________________ તેનો ગુણ ફળવાન થાય છે. તેમ અજ્ઞાનપરિણામને વિષે અનાદિકાળથી જીવનું રખડવું થયું છે. તેમ હજુ અનંતકાળ પણ ચૌદ રાજલોકમાં પ્રદેશ પ્રદેશે અનંત જન્મમરણ તે પરિણામથી હજુ સંભવે; તથાપિ જેમ તણખાનો અગ્નિ યોગવશ છે, તેમ અજ્ઞાનનાં કર્મપરિણામની પણ અમુક પ્રકૃતિ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જીવને મોહનીયકર્મનું બંધન થાય તો સિત્તેર કોડાકોડી સાગરોપમનું થાય, એમ જિને કહ્યું છે, તેનો હેતુ સ્પષ્ટ છે કે, જો અનંતકાળનું બંધન થતું હોય તો પછી જીવનો મોક્ષ ન થાય. એ બંધ હજુ નિવૃત્ત ન થયો હોય પણ લગભગ નિવર્તવા આવ્યો હોય ત્યાં વખતે બીજી તેવી સ્થિતિનો સંભવ હોય, પણ એવાં મોહનીયકર્મ કે જેની કાળ સ્થિતિ ઉપર કહી છે, તેવાં એક વખતે ઘણાં બાંધે એમ ન બને. અનુક્રમે હજુ તે કર્મથી નિવૃત્ત થવા પ્રથમ બીજું તે જ સ્થિતિનું બાંધે, તેમ બીજું નિવૃત્ત થતાં પ્રથમ ત્રીજું બાંધે; પણ બીજું, ત્રીજું, ચોથે, પાંચમું, છછું એમ સૌ એક મોહનીયકર્મના સંબંધમાં તે જ સ્થિતિનું બાંધ્યા કરે એમ બને નહીં, કારણ કે જીવને એટલો અવકાશ નથી. મોહનીયકર્મની એ પ્રકારે સ્થિતિ છે. તેમ આયુષ કર્મની સ્થિતિ શ્રી જિને એમ કહી છે કે, એક જીવ એક દેહમાં વર્તતાં તે દેહનું જેટલું આયુષ છે તેટલાના ત્રણ ભાગમાંના બે ભાગ વ્યતીત થયે આવતા ભવનું આયુષ જીવ બાંધે, તે પ્રથમ બાંધે નહીં, અને એક ભવમાં આગામિક કાળના બે ભવનું આયુષ બાંધે નહીં, એવી સ્થિતિ છે. અર્થાત જીવને અજ્ઞાનભાવથી કર્મસંબંધ ચાલ્યો આવે છે, તથાપિ તે તે કર્મોની સ્થિતિ ગમે તેટલી વિટંબણારૂપ છતાં, અનંતદુઃખ અને ભવનો હેતુ છતાં પણ જેમાં જીવ તેથી નિવૃત્ત થાય એટલો અમુક પ્રકાર બાધ કરતાં સાવ અવકાશ છે. આ પ્રકાર જિને ઘણો સૂક્ષ્મપણે કહ્યો છે, તે વિચારવા યોગ્ય છે. જેમાં જીવને મોક્ષનો અવકાશ કહી કર્મબંધ કહ્યો છે. આ વાર્તા સંક્ષેપમાં આપને લખી છે. તે ફરી ફરી વિચારવાથી કેટલુંક સમાધાન થશે, અને ક્રમે કરી કે સમાગમ કરી તેનું સાવ સમાધાન થશે. સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. સર્વ જ્ઞાની પુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે, તે સાવ સિદ્ધ છે, અને જેમ જેમ જ્ઞાનીનાં વચનનું અવગાહન થાય છે, તેમ તેમ કંઈક કંઈક કરી પાછો હઠતાં અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે; કામનું સ્વરૂપ જ જ્ઞાનીપુરુષનાં વચન સાંભળી જીવે જાણ્યું નથી, અને જો જાણ્યું હોત તો તેને વિષે સાવ નીરસતા થઈ હોત. એ જ વિનંતિ. આO સ્વ૦ પ્રણામ