________________
પુનઃ સંપાદકની કલમે
જૈન સાહિત્યમાં પ્રભાવક ચરિત્ર' નું જેમ અદકેરૂ સ્થાન છે તેમ ‘પ્રબન્ધચિન્તામણિ નું પણ તેવું જ મહત્ત્વ છે. આ બન્ને ગ્રંથો ઇતિહાસજ્ઞાનની અગત્યની કડી સમાન છે તેમ કહેવું વધુ પડતું નથી કેમકે ઇતિહાસજ્ઞાનનો બહુ મોટો અવકાશ આ બન્ને ગ્રંથોએ ભરી આપ્યો છે.
કલ્પના કરો કે ‘પ્રભાવક ચરિત્ર’ ન હોત તો વિક્રમની પહેલી સહસ્રાબ્દીમાં થયેલાં શાસનપ્રભાવક સૂરિદેવોનો કડીબદ્ધ ઇતિહાસ આજે શી રીતે પ્રાપ્ત થાત ? તે જ રીતે ‘પ્રબન્ધચિન્તામણિ' ન હોત તો જૈન સંઘ સાથે સંકળાયેલાં રાજકીય ઇતિહાસને સમજવામાં કેટલી મુશ્કેલી પડત ?
પ્રભાવક ચરિત્રની રચના પૂ. પૂર્વાચાર્ય ભગવંતશ્રી પ્રભાચંદ્ર સૂ.મ.એ કરી છે અને પ્રબંધચિંતામણિની રચના પૂ. પૂર્વાચાર્ય ભગવંત શ્રી મેરૂતુંગ સૂ.મ.એ કરી છે. આ બન્ને મહાપુરૂષોએ અનુશ્રુતિઓ દ્વારા તેમજ ગુરૂસંપ્રદાય દ્વારા આ ઇતિહાસ મેળવ્યો હતો. ઇતિહાસના એ વારસાને ગ્રંથસ્થ કરીને તેને વધુ ભેળસેળથી બચાવી લેવાનું પુત્યકાર્ય આ મહાપુરૂષોએ કર્યું છે તેમજ એ વા૨સાને આપણા સુધી પહોંચતો કર્યો છે. આ મહાપુરૂષોનો આ ઉપકાર જૈન સંઘ કદી ભૂલી શકશે નહિ. માત્ર જૈન સાહિત્ય જ નહિ, સમગ્ર ભારતીય સાહિત્યમાં આ બન્ને ગ્રંથોની ગણના અગ્રસ્થાને કરવી પડે તેમ છે.
પ્રસ્તુત, પ્રબન્ધચિંતામણિ' ગ્રંથ વિક્રમના ચૌદમા સૈકામાં રચાયેલો છે. ગ્રંથના વિષયને પાંચ સર્ગોમાં પૃથક્કૃત કરવામાં આવ્યો છે. વિક્રમાદિત્યથી લઇ વસ્તુપાળ-તેજપાળ સુધીના જુદાં-જુદાં રાજપુરૂષોનું કવન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ પૈકીના ઘણા રાજપુરૂષો જૈનશાસન સાથે જોડાયેલાં હોવાથી તેમની જીવન ઘટનાઓના માધ્યમે આપણને તત્કાલીન જૈન સંઘના ઇતિહાસની પણ આછેરી ઝલક જાણવા મળે છે.