Book Title: Vachanamrut 0037 PS
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330157/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 37 જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું - ઉપયોગ શુદ્ધ કરવા - આ કાળની અપેક્ષાએ મોક્ષનો માર્ગ - શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા - મુક્તિને ઇચ્છે છે તો - મારો ધર્મ - સાધના - સર્વસમ્મત ધર્મ - હું કોઈ ગચ્છમાં નથી, આત્મામાં છું - દેહ ધર્મોપયોગ માટે મુંબઈ બંદર, આસો વદ 2, ગુરૂ, 1944 પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર પ્રિય ભાઈ સત્યાભિલાષી ઉજમસી, રાજનગર. તમારું હસ્તલિખિત શુભપત્ર મને કાલે સાયંકાલે મલ્યું. તમારી તત્ત્વજિજ્ઞાસા માટે વિશેષ સંતોષ થયો. જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યો છું અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહા બંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ માન્યતા છે, તો પછી તે માટે જગતની અનુકૂળતાપ્રતિકૂળતા શું જોવી ? તે ગમે તેમ બોલે પણ આત્મા જો બંધનરહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી લેવું. એટલે કીર્તિ અપકીર્તિથી સર્વ કાળને માટે રહિત થઈ શકાશે. અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના જે વિચારો મારે માટે પ્રવર્તે છે, તે મને ધ્યાનમાં મૃત છે; પણ વિસ્મૃત કરવા એ જ શ્રેયસ્કર છે. તમે નિર્ભય રહેજો. મારે માટે કોઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજો; તેઓને માટે કંઈ શોક-હર્ષ કરશો નહીં. જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે, તેના ઇષ્ટદેવ પરમાત્મા જિન, મહાયોગીંદ્ર પાર્શ્વનાથાદિકનું સ્મરણ રાખજો અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્તદશાને ઇચ્છજો. જીવિતવ્ય કે જીવનપૂર્ણતા સંબંધી કંઈ સંકલ્પ-વિકલ્પ કરશો નહીં. ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજો; પાર્શ્વનાથાદિક યોગીશ્વરની દશાની સ્મૃતિ કરજો; અને તે જ અભિલાષા રાખ્યા રહેજો, એ જ તમને પુનઃ પુનઃ આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદનો અભિલાષી અને તે પુરુષનાં ચરણકમળમાં તલ્લીન થયેલો દીન શિષ્ય છે. તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે. વીરસ્વામીનું બોધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશો નહીં. તેની શિક્ષાની કોઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય, તે માટે પશ્ચાત્તાપ કરજો. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે તેના ખોળામાં અર્પણ કરો, એ જ મોક્ષનો માર્ગ છે. જગતના સઘળા દર્શનની-મતની શ્રદ્ધાને ભૂલી જજો; જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજો, માત્ર તે પુરુષોના અદ્ભુત, યોગસ્કુરિત ચરિત્રમાં જ ઉપયોગને પ્રેરશો. Page #2 -------------------------------------------------------------------------- ________________ આ તમારા માનેલા “મુરબ્બી’ માટે કોઈ પણ પ્રકારે હર્ષ-શોક કરશો નહીં, તેની ઇચ્છા માત્ર સંકલ્પ-વિકલ્પથી રહિત થવાની જ છે; તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતુંવળગતું કે લેવાદેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારો બંધાય કે બોલાય તે ભણી હવે જવા ઇચ્છા નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યાં છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું, એ જ તેની સદા સઉપયોગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે; બાકી તેને કંઈ આવડતું નથી, તે બીજું કંઈ ઇચ્છતો નથી, પૂર્વકર્મના આધારે તેનું સઘળું વિચરવું છે એમ સમજી પરમ સંતોષ રાખજો, આ વાત ગુપ્ત રાખજો. કેમ આપણે માનીએ છીએ, અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી, પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જો મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ બાધા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે. જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે, અને તે તમને અત્યારે બોધી જઉં છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મત્વ સાધના બતાવાશે તો બતાવીશ. બાકી ધર્મ મેં ઉપર કહ્યો તે જ છે અને તે જ ઉપયોગ રાખજો. ઉપયોગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર પુરુષનાં ચરણકમળ છે; તે પણ કહી જઉં છું. આત્મભાવમાં સઘળું રાખજો, ધર્મધ્યાનમાં ઉપયોગ રાખજો; જગતના કોઈ પણ પદાર્થ, સગાં, કુટુંબી, મિત્રનો કંઈ હર્ષ-શોક કરવો યોગ્ય જ નથી. પરમશાંતિપદને ઇચ્છીએ એ જ આપણો સર્વસમત ધર્મ છે અને એ જ ઇચ્છામાં ને ઇચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિત રહો. હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું; એ ભૂલશો નહીં. દેહ જેનો ધર્મોપયોગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે, તે પણ ધર્મને માટે જ છે. વિ. રાયચંદ્ર