Book Title: Vachanamrut 0493
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 493 અનન્ય શરણના આપનાર મુંબઈ, ફાગણ, 1950 અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરૂદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. પ્રથમ પદ - “આત્મા છે.” જેમ ઘટપટઆદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટઆદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ - ‘આત્મા નિત્ય છે.” ઘટપટઆદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હોય નહીં. ત્રીજું પદ - ‘આત્મા કર્તા છે.’ સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયા સંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. ચોથું પદ :- ‘આત્મા ભોક્તા છે. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષેનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે. પાંચમું પદ - “મોક્ષપદ છે.” જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે.

Loading...

Page Navigation
1