Book Title: Vachanamrut 0317
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 317 એક પરિનામકે ન કરતા દરવ દોઈ મુંબઈ, પોષ વદ 9, રવિ, 1948 એક પરિનામકે ન કરતા દરવ દોઈ,’ વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે. જીવ જીવરૂપે પરિણમ્યા કરે છે, અને જડ જગરૂપે પરિણમ્યા કરે છે. જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન (જ્ઞાન)સ્વરૂપ છે; અને જડનું મુખ્ય પરિણમવું તે જડત્વસ્વરૂપ છે. જીવનું જે ચેતનપરિણામ તે કોઈ પ્રકારે જડ થઈને પરિણમે નહીં અને જડનું જડત્વપરિણામ તે કોઈ દિવસે ચેતનપરિણામે પરિણમે નહીં; એવી વસ્તુની મર્યાદા છે; અને ચેતન, અચેતન એ બે પ્રકારનાં પરિણામ તો અનુભવસિદ્ધ છે. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં, અર્થાત જીવ અને જડ મળી કેવળ ચેતનપરિણામે પરિણમી શકે નહીં. અથવા કેવળ અચેતન પરિણામે પરિણમી શકે નહીં. જીવ ચેતનપરિણામે પરિણમે અને જડ અચેતનપરિણામે પરિણમે, એમ વસ્તુસ્થિતિ છે; માટે જિન કહે છે કે, એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. જે જે દ્રવ્ય છે તે તે પોતાની સ્થિતિમાં જ હોય, અને પોતાના સ્વભાવમાં પરિણમે. ‘દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ.' તેમજ એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં, એવી વસ્તુસ્થિતિ છે. એક જીવદ્રવ્ય તે ચેતન અને અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં, અથવા એક પુદગલદ્રવ્ય અચેતન અને ચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. માત્ર પોતે પોતાના જ પરિણામમાં પરિણમે. ચેતનપરિણામ તે અચેતન પદાર્થને વિષે હોય નહીં, અને અચેતનપરિણામ તે ચેતનપદાર્થને વિષે હોય નહીં, માટે બે પ્રકારનાં પરિણામે એક દ્રવ્ય પરિણમે નહીં, - બે પરિણામને ધારણ કરી શકે નહીં. ‘એક કરતૂતિ દોઈ દર્વ કબહૂ ન કરે,’ માટે એક ક્રિયા તે બે દ્રવ્ય ક્યારે પણ કરે નહીં. બે દ્રવ્યનું મળવું એકાંતે હોવું યોગ્ય નથી. જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઊપજતું હોય, તો વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે; અને એમ તો કોઈ કાળે બને નહીં કે વસ્તુ પોતાના સ્વરૂપનો કેવળ ત્યાગ કરે. જ્યારે એમ બનતું નથી, ત્યારે બે દ્રવ્ય કેવળ એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા પણ ક્યાંથી કરે? અર્થાત ન જ કરે. ‘દોઈ કરતૂતિ એક દર્વ ન કરતુ હૈ;' તેમ જ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં, એક સમયને વિષે બે ઉપયોગ હોઈ શકે નહીં. માટે જીવ પુદગલ એક ખેત અવગાહી દોઉ.”

Loading...

Page Navigation
1