Book Title: Vachanamrut 0010 2 Asharan Anuprekhsa Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 2 અશરણ અનુપ્રેક્ષા હવે અશરણ અનુપ્રેક્ષા ચિંતવીએ છીએ. આ સંસારમાં કોઈ દેવ, દાનવ, ઇન્દ્ર, મનુષ્ય એવા નથી કે જેના ઉપર યમરાજાની ફાંસી નથી પડી. મૃત્યુને વશ થતાં કોઈ આશરો નથી. આયુષ્ય પૂર્ણ થવાના કાળમાં ઇન્દ્રનું પતન ક્ષણ માત્રમાં થાય છે. જેના અસંખ્યાત દેવ આજ્ઞાકારી સેવક છે, જે હજારો રિદ્ધિવાળા છે, જેનો સ્વર્ગમાં અસંખ્યાત કાળથી નિવાસ છે, રોગ ક્ષુધા તૃષાદિક ઉપદ્રવ રહિત જેનું શરીર છે, અસંખ્યાત બળ પરાક્રમના જે ધારક છે, આવા ઇંદ્રનું પતન થઈ જાય ત્યાં પણ અન્ય કોઈ શરણ નથી. જેમ ઉજ્જડ વનમાં વાઘે ગ્રહણ કરેલ હરણના બચ્ચાની કોઈ રક્ષા કરવાને સમર્થ નથી, તેમ મૃત્યુથી પ્રાણીની રક્ષા કરવાને કોઈ સમર્થ નથી. આ સંસારમાં પૂર્વે અનંતાનંત પુરુષ પ્રલયને પ્રાપ્ત થયા છે. કોઈ શરણ છે ? કોઈ એવાં ઔષધ, મંત્ર, યંત્ર અથવા દેવદાનવાદિક નથી કે જે એક ક્ષણ માત્ર કાળથી રક્ષા કરે. જો કોઈ દેવ, દેવી, વૈદ, મંત્ર, તંત્રાદિક એક મનુષ્યની મરણથી રક્ષા કરત, તો મનુષ્ય અક્ષય થઈ જાત. માટે મિથ્યા બુદ્ધિને છોડી અશરણ અનુપ્રેક્ષા. ચિંતવો. મૂઢ લોક એવા વિચાર કરે છે કે મારા સગાના હિતનો ઇલાજ ન થયો, ઔષધ ન આપ્યું. દેવતાનું શરણ ન લીધું, ઉપાય કર્યા વિના મરી ગયો, એવો પોતાના સ્વજનનો શોક કરે છે. પણ પોતાનો શોચ નથી કરતો કે હું જમની દાઢની વચ્ચે બેઠો છું. જે કાળને કરોડો ઉપાયથી પણ ઇંદ્ર જેવા પણ ન રોકી શક્યા, તેને બાપડું માણસજાત તે શું રોકશે ? જેમ બીજાનું મરણ થતાં જોઈએ છીએ તેમ મારું પણ અવશય થશે. જેમ બીજા જીવોને સ્ત્રી, પુત્રાદિકનો વિયોગ દેખીએ છીએ, તેમ મારે પણ વિયોગમાં કોઈ શરણ નથી. અશુભકર્મની ઉદીરણા થતાં બુદ્ધિ નાશ થાય છે, પ્રબળ કર્મનો ઉદય થતાં એક ઉપાય કામ નથી આવતો. અમૃત વિષ થઈ પરિણમે છે, તણખલું પણ શસ્ત્ર થઈ પરિણમે છે, પોતાના વહાલા મિત્ર પણ વૈરી થઈ પરિણમે છે, અશુભના પ્રબળ ઉદયના વશથી બુદ્ધિ વિપરીત થઇ પોતે પોતાનો જ ઘાત કરે છે. જ્યારે શુભ કર્મનો ઉદય થાય છે, ત્યારે મૂર્ખને પણ પ્રબળ બુદ્ધિ ઊપજે છે. કર્યા વિના સુખકારી અનેક ઉપાય પોતાની મેળે પ્રગટ થાય છે. વૈરી મિત્ર થઇ જાય છે, વિષ પણ અમૃત પરિણમે છે. જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે સમસ્ત ઉપદ્રવકારી વસ્તુઓ નાના પ્રકારના સુખ કરવાવાળી થાય છે. તે પુણ્યકર્મનો પ્રભાવ છે. પાપના ઉદયથી હાથમાં આવેલું ધન ક્ષણમાત્રમાં નાશ થઈ જાય છે. પુણ્યના ઉદયથી ઘણી દૂર હોય તે વસ્તુ પણ પ્રાપ્ત થઈ જાય છે. લાભાંતરાયનો ક્ષયોપશમ થાય ત્યારે, વિના યત્ન નિધિરત્ન પ્રગટ થાય છે. પાપ ઉદય થાય ત્યારે સુંદર આચરણ કરતો હોય તેને પણ દોષ, કલંક આવી પડે છે, અપવાદ અપયશ, થાય છે. યશ નામકર્મના ઉદયથી સમસ્ત અપવાદ દૂર થઈ દોષ ગુણરૂપ થઈ પરિણમે છે. સંસાર છે તે પુણ્યપાપના ઉદયરૂપ છે. પરમાર્થથી બન્ને ઉદય (પુણ્ય-પાપ) પરના કરેલા અને આત્માથી ભિન્ન જાણીને તેના જાણનાર અથવા સાક્ષી માત્ર રહો. હર્ષ અને ખેદ કરો નહીં. પૂર્વે બંધ કરેલ કર્મ તે હવે ઉદય આવ્યાં છે. પોતાનાં કર્યા દૂર નથી થતાં. ઉદય આવ્યા પછી ઇલાજ નથી. કર્મના ફળ, જે જન્મ, જરા, મરણ, રોગ, ચિંતા, ભય, વેદના, દુઃખPage Navigation
1