Book Title: Vachanamrut 0016 03 Ektav Bhavana Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ તૃતીય ચિત્ર-એકત્વભાવના (ઉપજાતિ) શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ એથી નયસુજ્ઞ ગોતે. વિશેષાર્થ:શરીરમાં પ્રત્યક્ષ દેખાતા રોગાદિક જે ઉપદ્રવ થાય છે તે સ્નેહી, કુટુંબી, જાયા કે પુત્ર કોઈથી લઈ શકાતા નથી; એ માત્ર એક પોતાનો આત્મા પોતે જ ભોગવે છે. એમાં કોઈ પણ ભાગીદાર થતું નથી. તેમ જ પાપ પુણ્યાદિ સઘળા વિપાકો આપણો આત્મા જ ભોગવે છે. એ એકલો આવે છે, એકલો જાય છે, એવું સિદ્ધ કરીને વિવેકને ભલી રીતે જાણવાવાળા પુરુષો એકત્વને નિરંતર શોધે છે. દ્રષ્ટાંત:- મહા પુરુષના તે ન્યાયને અચળ કરનાર નમિરાજર્ષિ અને શક્રેન્દ્રનો વૈરાગ્યોપદેશક સંવાદ અહીં આગળ પ્રદર્શિત કરીએ છીએ. નમિરાજર્ષિ મિથિલા નગરીના રાજેશ્વર હતા. સ્ત્રી-પુત્રાદિકથી વિશેષ દુઃખનો સમૂહ પામ્યા નહોતા છતાં એકત્વના સ્વરૂપને પરિપૂર્ણ પિછાનવામાં રાજેશ્વરે કિંચિત વિભ્રમ કર્યો નથી. શકેંદ્ર પ્રથમ નમિરાજર્ષિ જ્યાં નિવૃત્તિમાં વિરાજ્યા છે, ત્યાં વિપ્રરૂપે આવીને પરીક્ષા નિદાને પોતાનું વ્યાખ્યાન શરૂ કરે છે : વિપ્ર :- હે રાજા ! મિથિલા નગરીને વિષે આજે પ્રબલ કોલાહલ વ્યાપી રહ્યો છે. હૃદયને અને મનને ઉદ્વેગકારી વિલાપના શબ્દોથી રાજમંદિર અને સામાન્ય ઘર છવાઈ ગયાં છે. માત્ર તારી દીક્ષા એ જ એ સઘળાનાં દુઃખનો હેતુ છે. પરના આત્માને જે દુઃખ આપણાથી ઉત્પન્ન થાય તે દુઃખ સંસારપરિભ્રમણનું કારણ ગણીને તું ત્યાં જા. ભોળો ન થા. નમિરાજ :- (ગૌરવ ભરેલાં વચનોથી) હે વિપ્ર ! તું જે કહે છે તે માત્ર અજ્ઞાનરૂપ છે. મિથિલા નગરીમાં એક બગીચો હતો, તેની મધ્યમાં એક વૃક્ષ હતું, શીતળ છાયાથી કરીને તે રમણીય હતું, પત્ર, પુષ્પ અને ફળથી તે સહિત હતું. નાના પ્રકારનાં પક્ષીઓને તે લાભદાયક હતું, વાયુના હલાવવા થકી તે વૃક્ષમાં રહેનારાં પંખીઓ દુઃખાર્ત ને શરણરહિત થયાથી આક્રંદ કરે છે. વૃક્ષને પોતાને માટે થઈને જ તે વિલાપ કરતાં નથી, પોતાનું સુખ ગયું એ માટે થઈને તેઓ શોકાર્ત છે. વિપ્ર :- પણ આ જો! અગ્નિ ને વાયુના મિશ્રણથી તારું નગર, તારાં અંતઃપુર, અને મંદિરો બળે છે, માટે ત્યાં જા અને તે અગ્નિને શાંત કર.Page Navigation
1