________________
200
અભય દોશી
SAMBODHI
રાજકીય ઈતિહાસના અનેક ઉજ્જવલ પૃષ્ઠો પર પ્રકાશ પાથર્યો. તેઓ વસ્તુપાલના વિદ્વત્તા, વિદ્વાનો પ્રત્યેનો ઊંચો આદર ને જૈનધર્મપ્રિયતા, દાનેશ્વરીપણું આદિગુણોની પ્રશંસા કરે છે, વસ્તુપાલનાં શિવાલય, સૂર્યમંદિર આદિ સુકૃત્યોને પણ રાજયકર્તાની સમદષ્ટિ અને ઉચિત વર્તન તરીકે દર્શાવે છે, તેમાં તેમની વિશાળતાનાં દર્શન થાય છે.
પુણ્યવિજયજીએ જીવનમાં આમ કુલ ૩૦ જેટલાં સંપાદનો કર્યા, પરંતુ તેમની આ વિશાળસંપાદનપ્રવૃત્તિ તો તેમના જીવનની એક અન્ય મુખ્ય પ્રવૃત્તિના કેવળ અંશરૂપ પ્રવૃત્તિ હતી. આ ગુરુશિષ્યની ત્રણ પેઢીનું મોટું વિદ્યાકાર્ય હોય તો ગ્રંથભંડારોનો ઉદ્ધાર કરવો. સોળ ચાતુર્માસ પાટણ રહી આ ત્રણ પેઢીએ સંયુક્ત પ્રયાસો દ્વારા પાટણના ૨૦ ભંડારોને એકસ્થળે એકત્રિત કરી “શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર'નું સર્જન કર્યું. આ વીસે ભંડારોના ગ્રંથોને વ્યવસ્થિત ગોઠવ્યા. અસ્ત-વ્યસ્ત થયેલી પ્રતોનાં પાનાં એકત્રિત કરવાં એ કેવું વિકટ કાર્ય હોય છે એ તો અનુભવીને જ ખબર પડે. આ કાર્યમાં તેમણે અનેક અમૂલ્ય ગ્રંથો જૈનસંઘને ભેટ ધર્યા, એટલું જ નહિ, બૌદ્ધ, સાંખ્ય, ચાવાર્થ આદિ દર્શનના પણ અલભ્ય ગ્રંથોને વિશ્વ સમક્ષ ઉપલબ્ધ કરી આપ્યા. આ ગ્રંથભંડારનો વિસ્તૃત પરિચય ફાર્બસ ગુજરાતી સભાના સૈમાસિકના અંક ૭૩/૪ માં શ્રી મણિભાઈ પ્રજાપતિએ કરાવ્યો છે.
આવું જ બીજું ગંજાવર કાર્ય જેસલમેરના ગ્રંથભંડારોનું હતું. અત્યંત ઉગ્રવિહાર કરી, ભારતપાકિસ્તાનના યુદ્ધના ભણકારા વચ્ચે જેસલમેર જઈ ત્યાંના અનેક જ્ઞાનભંડારો ખોલાવ્યા. એક જ્ઞાનભંડાર ખોલાવવા નવ ટ્રસ્ટીઓની હાજરી જરૂરી હોય, અને ટ્રસ્ટીઓ દેશ-દેશાવરમાં વસતા હોય, પરંતુ આ બધી પરિસ્થિતિઓ પાર કરી જેસલમેરની અપૂર્વ જ્ઞાનસમૃદ્ધિભરી હસ્તપ્રતસૃષ્ટિનો પરિચય આપ્યો, તેનું વિસ્તૃત કેટલોગ (સૂચિપત્ર) કર્યું, તેમ જ “જેસલમેરની ચિત્રસમૃદ્ધિ જેવા ગ્રંથ દ્વારા જૈનોની કલાસમૃદ્ધિનો જગતને પરિચય કરાવ્યો.
તેમની પોતાની જેસલમેરની સંશોધન પદ્ધતિ અંગે શ્રી રતિલાલ દીપચંદ્ર દેસાઈને પત્રમાં કહે છે; “તમને પત્ર લખ્યા પછી ભંડાર તપાસવાનું અમારું કાર્ય આગળ ચાલ્યું છે. એક-એક પોથીમાં જે સંખ્યાબંધ પાનાઓ ભેગાં ભળી ગયાં છે એ બધાંના પૃથક્કરણ માટે અમે એ પાનાંઓનું અનેક દૃષ્ટિએ વર્ગીકરણ કર્યું છે. એ અત્યારે જોવા જેવું છે. તમે ઘણાંય પ્રદર્શન જોયાં હશે, પરંતુ અમારું આ પ્રદર્શને આશ્ચર્યચકિત કરે તેવું છે....કોઈ ગ્રંથનાં એક બે પાનાં હોય, કોઈ ગ્રંથનાં પાનાંઓના ટૂકડાઓ હોય એ બધાંયને જોઈ વિવિધ નિશાનીઓ અને શબ્દો ઉપરથી ગ્રંથનું નામ કેમ પકડી પાડવામાં આવે છે, તે તમે નજરે જુઓ તો તાજુબ જ થઈ જાઓ.”
અને જંબુવિજયજીને કહે છે; “અત્યારે હું સંશોધનનું કામ કિનારે રાખીને આખા ભંડારને તપાસી રહ્યો છું.”
આ જ રીતે લીબંડી તેમજ ખંભાતનો શાન્તિનાથ દેરાસરનો તાડપત્રીય જ્ઞાનભંડાર ખાસી મહેનત કરી ગોઠવ્યો અને તેનાં સૂચિપત્રો પણ મુદ્રિત કર્યા. તેઓની હસ્તપ્રત ઓળખવાની સૂઝ ગજબની હતી. તેઓ લખાણના વળાંક પરથી હસ્તપ્રત કયા સૈકાની છે તેનો ખૂબ જ સહેલાઈથી નિર્ણય કરી શકતા.