક્ષેપમાં આપને લખી છે. તે ફરી ફરી વિચારવાથી કેટલુંક સમાધાન થશે, અને ક્રમે કરી કે સમાગમ કરી તેનું સાવ સમાધાન થશે. સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. સર્વ જ્ઞાની પુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે, તે સાવ સિદ્ધ છે, અને જેમ જેમ જ્ઞાનીનાં વચનનું અવગાહન થાય છે, તેમ તેમ કંઈક કંઈક કરી પાછો હઠતાં અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે; કામનું સ્વરૂપ જ જ્ઞાનીપુરુષનાં વચન સાંભળી જીવે જાણ્યું નથી, અને જો જાણ્યું હોત તો તેને વિષે સાવ નીરસતા થઈ હોત. એ જ વિનંતિ. આO સ્વ૦ પ્રણામ