Page #1
--------------------------------------------------------------------------
________________ તૃતીય ચિત્ર-એકત્વભાવના (ઉપજાતિ) શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ એથી નયસુજ્ઞ ગોતે. વિશેષાર્થ:શરીરમાં પ્રત્યક્ષ દેખાતા રોગાદિક જે ઉપદ્રવ થાય છે તે સ્નેહી, કુટુંબી, જાયા કે પુત્ર કોઈથી લઈ શકાતા નથી; એ માત્ર એક પોતાનો આત્મા પોતે જ ભોગવે છે. એમાં કોઈ પણ ભાગીદાર થતું નથી. તેમ જ પાપ પુણ્યાદિ સઘળા વિપાકો આપણો આત્મા જ ભોગવે છે. એ એકલો આવે છે, એકલો જાય છે, એવું સિદ્ધ કરીને વિવેકને ભલી રીતે જાણવાવાળા પુરુષો એકત્વને નિરંતર શોધે છે. દ્રષ્ટાંત:- મહા પુરુષના તે ન્યાયને અચળ કરનાર નમિરાજર્ષિ અને શક્રેન્દ્રનો વૈરાગ્યોપદેશક સંવાદ અહીં આગળ પ્રદર્શિત કરીએ છીએ. નમિરાજર્ષિ મિથિલા નગરીના રાજેશ્વર હતા. સ્ત્રી-પુત્રાદિકથી વિશેષ દુઃખનો સમૂહ પામ્યા નહોતા છતાં એકત્વના સ્વરૂપને પરિપૂર્ણ પિછાનવામાં રાજેશ્વરે કિંચિત વિભ્રમ કર્યો નથી. શકેંદ્ર પ્રથમ નમિરાજર્ષિ જ્યાં નિવૃત્તિમાં વિરાજ્યા છે, ત્યાં વિપ્રરૂપે આવીને પરીક્ષા નિદાને પોતાનું વ્યાખ્યાન શરૂ કરે છે : વિપ્ર :- હે રાજા ! મિથિલા નગરીને વિષે આજે પ્રબલ કોલાહલ વ્યાપી રહ્યો છે. હૃદયને અને મનને ઉદ્વેગકારી વિલાપના શબ્દોથી રાજમંદિર અને સામાન્ય ઘર છવાઈ ગયાં છે. માત્ર તારી દીક્ષા એ જ એ સઘળાનાં દુઃખનો હેતુ છે. પરના આત્માને જે દુઃખ આપણાથી ઉત્પન્ન થાય તે દુઃખ સંસારપરિભ્રમણનું કારણ ગણીને તું ત્યાં જા. ભોળો ન થા. નમિરાજ :- (ગૌરવ ભરેલાં વચનોથી) હે વિપ્ર ! તું જે કહે છે તે માત્ર અજ્ઞાનરૂપ છે. મિથિલા નગરીમાં એક બગીચો હતો, તેની મધ્યમાં એક વૃક્ષ હતું, શીતળ છાયાથી કરીને તે રમણીય હતું, પત્ર, પુષ્પ અને ફળથી તે સહિત હતું. નાના પ્રકારનાં પક્ષીઓને તે લાભદાયક હતું, વાયુના હલાવવા થકી તે વૃક્ષમાં રહેનારાં પંખીઓ દુઃખાર્ત ને શરણરહિત થયાથી આક્રંદ કરે છે. વૃક્ષને પોતાને માટે થઈને જ તે વિલાપ કરતાં નથી, પોતાનું સુખ ગયું એ માટે થઈને તેઓ શોકાર્ત છે. વિપ્ર :- પણ આ જો! અગ્નિ ને વાયુના મિશ્રણથી તારું નગર, તારાં અંતઃપુર, અને મંદિરો બળે છે, માટે ત્યાં જા અને તે અગ્નિને શાંત કર.
Page #2
--------------------------------------------------------------------------
________________ નમિરાજ :- હે વિપ્ર ! મિથિલા નગરીના, તે અંતઃપુરના અને તે મંદિરોના દાઝવાથી મારું કંઈ પણ દાઝતું નથી; જેમ સુખોત્પત્તિ છે તેમ હું વર્તુ . એ મંદિરાદિકમાં મારું અલ્પમાત્ર પણ નથી. મેં પુત્ર, સ્ત્રી આદિકના વ્યવહારને છાંડ્યો છે. મને એમાંનું કંઈ પ્રિય નથી અને અપ્રિય પણ નથી. વિપ્ર :- પણ હે રાજા ! તારી નગરીને સઘન કિલ્લો કરાવીને, પોળ, કોઠા અને કમાડ, ભોગળ કરાવીને અને શતાબ્દી ખાઈ કરાવીને ત્યાર પછી જજે. નમિરાજ :- (હેતુ કારણ પ્ર.૦') હે વિપ્ર ! હું શુદ્ધ શ્રદ્ધારૂપી નગરી કરીને, સંવરરૂપી ભોગળ કરીને, ક્ષમારૂપી શુભ ગઢ કરીશ; શુભ મનોયોગરૂપ કોઠા કરીશ, વચનયોગરૂપ ખાઈ કરીશ, કાયાયોગરૂપ શતક્ની કરીશ, પરાક્રમરૂપી ધનુષ્ય કરીશ, ઈર્યાસમિતિરૂપ પણછ કરીશ, ધીરજરૂપ કમાન સાહવાની મૂઠી કરીશ; સત્યરૂપ ચાપ વડે કરીને ધનુષ્યને બાંધીશ; તારૂપ બાણ કરીશ; કર્મરૂપી વૈરીની સેનાને ભેદીશ; લૌકિક સંગ્રામની મને રુચિ નથી. હું માત્ર તેવા ભાવસંગ્રામને ચાહું છું. વિપ્ર :- (હેતુ કારણ D0) હે રાજા ! શિખરબંધ ઊંચા આવાસ કરાવીને, મણિકંચનમય ગવાક્ષાદિ મુકાવીને, તળાવમાં ક્રીડા કરવાના મનોહર મહાલય કરાવીને પછી જજે. નમિરાજ :- (હેતુ કારણ પ્રેo) તેં જે જે પ્રકારના આવાસ ગણાવ્યા છે તે પ્રકારના આવાસ મને અસ્થિર અને અશાશ્વત જણાય છે. માર્ગના ઘરરૂપ જણાય છે. તે માટે જ્યાં સ્વધામ છે, જ્યાં શાશ્વતતા છે, અને જ્યાં સ્થિરતા છે ત્યાં હું નિવાસ કરવા ચાહું છું. વિપ્ર :- (હેતું કારણ પ્રેo) હે ક્ષત્રિય શિરોમણિ ! અનેક પ્રકારના તસ્કરના ઉપદ્રવને ટાળીને, નગરીનું એ દ્વારે કલ્યાણ કરીને તું જજે. નમિરાજ :- હે વિપ્ર ! અજ્ઞાનવંત મનુષ્ય અનેક વાર મિથ્યા દંડ દે છે. ચોરીના નહીં કરનાર જે શરીરાદિક પુગલ તે લોકને વિષે બંધાય છે, અને ચોરીના કરનાર જે ઇંદ્રિયવિકાર તેને કોઈ બંધન કરી શકતું નથી. તો પછી એમ કરવાનું શું અવશય ? વિપ્ર :- હે ક્ષત્રિય ! જે રાજાઓ તારી આજ્ઞા અવલંબન કરતા નથી અને જે નરાધિપો સ્વતંત્રતાથી વર્તે છે. તેને તું તારે વશ કરીને પછી જજે. નમિરાજ :- (હેતુ કારણ પ્રે) દશ લાખ સુભટને સંગ્રામને વિષે જીતવા એ દુર્લભ ગણાય છે; તોપણ એવા વિજય કરનારા પુરુષો અનેક મળી આવે, પણ એક સ્વાત્માને જીતનાર મળનાર અનંત દુર્લભ છે. તે દશ લાખ સુભટથી વિજય મેળવનાર કરતાં એક સ્વાત્માને જીતનાર પુરુષ પરમોત્કૃષ્ટ છે. આત્મા સંઘાતે યુદ્ધ કરવું ઉચિત છે. બહિર્યુદ્ધનું શું પ્રયોજન છે ? જ્ઞાનરૂપ આત્મા વડે ક્રોધાદિક આત્માને જીતનાર સ્તુતિપાત્ર છે. (1 હેતુ અને કારણથી પ્રેરાયેલા.
Page #3
--------------------------------------------------------------------------
________________ પાંચે ઇંદ્રિયોને, ક્રોધને, માનને, માયાને, તેમજ લોભને જીતવાં દોહ્યલાં છે. જેણે મનોયોગાદિક જીત્યું તેણે સર્વ જીત્યું. વિપ્ર :- (હેતુ કારણ પ્રેo) સમર્થ યજ્ઞો કરી, શ્રમણ, તપસ્વી, બ્રાહ્મણાદિકને ભોજન આપી, સુવર્ણાદિક દાન દઈ, મનોજ્ઞ ભોગ ભોગવી હે ક્ષત્રિય ! તું ત્યાર પછી જજે. નમિરાજ :- (હેતુ કારણ ) મહિને મહિને જો દશ લાખ ગાયનાં દાન દે તોપણ તે દશ લાખ ગાયનાં દાન કરતાં સંયમ ગ્રહણ કરીને સંયમને આરાધે છે તે, તે કરતાં વિશેષ મંગળ પ્રાપ્ત કરે છે. વિપ્ર :- નિર્વાહ કરવા માટે ભિક્ષાથી સુશીલ પ્રવ્રજ્યામાં અસહ્ય પરિશ્રમ વેઠવો પડે છે, તેથી તે પ્રવૃજ્યા ત્યાગ કરીને અન્ય પ્રવ્રજ્યામાં રુચિ થાય છે, માટે એ ઉપાધિ ટાળવા તું ગૃહસ્થાશ્રમમાં રહી પૌષધાદિક વ્રતમાં તત્પર રહેજે. હે મનુષ્યના અધિપતિ ! હું ઠીક કહું છું. નમિરાજ :- (હેતું કારણ પ્રેo) હે વિપ્ર ! બાલ અવિવેકી ગમે તેવાં ઉગ્ર તપ કરે પરંતુ સમ્યકશ્રુતધર્મ તથા ચારિત્રધર્મની તુલ્ય ન થાય. એકાદ કળા તે સોળ કળા જેવી કેમ ગણાય ? 1. હેતુ અને કારણથી પ્રેરાયેલા. વિપ્ર :- અહો ક્ષત્રિય ! સુવર્ણ, મણિ, મુક્તાફળ, વસ્ત્રાલંકાર અને અશ્વાદિકની વૃદ્ધિ કરીને પછી જજે. નમિરાજ :- (હેતું કારણ પ્રે૦) મેરુ પર્વત જેવા કદાચિત સોનારૂપાના અસંખ્યાત પર્વત હોય તોપણ લોભી મનુષ્યની તૃષ્ણા છીપતી નથી. કિંચિત માત્ર તે સંતોષ પામતો નથી. તૃષ્ણા આકાશના જેવી અનંત છે. ધન, સુવર્ણ, ચતુષ્પાદ ઇત્યાદિક સકળ લોક ભરાય એટલું લોભી મનુષ્યની તૃષ્ણા ટાળવા સમર્થ નથી. લોભની એવી કનિષ્ઠતા છે. માટે સંતોષનિવૃત્તિરૂપ તપને વિવેકી પુરુષો આચરે છે. વિપ્ર :- (હેતુ કારણ પ્રેo) હે ક્ષત્રિય ! મને અદભુત આશ્ચર્ય ઊપજે છે કે, તું છતા ભોગને છાંડે છે. પછી અછતા કામભોગને વિષે સંકલ્પ વિકલ્પ કરીને હણાઈશ, માટે આ સઘળી મુનિવસંબંધીની ઉપાધિ મૂક. નમિરાજ :- (હેતુ કારણ પ્રે૦) કામભોગ છે તે શલ્ય સરખા છે, કામભોગ છે તે વિષ સરખા છે, કામભોગ છે તે સર્પની તુલ્ય છે, જેની વાંછનાથી જીવ નરકાદિક અધોગતિને વિષે જાય છે, તેમજ ક્રોધ કરીને અને માને કરીને માઠી ગતિ થાય છે; માયાએ કરીને સદ્ગતિનો વિનાશ હોય છે; લોભ થકી આ લોક પરલોકનો ભય હોય છે, માટે હે વિપ્ર ! એનો તું મને બોધ ન કર. મારું હૃદય કોઈ કાળે ચળનાર નથી; એ મિથ્યા મોહિનીમાં અભિરુચિ ધરાવનાર નથી. જાણી જોઈને ઝેર કોણ પીએ ? જાણી જોઈને દીપક લઈને કૂવે કોણ પડે ? જાણી જોઈને વિભ્રમમાં કોણ પડે ? હું મારા અમૃત જેવા વૈરાગ્યનો મધુર રસ અપ્રિય કરી એ ઝેરને પ્રિય કરવા મિથિલામાં આવનાર નથી. મહર્ષિ નમિરાજની સુદ્રઢતા જોઈ શકેંદ્ર પરમાનંદ પામ્યો, પછી બ્રાહ્મણના રૂપને છાંડીને ઇંદ્રપણાને વૈક્રિય કર્યું. વંદન કરીને મધુર વચને પછી તે રાજર્ષીશ્વરની સ્તુતિ કરવા લાગ્યોઃ “હે મહાયશસ્વી ! મોટું આશ્ચર્ય છે કે તે ક્રોધને જીત્યો. આશ્ચર્ય, તેં અહંકારનો પરાજય કર્યો. આશ્ચર્ય, તેં માયાને ટાળી. આશ્ચર્ય, તેં લોભ વશ કીધો. આશ્ચર્ય, તારું સરળપણું. આશ્ચર્ય, તારું નિર્મમત્વ. આશ્ચર્ય, તારી પ્રધાન ક્ષમા. આશ્ચર્ય, તારી
Page #4
--------------------------------------------------------------------------
________________ નિર્લોભતા. હે પૂજ્ય ! તું આ ભવને વિષે ઉત્તમ છું, અને પરભવને વિષે ઉત્તમ હોઈશ. કર્મરહિત થઈને પ્રધાન સિદ્ધગતિને વિષે પરવરીશ.” એ રીતે સ્તુતિ કરતાં કરતાં, પ્રદક્ષિણા કરતાં કરતાં, શ્રદ્ધાભક્તિએ તે ઋષિના પાદાંબુજને વંદન કર્યું. પછી તે સુંદર મુકુટવાળો શકેંદ્ર આકાશ વાટે ગયો. પ્રમાણશિક્ષા:વિપ્રરૂપે નમિરાજનો વૈરાગ્ય તાવવામાં ઇન્દ્ર શું ન્યૂનતા કરી છે ? કંઈયે નથી કરી. સંસારની જે જે લલુતાઓ મનુષ્યને ચળાવનારી છે, તે તે લલુતા સંબંધી મહા ગૌરવથી પ્રશ્ન કરવામાં તે પુરંદરે નિર્મળભાવથી સ્તતિપાત્ર ચાતુર્ય ચલાવ્યું છે. છતાં નિરીક્ષણ કરવાનું તો એ છે કે નમિરાજ કેવળ કંચનમય રહ્યા છે. શુદ્ધ અને અખંડ વૈરાગ્યના વેગમાં એમનું વહન એમણે ઉત્તરમાં દર્શિત કર્યું છે. “હે વિપ્ર ! તું જે જે વસ્તુઓ મારી છે, એમ કહેવરાવે છે તે તે વસ્તુઓ મારી નથી. હું એક જ છું, એકલો જનાર છું; અને માત્ર પ્રશંસનીય એકત્વને જ ચાહું છું.” આવા રહસ્યમાં નમિરાજ પોતાના ઉત્તરને અને વૈરાગ્યને દ્રઢીભૂત કરતા ગયા છે. એવી પરમ પ્રમાણશિક્ષાથી ભર્યું તે મહર્ષિનું ચરિત્ર છે. બન્ને મહાત્માઓનો પરસ્પરનો સંવાદ શુદ્ધ એકત્વને સિદ્ધ કરવા તથા અન્ય વસ્તુઓનો ત્યાગ કરવાના ઉપદેશાર્થે અહીં દર્શિત કર્યો છે. એને પણ વિશેષ દ્રઢીભૂત કરવા નમિરાજ એકત્વ શાથી પામ્યા, તે વિષે કિંચિત માત્ર નમિરાજનો એકત્વ સંબંધ આપીએ છીએ. એ વિદેહ દેશ જેવા મહાન રાજ્યના અધિપતિ હતા. અનેક યૌવનવતી મનોહારિણી સ્ત્રીઓના સમુદાયમાં તે ઘેરાઈ રહ્યા હતા. દર્શનમોહનીયનો ઉદય ન છતાં એ સંસારલુબ્ધરૂપ દેખાતા હતા. કોઈ કાળે એના શરીરમાં દાહજ્વર નામના રોગની ઉત્પત્તિ થઈ. આખું શરીર જાણે પ્રજ્વલિત થઈ જતું હોય તેવી બળતરા વ્યાપ્ત થઈ ગઈ. રોમે રોમે સહસ વીંછીની ડંશવેદના સમાન દુઃખ ઉત્પન્ન થયું. વૈદ્યવિદ્યાના પ્રવીણ પુરુષોના ઔષધોપચારનું અનેક પ્રકારે સેવન કર્યું, પણ તે સઘળું વૃથા ગયું, લેશ માત્ર પણ એ વ્યાધિ ઓછો ન થતાં અધિક થતો ગયો. ઔષધ માત્ર દાહજ્વરનાં હિતૈષી થતાં ગયાં. કોઈ ઔષધ એવું ન મળ્યું કે જેને દાહજ્વરથી કિંચિત્ પણ દ્વેષ હોય ! નિપુણ વૈદો કાયર થયા; અને રાજેશ્વર પણ એ મહાવ્યાધિથી કંટાળો પામી ગયા. તેને ટાળનાર પુરુષની શોધ ચોબાજુ ચાલતી હતી. મહાકુશળ એક વૈદ મળ્યો; તેણે મલયગિરિ ચંદનનું વિલેપન કરવા સૂચવન કર્યું. મનોરમા રાણીઓ તે ચંદનને ઘસવામાં રોકાઈ. તે ચંદન ઘસવાથી હાથમાં પહેરેલાં કંકણનો સમુદાય પ્રત્યેક રાણી કને ખળભળાટ કરવા મંડી પડ્યો. મિથિલેશના અંગમાં એક દાહન્વરની અસહ્ય વેદના તો હતી અને બીજી આ કંકણના કોલાહલથી ઉત્પન્ન થઈ. ખળભળાટ ખમી શક્યા નહીં, એટલે તેણે રાણીઓને આજ્ઞા કરી કે તમે ચંદન ન ઘસો; કાં ખળભળાટ કરો છો ? મારાથી એ ખળભળાટ સહન થઈ શકતો નથી. એક મહાવ્યાધિથી હું ગ્રહાયો છું અને આ બીજો વ્યાધિતુલ્ય કોલાહલ થાય છે, તે અસહ્ય છે. સઘળી રાણીઓએ એકૈંકું કંકણ મંગળ દાખલ રાખી કંકણ સમુદાયનો ત્યાગ કર્યો, એટલે થતો ખળભળાટ શાંત થયો. નમિરાજે રાણીઓને કહ્યું: “તમે શું ચંદન ઘસવું બંધ કર્યું ?" રાણીઓએ જણાવ્યું કે “ના. માત્ર કોલાહલ શાંત થવા માટે એકેકું કંકણ રાખી, બીજાં કંકણ પરિત્યાગી અમે ચંદન
Page #5
--------------------------------------------------------------------------
________________ ઘસીએ છીએ. કંકણનો સમૂહ હવે અમે હાથમાં રાખ્યો નથી, તેથી ખળભળાટ થતો નથી.” રાણીઓનાં આટલાં વચનો સાંભળ્યાં ત્યાં તો નમિરાજને રોમેરોમ એકત્વ સિદ્ધ થયું; વ્યાપી ગયું અને મમત્વ ટળી ગયું. “ખરે ! ઝાઝાં મળે ઝાઝી ઉપાધિ જણાય છે. હવે જો, આ એક કંકણથી લેશમાત્ર પણ ખળભળાટ થતો નથી; કંકણના સમૂહ વડે કરીને માથું ફેરવી નાખે એવો ખળભળાટ થતો હતો. અહો ચેતન ! તું માન કે એકત્વમાં જ તારી સિદ્ધિ છે. વધારે મળવાથી વધારે ઉપાધિ છે. સંસારમાં અનંત આત્માના સંબંધમાં તારે ઉપાધિ ભોગવવાનું શું અવશય છે ? તેનો ત્યાગ કર અને એકત્વમાં પ્રવેશ કરી જો ! આ એક કંકણ હવે ખળભળાટ વિના કેવી ઉત્તમ શાંતિમાં રમે છે ? અનેક હતાં ત્યારે તે કેવી અશાંતિ ભોગવતું હતું ?તેવી જ રીતે તું પણ કંકણરૂપ છો. તે કંકણની પેઠે તું જ્યાં સુધી સ્નેહી કુટુંબીરૂપી કંકણસમુદાયમાં પડ્યો રહીશ ત્યાં સુધી ભવરૂપી ખળભળાટ સેવન કરવા પડશે; અને જો આ કંકણની વર્તમાન સ્થિતિની પેઠે એકત્વને આરાધીશ તો સિદ્ધગતિરૂપી મહા પવિત્ર શાંતિ પામીશ.” એમ વૈરાગ્યના પ્રવેશમાં ને પ્રવેશમાં તે નમિરાજ પૂર્વજાતિની સ્મૃતિ પામ્યા. પ્રવ્રજ્યા ધારણ કરવા નિશ્ચય કરી તેઓ શયન કરી ગયા. પ્રભાતે માંગલ્યરૂપ વાજિંત્રનો ધ્વનિ પ્રકર્યો, દાહજ્વરથી મુક્ત થયા. એકત્વને પરિપૂર્ણ સેવનાર તે શ્રીમાન નમિરાજ ઋષિને અભિવંદન હો ! (શાર્દૂલવિક્રીડિત) રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂઝયો ત્યાં કકળાટ કંકણતણો, શ્રોતી નમિ ભૂપતિ; સંવાદે પણ ઇંદ્રથી દ્રઢ રહ્યો, એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું. વિશેષાર્થ: રાણીઓનો સમુદાય ચંદન ઘસીને વિલેપન કરવામાં રોકાયો હતો; તત્સમયમાં કંકણના ખળભળાટને સાંભળીને નમિરાજ બૂઝયો. ઇંદ્રની સાથે સંવાદમાં પણ અચળ રહ્યો; અને એકત્વને સિદ્ધ કર્યું. એવા એ મુક્તિસાધક મહાવૈરાગીનું ચરિત્ર “ભાવનાબોધ ગ્રંથે તૃતીય ચિત્રે પૂર્ણતા પામ્યું.