SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ આ તમારા માનેલા “મુરબ્બી’ માટે કોઈ પણ પ્રકારે હર્ષ-શોક કરશો નહીં, તેની ઇચ્છા માત્ર સંકલ્પ-વિકલ્પથી રહિત થવાની જ છે; તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતુંવળગતું કે લેવાદેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારો બંધાય કે બોલાય તે ભણી હવે જવા ઇચ્છા નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યાં છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું, એ જ તેની સદા સઉપયોગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે; બાકી તેને કંઈ આવડતું નથી, તે બીજું કંઈ ઇચ્છતો નથી, પૂર્વકર્મના આધારે તેનું સઘળું વિચરવું છે એમ સમજી પરમ સંતોષ રાખજો, આ વાત ગુપ્ત રાખજો. કેમ આપણે માનીએ છીએ, અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી, પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જો મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ બાધા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે. જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે, અને તે તમને અત્યારે બોધી જઉં છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મત્વ સાધના બતાવાશે તો બતાવીશ. બાકી ધર્મ મેં ઉપર કહ્યો તે જ છે અને તે જ ઉપયોગ રાખજો. ઉપયોગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર પુરુષનાં ચરણકમળ છે; તે પણ કહી જઉં છું. આત્મભાવમાં સઘળું રાખજો, ધર્મધ્યાનમાં ઉપયોગ રાખજો; જગતના કોઈ પણ પદાર્થ, સગાં, કુટુંબી, મિત્રનો કંઈ હર્ષ-શોક કરવો યોગ્ય જ નથી. પરમશાંતિપદને ઇચ્છીએ એ જ આપણો સર્વસમત ધર્મ છે અને એ જ ઇચ્છામાં ને ઇચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિત રહો. હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું; એ ભૂલશો નહીં. દેહ જેનો ધર્મોપયોગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે, તે પણ ધર્મને માટે જ છે. વિ. રાયચંદ્ર
SR No.330157
Book TitleVachanamrut 0037 PS
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy