Page #1
--------------------------------------------------------------------------
________________ 2 અશરણ અનુપ્રેક્ષા હવે અશરણ અનુપ્રેક્ષા ચિંતવીએ છીએ. આ સંસારમાં કોઈ દેવ, દાનવ, ઇન્દ્ર, મનુષ્ય એવા નથી કે જેના ઉપર યમરાજાની ફાંસી નથી પડી. મૃત્યુને વશ થતાં કોઈ આશરો નથી. આયુષ્ય પૂર્ણ થવાના કાળમાં ઇન્દ્રનું પતન ક્ષણ માત્રમાં થાય છે. જેના અસંખ્યાત દેવ આજ્ઞાકારી સેવક છે, જે હજારો રિદ્ધિવાળા છે, જેનો સ્વર્ગમાં અસંખ્યાત કાળથી નિવાસ છે, રોગ ક્ષુધા તૃષાદિક ઉપદ્રવ રહિત જેનું શરીર છે, અસંખ્યાત બળ પરાક્રમના જે ધારક છે, આવા ઇંદ્રનું પતન થઈ જાય ત્યાં પણ અન્ય કોઈ શરણ નથી. જેમ ઉજ્જડ વનમાં વાઘે ગ્રહણ કરેલ હરણના બચ્ચાની કોઈ રક્ષા કરવાને સમર્થ નથી, તેમ મૃત્યુથી પ્રાણીની રક્ષા કરવાને કોઈ સમર્થ નથી. આ સંસારમાં પૂર્વે અનંતાનંત પુરુષ પ્રલયને પ્રાપ્ત થયા છે. કોઈ શરણ છે ? કોઈ એવાં ઔષધ, મંત્ર, યંત્ર અથવા દેવદાનવાદિક નથી કે જે એક ક્ષણ માત્ર કાળથી રક્ષા કરે. જો કોઈ દેવ, દેવી, વૈદ, મંત્ર, તંત્રાદિક એક મનુષ્યની મરણથી રક્ષા કરત, તો મનુષ્ય અક્ષય થઈ જાત. માટે મિથ્યા બુદ્ધિને છોડી અશરણ અનુપ્રેક્ષા. ચિંતવો. મૂઢ લોક એવા વિચાર કરે છે કે મારા સગાના હિતનો ઇલાજ ન થયો, ઔષધ ન આપ્યું. દેવતાનું શરણ ન લીધું, ઉપાય કર્યા વિના મરી ગયો, એવો પોતાના સ્વજનનો શોક કરે છે. પણ પોતાનો શોચ નથી કરતો કે હું જમની દાઢની વચ્ચે બેઠો છું. જે કાળને કરોડો ઉપાયથી પણ ઇંદ્ર જેવા પણ ન રોકી શક્યા, તેને બાપડું માણસજાત તે શું રોકશે ? જેમ બીજાનું મરણ થતાં જોઈએ છીએ તેમ મારું પણ અવશય થશે. જેમ બીજા જીવોને સ્ત્રી, પુત્રાદિકનો વિયોગ દેખીએ છીએ, તેમ મારે પણ વિયોગમાં કોઈ શરણ નથી. અશુભકર્મની ઉદીરણા થતાં બુદ્ધિ નાશ થાય છે, પ્રબળ કર્મનો ઉદય થતાં એક ઉપાય કામ નથી આવતો. અમૃત વિષ થઈ પરિણમે છે, તણખલું પણ શસ્ત્ર થઈ પરિણમે છે, પોતાના વહાલા મિત્ર પણ વૈરી થઈ પરિણમે છે, અશુભના પ્રબળ ઉદયના વશથી બુદ્ધિ વિપરીત થઇ પોતે પોતાનો જ ઘાત કરે છે. જ્યારે શુભ કર્મનો ઉદય થાય છે, ત્યારે મૂર્ખને પણ પ્રબળ બુદ્ધિ ઊપજે છે. કર્યા વિના સુખકારી અનેક ઉપાય પોતાની મેળે પ્રગટ થાય છે. વૈરી મિત્ર થઇ જાય છે, વિષ પણ અમૃત પરિણમે છે. જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે સમસ્ત ઉપદ્રવકારી વસ્તુઓ નાના પ્રકારના સુખ કરવાવાળી થાય છે. તે પુણ્યકર્મનો પ્રભાવ છે. પાપના ઉદયથી હાથમાં આવેલું ધન ક્ષણમાત્રમાં નાશ થઈ જાય છે. પુણ્યના ઉદયથી ઘણી દૂર હોય તે વસ્તુ પણ પ્રાપ્ત થઈ જાય છે. લાભાંતરાયનો ક્ષયોપશમ થાય ત્યારે, વિના યત્ન નિધિરત્ન પ્રગટ થાય છે. પાપ ઉદય થાય ત્યારે સુંદર આચરણ કરતો હોય તેને પણ દોષ, કલંક આવી પડે છે, અપવાદ અપયશ, થાય છે. યશ નામકર્મના ઉદયથી સમસ્ત અપવાદ દૂર થઈ દોષ ગુણરૂપ થઈ પરિણમે છે. સંસાર છે તે પુણ્યપાપના ઉદયરૂપ છે. પરમાર્થથી બન્ને ઉદય (પુણ્ય-પાપ) પરના કરેલા અને આત્માથી ભિન્ન જાણીને તેના જાણનાર અથવા સાક્ષી માત્ર રહો. હર્ષ અને ખેદ કરો નહીં. પૂર્વે બંધ કરેલ કર્મ તે હવે ઉદય આવ્યાં છે. પોતાનાં કર્યા દૂર નથી થતાં. ઉદય આવ્યા પછી ઇલાજ નથી. કર્મના ફળ, જે જન્મ, જરા, મરણ, રોગ, ચિંતા, ભય, વેદના, દુઃખ
Page #2
--------------------------------------------------------------------------
________________ આદિ આવતાં તેનાથી રક્ષણ કરવા મંત્ર, તંત્ર, દેવ, દાનવ, ઔષધાદિક, કોઈ સમર્થ નથી, કર્મનો ઉદય આકાશ, પાતાલ, કે ક્યાંય પણ નથી છોડતો. ઔષધાદિક બાહ્ય નિમિત્ત, અશુભ કર્મનો ઉદય મંદ થતાં ઉપકાર કરે છે. દુષ્ટ, ચોર, ભીલ, વૈરી તથા સિંહ, વાઘ, સર્પાદિક ગામમાં કે વનમાં મારે. જલચરાદિક પાણીમાં મારે; પણ અશુભ કર્મનો ઉદય જળમાં, સ્થળમાં, વનમાં, સમુદ્રમાં, પહાડમાં, ગઢમાં, ઘરમાં, શથ્થામાં, કુટુંબમાં, રાજાદિક સામંતોની વચમાં, શસ્ત્રોથી રક્ષા કરતાં છતાં ક્યાંય પણ નથી છોડતો. આ લોકમાં એવાં સ્થાન છે કે જેમાં સૂર્ય, ચંદ્રમાના ઉદ્યોત તથા પવન તથા વૈક્રિયિક રિદ્ધિવાળાં જઈ શકતાં નથી, પરંતુ કર્મનો ઉદય તો સર્વત્ર જાય છે. પ્રબળ કર્મનો ઉદય થતાં, વિદ્યા, મંત્ર, બળ, ઔષધિ, પરાક્રમ, વહાલા મિત્ર, સામંત, હાથી, ઘોડા, રથ, પાયદળ, ગઢ, કોટ, શસ્ત્ર, સામ, દામ, દંડ, ભેદાદિક બધા ઉપાય શરણરૂપ થતા નથી. જેમ ઉદય થતા સૂર્યને કોણ રોકે ? તેમ કર્મના ઉદયને ન રોકી શકાય એવા જાણી સમતાભાવનું શરણ ગ્રહણ કરો, તો અશુભ કર્મની નિર્જરા થાય, અને નવો બંધ ન થાય. રોગ, વિયોગ, દારિદ્રય, મરણાદિકનો ભય છોડી પરમ શૈર્ય ગ્રહણ કરો. પોતાનો વીતરાગભાવ, સંતોષભાવ, પરમ સમતાભાવ, એ જ શરણ છે, બીજું કોઈ શરણ નથી. આ જીવના ઉત્તમ ક્ષમાદિક ભાવ પોતે જ શરણરૂપ છે. ક્રોધાદિક ભાવ આ લોક પરલોકમાં આ જીવના ઘાતક છે. આ જીવને કષાયની મંદતા આ લોકમાં હજારો વિપ્નની નાશ કરનારી પરમ શરણરૂપ છે, અને પરલોકમાં નરક તિર્યંચ ગતિથી રક્ષા કરે છે. મંદ-કષાયીનું દેવલોકમાં તથા ઉત્તમ મનુષ્યજાતિમાં ઊપજવું થાય છે. જો પૂર્વકર્મના ઉદયમાં આર્ત, રૌદ્ર પરિણામ કરશો તો ઉદીરણાને પ્રાપ્ત થયાં, તે રોકવા કોઈ સમર્થ નથી, કેવળ દુર્ગતિનાં કારણ નવાં કર્મ વધારે વધશે. કર્મનો ઉદય આવવા માટેનાં જોઈતાં બાહ્ય નિમિત્તો ક્ષેત્ર, કાળ, ભાવ મળ્યા પછી તે કર્મનો ઉદય ઇંદ્ર, જિનેન્દ્ર, મણિ, મંત્ર, ઔષધાદિક કોઈ પણ રોકવા સમર્થ નથી. રોગના ઇલાજ તો ઔષધાદિક જગતમાં દેખીએ છીએ, પરંતુ પ્રબળ કર્મના ઉદયને રોકવાને ઔષધાદિક સમર્થ નથી, ઊલટા તે વિપરીત થઈ પરિણમે છે. આ જીવને અશાતા વેદનીય કર્મનો ઉદય પ્રબળ થાય ત્યારે ઔષધાદિક વિપરીત થઈ પરિણમે છે. અશાતાનો મંદ ઉદય હોય અથવા ઉપશમ હોય ત્યારે ઔષધાદિક ઉપકાર કરે છે. કારણ કે મંદ ઉદયને રોકવાને સમર્થ તો અલ્પ શક્તિવાળા પણ થાય છે. પ્રબળ બળવાળાને અલ્પ શકિતધારક રોકવાને સમર્થ નથી. આ પંચમકાળમાં અલ્પ માત્ર બાહ્ય દ્રવ્ય, ક્ષેત્રાદિક સામગ્રી છે, અલ્પ માત્ર જ્ઞાનાદિક છે, અલ્પ માત્ર પુરુષાર્થ છે. અને અશુભનો ઉદય આવવાથી બાહ્ય સામગ્રી પ્રબળ છે, તો તે અલ્પ સામગ્રી અલ્પ પુરુષાર્થથી પ્રબળ અશાતાના ઉદયને કેમ જીતે ? મોટી નદીઓનો પ્રવાહ પ્રબળ મોજાં ઉછાળતો ચાલ્યો આવતો હોય તેમાં તરવાની કળામાં સમર્થ પુરુષ પણ કરી નથી શકતો. નદીના પ્રવાહનો વેગ મંદ થતો જાય ત્યારે તરવાની વિદ્યા જાણનાર તરી પાર ઊતરી જાય છે, તેવી રીતે પ્રબળ કર્મના ઉદયમાં પોતાને અશરણ જાણો. પૃથ્વી અને સમુદ્ર બન્ને મોટાં છે, પરંતુ પૃથ્વીનો છેડો લેવાને અને સમુદ્રને તરવાને ઘણાં સમર્થ જોઈએ છીએ, પરંતુ કર્મ-ઉદયને તરવાને સમર્થ થતાં દેખાતાં નથી. આ સંસારમાં સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યકચારિત્ર, સમ્યકતપ-સંયમ શરણ છે. આ ચાર આરાધના વિના કોઈ શરણ નથી. તથા ઉત્તમ ક્ષમાદિક દશ ધર્મ
Page #3
--------------------------------------------------------------------------
________________ પ્રત્યક્ષ આ લોકમાં સમસ્ત કલેશ, દુઃખ, મરણ, અપમાન, હાનિથી રક્ષા કરવાવાળા છે. મંદ કષાયનાં ફલ સ્વાધીન સુખ, આત્મરક્ષા ઉજ્જવળ યશ, કલેશરહિતપણું, ઉચ્ચતા આ લોકમાં પ્રત્યક્ષ દેખી એનું શરણ ગ્રહણ કરો. પરલોકમાં એનું ફળ સ્વર્ગલોક છે. વિશેષમાં વ્યવહારમાં ચાર શરણ છે. અહંત, સિદ્ધ, સાધુ, કેવળજ્ઞાનીનો પ્રકાશેલ ધર્મ એ જ શરણ જાણવું. એ પ્રમાણે અહીં એના શરણ વિના આત્માની ઉજ્જવળતા પ્રાપ્ત નથી થતી એવું દર્શાવનારી અશરણ અનુપ્રેક્ષા વિચારી. 2