Page #1
--------------------------------------------------------------------------
________________ 493 અનન્ય શરણના આપનાર મુંબઈ, ફાગણ, 1950 અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરૂદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. પ્રથમ પદ - “આત્મા છે.” જેમ ઘટપટઆદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટઆદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ - ‘આત્મા નિત્ય છે.” ઘટપટઆદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હોય નહીં. ત્રીજું પદ - ‘આત્મા કર્તા છે.’ સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયા સંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. ચોથું પદ :- ‘આત્મા ભોક્તા છે. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષેનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે. પાંચમું પદ - “મોક્ષપદ છે.” જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે.
Page #2
--------------------------------------------------------------------------
________________ છઠ્ઠ પદ - તે “મોક્ષનો ઉપાય છે.” જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં, પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભજ્યાદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ-પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ-અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઇષ્ટ-અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધારહિત સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધી, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે; અને ભાવિકાળમાં પણ તેમ જ થશે. જે સપુરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સપુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો ! જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ, નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સપુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઇચ્છયા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે સપુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો ! જે સત્પરુષોએ સગુરૂની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદગુરૂના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે,
Page #3
--------------------------------------------------------------------------
________________ અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સપુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો ! જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો !!