________________ કુમારપાળ બાલાભાઈ દેસાઈ કુમારપાળ બાલાભાઈ દેસાઈનો જન્મ ૧૯૪૨ના ઑગસ્ટની ૩૦મીએ રાણપુરમાં થયો હતો. તેમણે ૧૯૬૩માં ગુજરાત યુનિવર્સિટીની બી.એ.ની અને ૧૯૬૫માં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તે પછી તેમણે ત્યાંથી જ પીએચ.ડી. ની ડિગ્રી પણ મેળવી છે. ૧૯૬૫થી તેમણે - અમદાવાદની નવગુજરાત આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યું. ૧૯૮૨થી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતીના અધ્યાપક છે. શ્રી દેસાઈ ગુજરાતી સાહિત્ય પરિષદના સેક્રેટરી, ગુજરાત સાહિત્ય અકાદમીના સભ્ય અને સૌરાષ્ટ્ર તથા ભાવનગર યુનિવર્સિટીઓના પત્રકારત્વના અભ્યાસક્રમની સલાહકાર સમિતિના સભ્ય છે. તેમણે સંશોધન, વિવેચન, સંપાદન, પ્રૌઢસાહિત્ય, બાલસાહિત્ય, પત્રકારત્વ અને ક્રિકેટનાં પુસ્તકો લખ્યાં છે. તેમણે એક નવલિકા સંગ્રહ પણ પ્રગટ કર્યો છે. તેમનાં આનંદઘન - એક અધ્યયન' (વિવેચન), ‘અપંગનાં ઓજસ’ (ચરિત્ર), ‘નાની ઉંમર, મોટું કામ’ (બાલસાહિત્ય), ‘અખબારી લેખ” (પત્રકારત્વ), ‘ભારતીય ક્રિકેટ’, ‘ક્રિકેટનાં વિશ્વવિક્રમો’ અને ‘ક્રિકેટ રમતાં શીખો'- ભાગ 1-2 એ પુસ્તકો ઉલ્લેખનીય છે. ‘નાની ઉંમર, મોટું કામ’ને એન.સી.ઈ.આર.ટી.ની બાલસાહિત્યની રાષ્ટ્રીય સ્પર્ધામાં રૂ. ૫,૦૦૦નું પારિતોષિક મળ્યું હતું. તેમની બીજી અનેક કૃતિઓને વિવિધ પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તેઓ ધર્મચિંતન, પ્રસંગચિત્રો, વ્યક્તિચિત્રો, રમતગમત વગેરેને લગતાં સંખ્યાબંધ કૉલમો ‘ગુજરાત સમાચાર'માં તથા કેટલાંક સામયિકોમાં લખે છે. ઉપરાંત અનેક સામયિકોમાં તેઓ લેખો પણ લખે છે. તેઓ ૧૯૬૧થી ‘ગુજરાત સમાચાર'ના રમત વિભાગના સંપાદક છે. . તાજેતરમાં તેમણે બ્રિટન અને અમેરિકાનો પ્રવાસ કરી ત્યાં ધર્મ અને સાહિત્યને લગતાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. કુમાળપાળ દેસાઈએ ૧૯૬૬માં પ્રતિમા પ્રાણલાલ શાહ સાથે લગ્ન કર્યું છે. તેમને બે સંતાનો છે : કૌશલ અને નીરવ.