Book Title: Vachanamrut 0037 PS
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 37 જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું - ઉપયોગ શુદ્ધ કરવા - આ કાળની અપેક્ષાએ મોક્ષનો માર્ગ - શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા - મુક્તિને ઇચ્છે છે તો - મારો ધર્મ - સાધના - સર્વસમ્મત ધર્મ - હું કોઈ ગચ્છમાં નથી, આત્મામાં છું - દેહ ધર્મોપયોગ માટે મુંબઈ બંદર, આસો વદ 2, ગુરૂ, 1944 પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર પ્રિય ભાઈ સત્યાભિલાષી ઉજમસી, રાજનગર. તમારું હસ્તલિખિત શુભપત્ર મને કાલે સાયંકાલે મલ્યું. તમારી તત્ત્વજિજ્ઞાસા માટે વિશેષ સંતોષ થયો. જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યો છું અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહા બંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ માન્યતા છે, તો પછી તે માટે જગતની અનુકૂળતાપ્રતિકૂળતા શું જોવી ? તે ગમે તેમ બોલે પણ આત્મા જો બંધનરહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી લેવું. એટલે કીર્તિ અપકીર્તિથી સર્વ કાળને માટે રહિત થઈ શકાશે. અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના જે વિચારો મારે માટે પ્રવર્તે છે, તે મને ધ્યાનમાં મૃત છે; પણ વિસ્મૃત કરવા એ જ શ્રેયસ્કર છે. તમે નિર્ભય રહેજો. મારે માટે કોઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજો; તેઓને માટે કંઈ શોક-હર્ષ કરશો નહીં. જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે, તેના ઇષ્ટદેવ પરમાત્મા જિન, મહાયોગીંદ્ર પાર્શ્વનાથાદિકનું સ્મરણ રાખજો અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્તદશાને ઇચ્છજો. જીવિતવ્ય કે જીવનપૂર્ણતા સંબંધી કંઈ સંકલ્પ-વિકલ્પ કરશો નહીં. ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજો; પાર્શ્વનાથાદિક યોગીશ્વરની દશાની સ્મૃતિ કરજો; અને તે જ અભિલાષા રાખ્યા રહેજો, એ જ તમને પુનઃ પુનઃ આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદનો અભિલાષી અને તે પુરુષનાં ચરણકમળમાં તલ્લીન થયેલો દીન શિષ્ય છે. તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે. વીરસ્વામીનું બોધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશો નહીં. તેની શિક્ષાની કોઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય, તે માટે પશ્ચાત્તાપ કરજો. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે તેના ખોળામાં અર્પણ કરો, એ જ મોક્ષનો માર્ગ છે. જગતના સઘળા દર્શનની-મતની શ્રદ્ધાને ભૂલી જજો; જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજો, માત્ર તે પુરુષોના અદ્ભુત, યોગસ્કુરિત ચરિત્રમાં જ ઉપયોગને પ્રેરશો.

Loading...

Page Navigation
1