________________ મધ્યકાલીન જૈન સાહિત્યમાં ‘લેખ” અને “કાગલ’ સંજ્ઞાથી લખાયેલી પ્રગટ અને અપ્રગટ પત્ર રચનાઓમાં ભક્તિ માર્ગની વિચારધારા અને જૈન દર્શનના વિચારો ઉપદેશાત્મક રીતે વ્યક્ત થયા છે. | અર્વાચીન જૈન સાહિત્યના પત્રોની વિશાળ સૃષ્ટિ જૈન દર્શનના સિદ્ધાંતો ઉપરાંત માર્ગાનુસારીના નિયમાનુસાર જીવન જીવવાની સાથે વ્યવહાર શુદ્ધિ દ્વારા ધર્મ શુદ્ધિ અને તેના પરિણામે આત્મશુદ્ધિ થાય તેવા અનન્ય પ્રેરકને મનનીય વિચારો પ્રગટ થયા છે. આ પત્રો શિષ્યો અને ભક્તોને ઉદ્દેશીને એમના આધ્યાત્મિક વિકાસમાં સહાયરૂપ થવા માટે લખાયા છે. પત્રો અંગત હોવા છતાં તેના આંતરદેહના વિચારો સર્વ સાધારણ જનતાને માટે કલ્યાણ માર્ગના મિત્ર સમાન કામ કરે છે. સંયમ જીવન જીવવાની કળા અને મોક્ષ માર્ગના સાધક સાધુ-સાધ્વીજી ઉપરાંત શ્રાવક - શ્રાવિકા વર્ગને પણ સન્માર્ગ સૂચક બને છે. આ પત્રો પ્રસંગોચિત્ત લખાયેલા હોવા છતાં તેમાંથી ગુરૂ ભગવંતની જ્ઞાનોપાસના સ્વાનુભવ સિદ્ધ વિચારો પ્રગટ થયા છે. જે શિષ્યો અને ભક્તોના કલ્યાણની ઉદાત્ત ભાવનાથી સહજ રીતે ઉદ્ભવેલા હોવાથી પ્રભાવશાળી બને છે. આ પત્રો ગુરૂકૃપા અને આશીર્વાદની અમૃત વૃષ્ટિ સમાન ચતુર્વિધ સંઘને જ્ઞાનમાર્ગની એક અનોખી શૈલીનો પરિચય કરાવીને જીવન જીવવાની નવી દિશા તરફ ધ્યાન દોરે છે. વિશેષ તો પત્રોનો સભાનપણે અભ્યાસ અને મનન કરવાથી સત્ય પ્રતીતિ થશે.