Book Title: Chauvisi Author(s): Devchandji Publisher: ZZZ Unknown View full book textPage 1
________________ શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીસી (સ્વોપજ્ઞ બાલાવબોધ-ટીકા અને હિન્દી-ગુજરાતી અનુવાદ સહિત) સંપાદક : પ્રેમલ કાપડિયા પ્રકાશક : હર્ષદરાય પ્રા. લિ. જી. જી. હાઉસ, ડી. એસ. માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૧. પૃષ્ઠ : ૫૦૬ (૪૭૧ પ્રાચીન રંગીન ચિત્રો અને ૧૫૯ કલાત્મક કૃતિઓ સહિત) મૂલ્ય : US $ 70 પ્રસ્તુત રચના ‘ચોવીસી' એક મહાન વિદ્વાન અને સુપ્રતિષ્ઠિત સિદ્ધ અધ્યાત્મયોગી પરમ પૂજ્ય શ્રીમદ્ દેવચન્દ્રજી વાચક (વિ. સં. ૧૭૪૬–૧૮૧૨ તદનુસાર ઈ. સ. ૧૬૮૯–૧૭૫૫)ની આજીવન સમર્પિત અધ્યાત્મ સાધનાનું પરિપક્વ ફળ છે. શ્રીમદ્ દેવચન્દ્રજી ખરતરગચ્છના ઉપાધ્યાય શ્રી દીપચન્દ્રજી કે જેઓ રાજહંસગણિના નામે પણ વિખ્યાત હતા, તેઓના શિષ્ય હતા. આ ગ્રંથની પ્રસ્તાવનામાં સંપાદકે ગ્રંથકાર શ્રીમદ્ દેવચન્દ્રજીના સંક્ષિપ્ત જીવન વૃત્તાંતને રોચક રીતે નિરૂપિત કર્યું છે. શ્રીમદ્ દેવચન્દ્રજીના જીવન કવનને આલેખતા અન્ય મહત્ત્વપૂર્ણ ગુજરાતી ગ્રંથો જેવા કે – શ્રી કાંતિભાઈ બી. શાહ દ્વારા સંપાદિત ‘શ્રી દેવચન્દ્રજી મહારાજ કૃત સ્તવન—ચોવીસી', શ્રી મણિલાલ એમ. પાદરાવાલા દ્વારા લિખિત ‘શ્રીમદ્ દેવચન્દ્રજી : તેમનું જીવન અને ગુજરાતી સાહિત્ય' આદિ ગ્રંથોમાંથી ઉદ્ધૃત સંદર્ભો અને વિવરણોને લીધે પ્રસ્તુત ગ્રંથમાં નિરૂપિત થયેલું ગ્રંથકારનું જીવન–ચિત્રણ આધારભૂત અને તથ્યનિષ્ઠ બન્યું છે. જૈન પરંપરામાં સચિત્ર પ્રાચીન ગ્રંથોની પ્રથા મળે છે. જેથી આ પુસ્તકમાં પ્રાચીન ચિત્રો, પટ, હાંસિયા, ફૂલિકાઓ વગેરેનો યથાર્થ ઉપયોગ કરી દેવચન્દ્રજી ચોવીસીને સચિત્ર પ્રકાશિત કરી છે. આ માટે જૈન સંગ્રહાલયો તેમજ વ્યક્તિગત સંગ્રહમાંથી મળેલા ચિત્રો-પટ વિગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને કારણે આ ગ્રંથ અતિ સુંદર અને અદ્ભુત કક્ષાનો બન્યો છે. આ ગ્રંથ ‘ચોવીસી' અથવા ‘સ્તવન ચોવીસી'માં ખરેખર ૨૫ સ્તવનો આવેલા છે. ૨૪ સ્તવનો ચોવીસ તીર્થંકરોના નામથી અંકિત થયેલાં છે, જ્યારે અંતિમ પચીસમું સ્તવન ઉપસંહારાત્મક છે. આ ૨૫ સ્તવનોમાં કુલ ૨૧૪ ગાથાઓ આવેલી છે, જે અઢારમી સદીની ગુજરાતી ભાષામાં રચવામાં આવી છે. આ ગ્રંથમાં ગ્રંથકારની સ્વરચિત ટીકા-સ્વોપજ્ઞ બાલાવબોધ, પૂજ્ય કલાપૂર્ણસૂરીશ્વરજી કૃત રોચક અને વિશદ ગુજરાતી ભાવાનુવાદ અને તેનો પં. બંસીલાલ નલવાયા રતલામવાળાએ કરેલો હિન્ધુ અનુવાદ પ્રકાશિત કરવામાં આવ્યા છે. જો કે આ ગ્રંથ આમ તો તીર્થંકર પ્રભુની સ્તુતિરૂપે રચાયેલાં ભક્તિપૂર્ણ સ્તવનોનો સંગ્રહ છે, છતાંય તેનું એક આગવું વિશિષ્ટ પ્રયોજન પણ છે જ. આ કૃતિનું મુખ્ય લક્ષ્ય સર્વોચ્ચ પ્રબુદ્ધ આત્મા એવા તીર્થંકર પ્રભુને સમર્પિત સંનિષ્ઠ પરા ભક્તિનું સંવર્ધન કરવું એ જ છે. પણ આ ભક્તિ કેવળ ભાવનાઓ કે હાર્દિક સંવેદનાઓના આવેગની પરિણતિ નથી, વળી અહીં પ્રગાઢ મુગ્ધતા કે દીનતાની અવસ્થાનું નિરૂપણ પણ નથી. આ ભક્તિ તો ખરેખર આત્મ—દર્શનની સર્વોચ્ચ ભૂમિકાએ બિરાજતા તીર્થંકર પ્રભુને નિવેદિત સેવા અને સમર્પણના માધ્યમથી પોતાના જ આત્માને સમજવા, ઓળખવા અને તત્ત્વતઃ જાણવા માટેની પ્રક્રિયામાં સહાય કરનાર ઉત્કૃષ્ટ સાધન છે. આમ આ કૃતિ ભક્તિભાવથી રસાર્દ્ર હોવા છતાં બૌદ્ધિક દ્રષ્ટિકોણ અને આત્માના સ્વભાવ તથા તેની મૂળ દશાના શાસ્ત્રીય વૈજ્ઞાનિક વિવેચનથી જરાય અછૂતી નથી. વિનય, સમર્પણ, આદર અને ભક્તિના હૃદયંગમ ભાવોના સુંદર તાણા-વાણામાં ગૂંથવામાં આવેલા અધ્યાત્મ વિષયક સિદ્ધાંતોનું અહીં થયેલું નિરૂપણ એક પરમ અનુભવી અને પ્રબુદ્ધ ઉપદેષ્ટા શ્રીમદ્ દેવચન્દ્રજીના પ્રત્યક્ષ આત્મ-દર્શન પંથનું તદ્દન આગવું અનન્ય ચિત્રણ રજૂ કરે છે.Page Navigation
1 2