Book Title: Vachanamrut 0317 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330437/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 317 એક પરિનામકે ન કરતા દરવ દોઈ મુંબઈ, પોષ વદ 9, રવિ, 1948 એક પરિનામકે ન કરતા દરવ દોઈ,’ વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે. જીવ જીવરૂપે પરિણમ્યા કરે છે, અને જડ જગરૂપે પરિણમ્યા કરે છે. જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન (જ્ઞાન)સ્વરૂપ છે; અને જડનું મુખ્ય પરિણમવું તે જડત્વસ્વરૂપ છે. જીવનું જે ચેતનપરિણામ તે કોઈ પ્રકારે જડ થઈને પરિણમે નહીં અને જડનું જડત્વપરિણામ તે કોઈ દિવસે ચેતનપરિણામે પરિણમે નહીં; એવી વસ્તુની મર્યાદા છે; અને ચેતન, અચેતન એ બે પ્રકારનાં પરિણામ તો અનુભવસિદ્ધ છે. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં, અર્થાત જીવ અને જડ મળી કેવળ ચેતનપરિણામે પરિણમી શકે નહીં. અથવા કેવળ અચેતન પરિણામે પરિણમી શકે નહીં. જીવ ચેતનપરિણામે પરિણમે અને જડ અચેતનપરિણામે પરિણમે, એમ વસ્તુસ્થિતિ છે; માટે જિન કહે છે કે, એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. જે જે દ્રવ્ય છે તે તે પોતાની સ્થિતિમાં જ હોય, અને પોતાના સ્વભાવમાં પરિણમે. ‘દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ.' તેમજ એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં, એવી વસ્તુસ્થિતિ છે. એક જીવદ્રવ્ય તે ચેતન અને અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં, અથવા એક પુદગલદ્રવ્ય અચેતન અને ચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. માત્ર પોતે પોતાના જ પરિણામમાં પરિણમે. ચેતનપરિણામ તે અચેતન પદાર્થને વિષે હોય નહીં, અને અચેતનપરિણામ તે ચેતનપદાર્થને વિષે હોય નહીં, માટે બે પ્રકારનાં પરિણામે એક દ્રવ્ય પરિણમે નહીં, - બે પરિણામને ધારણ કરી શકે નહીં. ‘એક કરતૂતિ દોઈ દર્વ કબહૂ ન કરે,’ માટે એક ક્રિયા તે બે દ્રવ્ય ક્યારે પણ કરે નહીં. બે દ્રવ્યનું મળવું એકાંતે હોવું યોગ્ય નથી. જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઊપજતું હોય, તો વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે; અને એમ તો કોઈ કાળે બને નહીં કે વસ્તુ પોતાના સ્વરૂપનો કેવળ ત્યાગ કરે. જ્યારે એમ બનતું નથી, ત્યારે બે દ્રવ્ય કેવળ એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા પણ ક્યાંથી કરે? અર્થાત ન જ કરે. ‘દોઈ કરતૂતિ એક દર્વ ન કરતુ હૈ;' તેમ જ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં, એક સમયને વિષે બે ઉપયોગ હોઈ શકે નહીં. માટે જીવ પુદગલ એક ખેત અવગાહી દોઉ.” Page #2 -------------------------------------------------------------------------- ________________ જીવ અને પુદ્ગલ કદાપિ એક ક્ષેત્રને રોકી રહ્યાં હોય તોપણ ‘અપને અપને રૂ૫, કોઉ ન ટરતુ હૈ;' પોતપોતાનાં સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી, અને તેથી કરીને જ એમ કહીએ છીએ કે, જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ,’ દેહાદિકે કરીને જે પરિણામ થાય છે તેનો પુદગલ કર્તા છે. કારણ કે તે દેહાદિ જડ છે; અને જડપરિણામ તો પુદગલને વિષે છે. જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે, એમાં કંઈ બીજું પ્રમાણ પણ હવે જોઈતું નથી; એમ ગણી કહે છે કે, ‘ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ.' કાવ્યકર્તાનો કહેવાનો હેતુ એમ છે કે, જો આમ તમે વસ્તુસ્થિતિ સમજો તો તો જડને વિષેનો જે સ્વસ્વરૂપભાવ છે તે માટે, અને સ્વસ્વરૂપનું જે તિરોભાવપણું છે તે પ્રગટ થાય. વિચાર કરો, સ્થિતિ પણ એમ જ છે. ઘણી ગહન વાતને અહીં ટૂંકામાં લખી છે. જોકે, જેને યથાર્થ બોધ છે તેને તો સુગમ છે. એ વાતને ઘણી વાર મનન કરવાથી કેટલોક બોધ થઈ શકશે. આપનું પતું 1 ગઈ પરમે મળ્યું છે. ચિત્ત તો આપને પત્ર લખવાનું રહે છે; પણ જે લખવાનું સૂઝે છે તે એવું સૂઝે છે કે આપને તે વાતનો ઘણા વખત સુધી પરિચય થવો જોઈએ; અને તે વિશેષ ગહન હોય છે. સિવાય લખવાનું સૂઝતું નથી. અથવા લખવામાં મન રહેતું નથી. બાકી તો નિત્ય સમાગમને ઇચ્છીએ છીએ. પ્રસંગોપાત્ત કંઈ જ્ઞાનવાર્તા લખશો. આજીવિકાના દુઃખને માટે આપ લખો છો તે સત્ય છે. ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે, આત્મા તો પ્રાયે મુક્તસ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. જગતથી બહ ઉદાસ થઈ ગયા છીએ. વસ્તીથી કંટાળી ગયા છીએ. દશા કોઈને જણાવી શકતા નથી. જણાવીએ તેવો સત્સંગ નથી; મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ છીએ, એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ. કોઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે, એમ રહે છે. લોકપરિચય ગમતો નથી. જગતમાં સાતું નથી. વધારે શું લખીએ ? જાણો છો. અત્રે સમાગમ હો એમ તો ઇચ્છીએ છીએ, તથાપિ કરેલાં કર્મ નિર્જરવાનું છે. એટલે ઉપાય નથી. લિ૦ યથાર્થ બોધસ્વરૂપના ય૦