________________
९१७
ઘોર અંધકારમાં પ્રકાશ
સર્વજ્ઞ સિવાય સંસારને કોઈ અસલ સ્વરૂપમાં ઓળખાવી જ ન શકે. સર્વજ્ઞ ન હોત, તો તમે અને અમે આપણે બધાં આંધળા જ હોત ! બલિહારી એ તીર્થંકરદેવોની કે જેમણે ઘોર-અંધકારમાં પ્રકાશ રેલાવ્યો.
આરિસો અને કેવળજ્ઞાન
જગતને જોવાની ઈચ્છા થાય એ અનંતજ્ઞાની નથી. જગતનું દર્શન થવું એ અલગ ચીજ છે, જ્યારે જગતને જોવાની ઇચ્છા થવી એ ય અલગ ચીજ છે ! આરિસા સામે જે આવે, એનું પ્રતિબિંબ એમાં પડે. પણ આરિસાને સામી ચીજોનું પોતાનામાં પ્રતિબિંબ પાડવાનું મન નથી. તેમ કેવળજ્ઞાન રૂપી આરિસામાં જગતના સર્વભાવોના પ્રતિબિંબ પડે, પણ પ્રતિબિંબ પાડવાની કેવળજ્ઞાનીને લેશ પણ ઈચ્છા હોતી નથી.
મૃત્યુ યાદ આવી જાય તો
વિષયાસક્ત જીવો ડાઘુ જેવા છે. ડાઘુ જેમ અનેકને બાળે પણ એને પોતાને મરવાનું યાદ ન આવે; તેમ વિષયાસક્તોને પણ મૃત્યુ યાદ આવતું નથી. મૃત્યુ જો બરાબર યાદ આવી જાય, તોય માણસ ઘણો ડાહ્યો થઈ જાય.
કોને પસંદ કરશો ?
મોક્ષમાં જીવને જીવવાનું સદા માટે અને આવશ્યકતા કોઈ ચીજની નહિ. સંસારમાં જીવને જીવવાનું અલ્પકાળ માટે અને આવશ્યકતાઓનો પાર નહિ ! તો તમે કોને પસંદ કરશો ? મોક્ષને કે સંસારને ?